પહેલી T૨૦ મૅચ: ઑસ્ટ્રેલિયા સામે વરસાદે બચાવી પાકિસ્તાનની લાજ

Published: Nov 04, 2019, 13:58 IST

ઑસ્ટ્રેલિયાની ધરતી પર ગઈ કાલે રમાયેલી પહેલી ટી૨૦ મૅચમાં મહેમાન ટીમ પાકિસ્તાનને હારનો કે જીતનો સ્વાદ ચાખવા નહોતો મળ્યો.

વરસાદ બન્યો વિલન : કૅપ્ટન એરોન ફિન્ચે ૧૬ બૉલમાં પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી ૩૭ રન બનાવ્યા હતા.
વરસાદ બન્યો વિલન : કૅપ્ટન એરોન ફિન્ચે ૧૬ બૉલમાં પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી ૩૭ રન બનાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયાની ધરતી પર ગઈ કાલે રમાયેલી પહેલી ટી૨૦ મૅચમાં મહેમાન ટીમ પાકિસ્તાનને હારનો કે જીતનો સ્વાદ ચાખવા નહોતો મળ્યો. વાસ્તવમાં આ મૅચ વરસાદને કારણે કોઈ પણ નિષ્કર્ષ વિના સમાપ્ત કરી દેવામાં આવી હતી. 

ટોસ જીતીને ઑસ્ટ્રેલિયાએ પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો અને બૅટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમે ૧૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૦૫ રન બનાવ્યા હતા, જેમાં કૅપ્ટન બાબર આઝમની નૉટઆઉટ ૫૯ રનની ઇનિંગ સામેલ હતી. વરસાદને કારણે મૅચ ૧૫ ઓવરની રમાડવામાં આવી હતી. મોહમ્મદ રિઝવાને ૩૧ અને આસિફ અલી ૧૧ રન કરીને આઉટ થયા હતા.
ફૉર્મમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયન ટીમ માટે આ ટાર્ગેટ પ્રાપ્ત કરવો સરળ હતો અને તેમની ધુઆંધાર બૅટિંગ પરથી પણ એ વાતની સાબિતી મળતી હતી. યજમાન ટીમે ૩.૧ ઓવરમાં ૪૧ રન બનાવી લીધા હતા. કૅપ્ટન એરોન ફિન્ચે ૧૬ બૉલમાં પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી ૩૭ રન બનાવ્યા હતા. એવામાં વરસાદે આવીને પોતાની ગેમ રમી અને મૅચ રદ કરવાનો વારો આવ્યો હતો. ટૂંકમાં વરસાદને કારણે પાકિસ્તાન પરાજયનો સ્વાદ ચાખતા બચી ગયું હતું અને કોઈ પણ પરિણામ પર પહોંચ્યા વિના મૅચ સમાપ્ત કરવામાં આવી હતી. બન્ને ટીમો વચ્ચેની બીજી મૅચ હવે આવતી કાલે રમાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK