૧૦ વર્ષ બાદ ભારતીય ઓપનિંગ જોડી એશિયાની બહાર ૨૦ ઓવર સુધી ટકી

Published: 9th January, 2021 10:04 IST | Gujarati Mid-day Correspondent | Sydney

સિડની ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા ૩૩૮ રનમાં ઓલઆઉટ, ટીમ ઇન્ડિયાના બે વિકેટે ૯૬ રન:૨૦૧૦માં સાઉથ આફ્રિકા સામે સેહવાગ અને ગંભીર ૨૯.૩ ઓવર રમ્યા હતા, હવે ૯૨ ઇનિંગ્સ બાદ રોહિત શર્મા અને શુભમન ગિલે ૨૭ ઓવર ટકીને બનાવ્યા ૭૦ રન

સ્મિથને રનઆઉટ કર્યો એ બેસ્ટ, એની રિપ્લે હું વારંવાર જોઈશ: રવીન્દ્ર જાડેજા
સ્મિથને રનઆઉટ કર્યો એ બેસ્ટ, એની રિપ્લે હું વારંવાર જોઈશ: રવીન્દ્ર જાડેજા

સિડની ટેસ્ટમાં ગઈ કાલે ભારતે રવીન્દ્ર જાડેજા અને શુભમન ગિલના જોરે શાનદાર કમબૅક કર્યું હતું. ચાર વિકેટ અને સ્ટીવ સ્મિથને ડાયરેક્ટ-થ્રોમાં રનઆઉટ કરીને રવીન્દ્ર જાડેજાએ મસમોટા સ્કોર તરફ આગળ વધી રહેલા કાંગારૂઓને ૩૩૮ રન સુધી સીમિત રાખ્યા હતા. ત્યાર બાદ બીજી ટેસ્ટ રમી રહેલા યુવા શુભમન ગિલે કરીઅરની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારીને ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. હવે આજે રહાણે, પુજારા, હનુમા વિહારી, રિષભ પંત અને જાડેજા બૅટિંગમાં કેવો દમ બતાવે છે એના પર આ મૅચનું પરિણામ મોટા ભાગે નિર્ભર રહેશે.

ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે બે વિકેટે ૧૬૬ રનથી આગળ રમતાં સ્મિથ (૨૨૬ બૉલમાં ૧૬ ફોર સાથે ૧૩૧) અને માર્નસ લબુશેન (૧૯૬ બૉલમાં ૧૧ ફોર સાથે ૯૧) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૦૦ રનની પાર્ટનરશિપને લીધે તેઓ અેક સમયે બે વિકેટે ૨૦૬ની મજૂબત સ્થિતિમાં પહોંચી ગયા હતા, પણ ત્યાર બાદ જાડેજાના બૉલમાં લબુશેન નર્વસ નાઇન્ટીનો ભોગ બનતાં ૯ રનથી સેન્ચુરી ચૂકી ગયો હતો. પહેલા શિકારનો સ્વાદ ચાખ્યા બાદ જાડેજાની ફીરકી સામે કોઈ વધુ ટકી નહોતું શક્યું. પ્રથમ બે ટેસ્ટની નિષ્ફળતા ભુલાવવાના દઢ નિશ્ચયથી રમી રહેલો સ્મિથ કરીઅરની ૨૭મી અને ભારત સામે આઠમી સેન્ચુરી ફટકારીને ટીમને ૩૩૮ રનના સ્કોર સુધી લઈ ગયો હતો. જાડેજાએ ૬૨ રનમાં સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને પ્રથમ ટેસ્ટ રમી રહેલા નવદીપ સૈનીને ૨-૨ તથા મોહમ્મદ સિરાજને એક વિકેટ મળી હતી. પ્રથમ બે ટેસ્ટના સૌથી સફળ રહેલા રવિચન્દ્ર અશ્વિન સામે ઑસ્ટ્રેલિયનો બરાબર તૈયારી કરીને આવ્યા હતા, અટલે તેને અેક પણ વિકેટ નહોતી મળી.

ગિલની પહેલી હાફ સેન્ચુરી

શુભમન ગિલની કરીઅરની પ્રથમ હાફ સેન્ચુરી (૧૦૧ બૉલમાં ૮ ફોર સાથે ૫૦) અને ભારતની બહાર પ્રથમ વાર ટેસ્ટમાં ઓપનિંગ કરી રહેલા અને આ ટેસ્ટથી ટીમમાં કમબૅક કરી રહેલા રોહિત શર્મા (૭૭ બૉલમાં એક સિક્સર ૩ ફોર સાથે ૨૬)એ ૭૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. છએક ઓવરના ગાળામાં બન્ને આઉટ થઈ ગયા હતા, પણ ધ વૉલ ચેતેશ્વર પુજારા ૫૩ બૉલમાં ૯ રન અને કૅપ્ટન અજિંક્ય રહાણેએ ૪૦ બૉલમાં પાંચ રન સાથે અડગ રહીને વધુ કોઈ નુકસાન થતું રોક્યું હતું. ભારતે આખરે દિવસના અંતે ૪૫ ઓવરમાં બે વિકેટે ૯૬ રન બનાવ્યા હતા. તેઓ ઑસ્ટ્રેલિયાથી હજી ૨૪૨ રન પાછળ છે અને એની ૮ વિકેટ બાકી છે. જોશ હેઝલવુડ અને પૅટ કમિન્સને એક-એક વિકેટ મળી હતી.

૯૨ ઇનિંગ્સ બાદ મજબૂત શરૂઆત

૨૭ ઓવરમાં ૭૦ રન બનાવી નવી ઓપનિંગ જોડી શુભમન ગિલ અને રોહિત શર્માએ ટીમને મજબૂત શરૂઆત કરાવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ વર્ષ અને ૯૨ ઇનિંગ્સ બાદ પ્રથમ વાર જોવા મળ્યું હતું કે એશિયાની બહાર ભારતીય ઓપનરો ૨૦ કે એથી વધુ ઓવર ટક્યા હતા. છેલ્લે ૨૦૧૦માં સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે ભારતીય ઓપનિંગ જોડી વીરેન્દર સેહવાગ અને ગૌતમ ગંભીર ૨૯.૩ ઓવર સુધી ટક્યા હતા. ત્યાર બાદ આ ૧૦ વર્ષના ગાળામાં ભારત એશિયાની બહાર ૯૨ ઇનિંગ્સ રમ્યું છે, પણ કોઈ ૨૦ કે એથી વધુ ઓવર સુધી ટકી નહોતું શક્યું.

બીજા દિવસે ૨૬૮ રન, ૧૦ વિકેટ

પ્રથમ દિવસે વરસાદના વિઘ્ન વચ્ચે પપ ઓવરમાં ૧૬૬ રનમાં બે વિકેટ પડી હતી. ગઈ કાલે કુલ ૯૫.૪ ઓવરની રમતમાં કુલ ૨૬૮ રન બન્યા હતા અને ઑસ્ટ્રેલિયાની ૮ અને ભારતની બે મળી કુલ ૧૦ વિકેટ પડી હતી.

ઑસ્ટ્રેલિયા સામે રોહિતની ૧૦૦ સિક્સર

વિદેશી ધરતી પર ટેસ્ટમાં પ્રથમ વાર ઓપનિંગ કરી રહેલા રોહિત શર્માએ નૅથન લાયનને ગઈ કાલે સિક્સર ફટકારીને એક અનોખી સેન્ચુરી પૂરી કરી હતી. ૧૬મી ઓવરના બીજા બૉલમાં રોહિતે ફટકારેલી સિક્સર એ તેની ઑસ્ટ્રેલિયા સામેની ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦૦મી સિક્સર હતી. ઑસ્ટ્રેલિયા સામે આવી કમાલ કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો.  જોકે એક દેશ સામે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ હજી વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલના નામે છે. તેણે સૌથી વધુ ૧૩૦ સિક્સર ઇંગ્લૅન્ડ સામે ફટકારી છે. ઑસ્ટ્રેલિયા સામે રોહિતની ૧૦૦ બાદ બીજા નંબરે ઇઓન મૉર્ગનની ૬૩, ત્રીજા નંબરે બ્રેન્ડન મૅક્‍લમની ૬૧,  ચોથા નંબરે સચિન અને ધોનીની ૬૦ સિક્સર છે.

સ્મિથની ભારત સામે સૌથી ઓછી ઇનિંગ્સમાં ૮ સેન્ચુરી

ફરી ફૉર્મમાં આવી ગયેલા સ્મિથે ગઈ કાલે કરીઅરની ૨૭મી ટેસ્ટ-સેન્ચુરી ફટકારીને અનેક રેકૉર્ડ બનાવ્યા હતા.

સ્મિથની ભારત સામે આ ૨૫મી ઇનિંગ્સમાં આઠમી સેન્ચુરી હતી. આમ ભારત સામે સૌથી ઓછી ઇનિંગ્સમાં આઠ સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો છે. આ સાથે તેણે કૅરિબિયન લેજન્ડ ગૅરી સોબર્સ (૩૦ ઇનિંગ્સ) અને વિવિયન રિચર્ડ્સ (૪૧ ઇનિંગ્સ)ને પાછળ રાખી દીધા છે.

સ્મિથે સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરીની યાદીમાં વિરાટ કોહલી, ઍલન બોર્ડર અને ગ્રીમ સ્મિથની બરોબરી કરી હતી. સ્મિથની ૨૭મી સેન્ચુરી ૭૬મી ટેસ્ટમાં નોંધાઈ છે, જ્યારે કોહલીએ ૮૭, ગ્રીમ સ્મિથે ૧૧૭ અને બોર્ડરે ૧૫૬મી ટેસ્ટમાં નોંધાવી હતી.

સૌથી ઓછી ઇનિંગ્સમાં ૨૭ સેન્ચુરીના મામલે તે ડૉન બ્રૅડમૅન બાદ બીજા નંબરે પહોંચી ગયો છે. બ્રડૅમૅને ફાસ્ટેસ્ટ ફક્ત ૭૦ ઇનિંગ્સમાં ૨૭ સેન્ચુરી ફટકારી છે, જ્યારે સ્મિથ ૧૩૬ ઇનિંગ્સ સાથે બીજા નંબરે છે. આ મામલે તેણે સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલીને પણ પાછળ રાખી દીધા છે. સચિન-વિરાટે ૧૪૧મી ઇનિંગ્સમાં ૨૭મી સેન્ચુરી ફટકારી હતી.

બર્થ-ડેના દિવસે હેઝલવુડની ૩૦૦મી વિકેટ

ઑસ્ટ્રેલિયન પેસબોલર જોશ હેઝલવુડનો ગઈ કાલે જન્મદિવસ હતો અને ઉંમરના ૩૦ વર્ષની ઉજવણી તેણે ૩૦૦મી ઇન્ટરનૅશનલ વિકેટ સાથે કરી હતી. હેઝલવુડે ટેસ્ટમાં ૨૦૩, વન-ડેમાં ૮૮ અને ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ૯ મળી કુલ ૩૦૦ વિકેટ લીધી છે.

શુભમન ગિલ યંગેસ્ટ હાફ સેન્ચુરિયન ઓપનર

૨૧ વર્ષ અને ૧૨૨ દિવસની ઉંમરે શુભમન ગિલે ગઈ કાલે બીજી ટેસ્ટમાં કરીઅરની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી હતી એ સાથે તે ઑસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટમાં હાફ સેન્ચુરી ફટકારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બન્યો છે. આ રેકૉર્ડ આ પહેલાં લોકેશ રાહુલના નામે ૨૨ વર્ષ અને ૨૬૫ દિવસનો હતો.

સ્મિથને રનઆઉટ કર્યો એ બેસ્ટ, એની રિપ્લે હું વારંવાર જોઈશ: રવીન્દ્ર જાડેજા

રવીન્દ્ર જાડેજાનું સ્ટેટસ એક આધારસ્તંભ ઑલરાઉન્ડર તરીકે દિવસે-દિવસે મજબૂત થઈ રહ્યું છે. ગઈ કાલે પણ તેણે ચાર વિકેટ સાથે ઑસ્ટ્રેલિયનોને મોટો સ્કોર બનાવતાં રોકવા ઉપરાંત જામી ગયેલા સ્મિથને ડાયરેક્ટ-થ્રો વડે રનઆઉટ કરીને કમાલ કરી હતી. જાડેજાએ પણ તેના આ રનઆઉટને તેની બેસ્ટ ફીલ્ડિંગ ગણાવી હતી. જાડેજાઅે કહ્યું હતું કે ‘હું આ રનઆઉટને વારંવાર રિવાઇન્ડ કરીને જોયા કરીશ, કેમ કે આ મારી બેસ્ટ ફીલ્ડિંગ હતી. ૩૦ યાર્ડ સર્કલની બહારથી ડાયરેક્ટ હિટની આ મોમેન્ટ તમને સંતુષ્ટિની અનુભૂતિ કરાવે છે. ત્રણ કે ચાર વિકેટ બરાબર છે, પણ આ રનઆઉટને હું હંમેાશાં યાદ રાખીશ.’

જાડેજાએ બૉક્સિંગ ડે ટેસ્ટમાં પણ મૅથ્યુ વેડનો ઉત્કૃષ્ટ કૅચ પકડ્યો હતો.

ઇન્ટરનૅશનલ ક્રિકેટના સિક્સર કિંગ્સ

૫૩૪ ક્રિસ ગેઇલ

૪૭૬ શાહિદ આફ્રિદી

૪૨૪ રોહિત શર્મા

એક દેશ સામે સૌથી વધુ સિક્સર

સિક્સર     ખેલાડી     વિરુદ્ધ

૧૩૦ ક્રિસ ગેઇલ  ઇંગ્લૅન્ડ

૧૦૦ રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા

૮૭   ક્રિસ ગેઇલ  ન્યુ ઝીલૅન્ડ

૮૬   શાહિદ આફ્રિદી    શ્રીલંકા

ગઈ કાલની સિક્સર સાથે રોહિતની ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કુલ ૪૨૪ (ટેસ્ટમાં ૫૩, વન-ડેમાં ૧૨૭ અને ટી૨૦ ઇન્ટરનેશનલમાં ૨૪૪) સિક્સર થઈ છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરના મામલે તે ભારતનો નંબર-વન અને ઓવરઑલ ત્રીજા નંબરે છે. યુનિવર્સલ બૉસ ક્રિસ ગેઇલની ૫૩૪ હાઇએસ્ટ છે અને બીજા નંબરે પાકસ્તાનના શાહિદ આફ્રિદીની ૪૭૬ સિક્સર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK