હું પૅડ પહેરીને, ઇન્જેક્શન લઈને રમવા એકદમ તૈયાર બેઠો હતો

Published: 25th January, 2021 12:17 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પોતાની બૅટિંગની રાહ જોઈ રહેલા રવીન્દ્ર જાડેજાએ કહ્યું...

રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજા

સિડની ટેસ્ટ ડ્રૉ કરાવવામાં રવીન્દ્ર જાડેજા અને હનુમા વિહારી મહત્ત્વની ઇનિંગ્સ રમ્યા હતા, પણ એ વખતે ઑલરાઉન્ડર જાડેજા અંગૂઠામાં ફ્રૅક્ચર હોવા છતાં પોતાની બૅટિંગ માટે પૅડ પહેરીને અને પેઇનકિલર ઇન્જેક્શન લઈને તૈયાર બેઠો હતો. નોંધનીય છે કે સિડની ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં જાડેજાને અંગૂઠામાં ઈજા થઈ હતી. તેની આ ઈજાને લીધે તેને ૬ અઠવાડિયાંનો આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી જેને લીધે તે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે.

મગજમાં ઘડી રહ્યો હતો યોજના

બીજી ઇનિંગમાં પોતાની બૅટિંગની રાહ જોતા બેઠેલા રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં કહ્યું હતું કે ‘હું પૅડ પહેરીને એકદમ રેડી હતો. મેં ઇન્જેક્શન પણ લઈ લીધું હતું. હું વિચારી રહ્યો હતો કે હું ૧૦-૧૫ ઓવર રમીશ અને એ માટે માનસિક તૈયારી કરી રહ્યો હતો કે હું કયા શૉટ રમીશ, કેમ કે ફ્રૅક્ચરના દુખાવા સાથે દરેક પ્રકારના શૉટ રમવાનું મારા માટે શક્ય નહોતું. ફાસ્ટ બોલર્સનો પણ સામનો કઈ રીતે કરવો, તેઓ મને કેવો બૉલ નાખી શકે છે એ બધી ગણતરી હું કરી રહ્યો હતો. મેદાનમાં જઈને ૧૦-૧૫ ઓવર રમવા માટે હું યોજના બનાવી રહ્યો હતો.’

મૅનેજમેન્ટ સાથે કરી હતી વાત

જાડેજાએ વધુમાં કહ્યું કે ‘મેં મૅનેજમેન્ટ સાથે વાત કરી હતી કે જો ભારત જીતવાની નજીક હશે એવા તબક્કે જ હું બૅટિંગ કરવા જઈશ. પુજારા અને પંતે ઘણી સારી બૅટિંગ કરીને એક પાર્ટનરશિપ ઊભી કરી હતી. અમને એક સમયે એવું પણ લાગ્યું હતું કે અમે મૅચ જીતી જઈશું, પણ બદ્નસીબે પંત આઉટ થઈ ગયો અને એના પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ત્યાર બાદ અમારે મૅચ ડ્રૉ કરવા માટે રમવાનું હતું. અશ્વિન અને વિહારીએ  ખરી રીતે મૅચ બચાવી હતી. તેમણે ખરેખર પોતાનું કૅરૅક્ટર બતાવ્યું હતું. ટેસ્ટમાં સ્કોર બનાવવાની વાત નથી. સમય અને પરિસ્થિતિના આધારે મૅચ બચાવવા રમવાનું હોય છે. એ એક અદ્ભુત ટીમવર્ક હતું. ઘણી બધી ઓવર રમીને તેમણે આખરે મૅચ બચાવી હતી.’

ખ્યાલ જ નહોતો કે ફ્રૅક્ચર થયું છે

જાડેજાએ કહ્યું કે ‘જ્યારે બૉલ વાગ્યો ત્યારે ખબર જ નહોતી કે અંગૂઠો તૂટી ગયો છે. મૅચ વખતે મારા મગજમાં એક જ વાત હતી કે ટીમના પૂંછડિયા બૅટ્સમૅન સાથે રમીને સ્કોર આગળ વધારવાનો છે. મને જરા પણ ખ્યાલ નહોતો કે અંગૂઠો અંદરથી તૂટી ગયો છે. હા, દુખાવો હતો, પણ મને એમ લાગતું હતું કે એ બૉલની અસર હશે જે અંગૂઠા પર લાગ્યો હતો અને એ વિચારીને જ હું બૅટિંગ કરતો હતો. જ્યારે અંગૂઠાને સ્કૅન કર્યો ત્યારે ખબર પડી કે એ અંદરથી તૂટી ગયો છે. પણ એ ઠીક છે. જો મારે આવી પરિસ્થિતિમાં ટીમ માટે બૅટિંગ કરવી પડત તોય મને એનો વાંધો નહોતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK