મહિલાઓના T20 એશિયા કપમાં ભારત ચૅમ્પિયન

Published: 1st November, 2012 03:41 IST

ભારતીય બોલરોનો તરખાટ પાકિસ્તાનને આપી પછડાટ, લો સ્કોરિંગ મૅચમાં ૧૮ રનથી જીત : પૂનમ રાઉત વુમન ઑફ ધ ફાઇનલગ્વૅન્ગડૉન્ગ (ચીન): ચીનમાં યોજાયેલો મહિલાઓનો સૌપ્રથમ T20 એશિયા કપ ભારતીય મહિલા ટીમે જીતી લીધો હતો. ગઈ કાલે લો સ્કોરિંગ ફાઇનલમાં ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૧૮ રને હાર આપી હતી. પાકિસ્તાન ટીમે છેલ્લી ૯ વિકેટ માત્ર ૩૨ રનમાં ગુમાવી દેતાં ફાઇનલમાં ભારતને હરાવીને ચૅમ્પિયન બનાવીને તક ગુમાવી દીધી હતી. ભારતીય પ્લેયરોની જીત માટે ચુસ્ત બોલિંગ અને ફીલ્ડિંગે મુખ્ય ભાગ ભજવ્યો હતો. બોલરોએ ૧૯.૧ ઓવરમાં ફક્ત બે જ રન એક્સ્ટ્રા આપ્યા હતા. ચુસ્ત ફીલ્ડિંગ સામે પાકિસ્તાની પ્લેયરોએ એક-એક રન માટે ઝઝૂમવું પડ્યું અને એમાં પણ બે ખેલાડીઓ રનઆઉટ થઈ ગઈ હતી. લીગ રાઉન્ડમાં પણ ભારતે પાકિસ્તાનને ૧૮ રને હાર આપી હતી. આમ ગયા મહિને શ્રીલંકાના T20 વર્લ્ડ કપમાં પરાજય બાદ ભારતનો આ સતત બીજો વિજય હતો.

ભારતની ખરાબ શરૂઆત

ભારતીય ટીમની કૅપ્ટન મિથાલી રાજ ઇન્જરીને લીધે રમવાની ન હોવાથી ટીમનું સુકાન સંભાળી રહેલી હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને પહેલી બૅટિંગ પસંદ કરી હતી, પણ પહેલી અને બીજી ઓવરમાં એક-એક વિકેટ ગુમાવતાં ટીમનો સ્કોર ૪ રનમાં બે વિકેટ થઈ ગયો હતો. ત્યાર બાદ કૅપ્ટન હરમનપ્રીત અને પૂનમ રાઉતે બાજી સંભાળીને ૩૨ રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે પૂનમ ૨૮ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૫ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ અમિતા શર્મા પણ ફક્ત બે રન બનાવીને પૅવિલિયનમાં પાછી ફરી હતી. જોકે ત્યાર બાદ કૅપ્ટનને રીમા મલ્હોત્રાએ ૩૧ બૉલમાં ૧૮ રન બનાવીને યોગ્ય સાથ આપ્યો હતો. હરમનપ્રીત પણ આખરે ૩૩ બૉલમાં ૨૦ રન બનાવીને આઉટ થઈ હતી. જોકે ટીમે છેલ્લી ઓવરના છેલ્લા બૉલે છેલ્લી વિકેટ ગુમાવીને ૮૧ રન બનાવી લીધા હતા. પાકિસ્તાન તરફથી સના મીરે ૪ ઓવરમાં ફક્ત ૧૪ રન આપી ૪ વિકેટે લઈને શ્રેષ્ઠ પફોર્ર્મ કર્યું હતું. બિસ્માહ મારુફ અને મરિયમ હસને પણ બે-બે વિકેટ લીધી હતી.

ધીમી શરૂઆત પછી ધબડકો

૮૨ રનના સાધારણ ટાર્ગેટ સામે પાકિસ્તાને પણ ચાર રન પર પહેલી વિકેટે ગુમાવીને ધીમી અને ખરાબ શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ બિસ્માહ મારુફ અને સના મીર વચ્ચે ૨૭ રનની પાર્ટનરશિપને લીધે ટીમની જીતની આશા જીવંત રહી હતી. જોકે ૩૧ના સ્કોર પર બીજી વિકેટ ગુમાવ્યા બાદ ધબડકો થતાં આખી ટીમ ૧૯.૧ ઓવરમાં ૬૩ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને એની છેલ્લી ૯ વિકેટ ફક્ત ૩૨ રનમાં ગુમાવી દીધી હતી. ભારત વતી અર્ચના દાસ અને નાગરાજન નિરંજનાએ બે-બે વિકેટ લીધી હતી. એકતા બિસ્તે ચાર ઓવરમાં ફક્ત ૯ રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી.

પૂનમ સ્ટાર, બિસ્માહ સુપરસ્ટાર

હાઇએસ્ટ ૨૫ રન તથા એક કૅચ અને એક રનઆઉટ બદલ ભારતની પૂનમ રાઉત પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થઈ હતી, જ્યારે પાકિસ્તાની ઑલરાઉન્ડર બિસ્માહ મારુફ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બની હતી.

ન રમવાનું દુ:ખ, પણ જીતની ખુશી

મૅચ બાદ ટીમની રેગ્યુલર કૅપ્ટન અને ઇન્જરીને લીધે ફાઇનલમાં ન રમનાર મિથાલી રાજે કહ્યું હતું કે ‘ઘૂંટણની ઇન્જરીને લીધે રમવા ન મળતાં દુખી છું, પણ ટીમ મેમ્બર માટે ખૂબ જ ખુશ છું. એશિયા કપ જીતવો એ એક મોટી સિદ્ધિ છે. ખાસ તો એ છે કે વર્ષ દરમ્યાન અમારી ટીમ એક ફૅમિલી બની ગઈ છે. દરેક જણ કૉન્સ્ટ્રિબ્યુટ કરી રહ્યું છે અને એકબીજા યોગ્ય સાથ આપી રહ્યું છે.’

સ્કોર બોર્ડ

ભારતીય મહિલા ટીમ : ૨૦ ઓવરમાં ૮૧ રનમાં ઑલઆઉટ (પૂનમ રાઉત ૨૫, હરમનપ્રીત કૌર ૨૦, રીમા મલ્હોત્રા ૧૮, સના મીર ૧૩ રનમાં ચાર, બિસ્માહ મારુફ ૧૪ રનમાં અને મરિયમ હસન ૮ રનમાં બે વિકેટ)

પાકિસ્તાની મહિલા ટીમ : ૧૯.૧ ઓવરમાં ૬૩ રનમાં ઑલઆઉટ (બિસ્માહ મારુફ ૧૮, નૈન અબીદી ૧૩, સના મીર ૧૧, અર્ચના દાસ ૧૨ રનમાં બે, નાગરાજન નિરંજના ૧૫ રનમાં બે, અનુજા પાટીલ પાંચ રનમાં એક તથા એકતા બિસ્ત ૯ રનમાં એક)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK