IPL 2020: વિરાટ અપેક્ષાઓ સાથે ટક્કર હૈદરાબાદ સામે બૅન્ગલોરની

Published: Sep 21, 2020, 07:15 IST | Gujarati Mid-day Correspondent | Dubai

બૅલૅન્સ જણાતી કૅપ્ટન કોહલી ઍન્ડ કંપની દુબઈમાં આજે લો-પ્રોફાઇલ, પણ સાતત્યપૂર્ણ પર્ફોર્મ કરતી વૉર્નર-સેના સામે નવી સીઝનની કરશે શરૂઆત

કોહલી અને વૉર્નર
કોહલી અને વૉર્નર

આજે દુબઈમાં આઇપીએલની ૧૩મી સીઝનમી ત્રીજી મૅચમાં સાઉથની બે ટીમ વચ્ચે રોમાંચક જંગ જામવાની અપેક્ષા છે. અઢળક ચાહકોવાળી બન્ને ટીમો પાસે દર વર્ષે ખૂબ અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે. જોકે બૅન્ગલોર ત્રણ-ત્રણ વાર ફાઇનલમાં પ્રવેશ કર્યા છતાં ક્યારેય ટ્રોફી જીતી નથી શક્યું, જ્યારે હૈદરાબાદે બબ્બે વાર ચૅમ્પિયનનો મુગટ પહેર્યો છે.

કોણ કેટલા પાણીમાં

બન્ને ટીમ પાસે ડેન્જરસ બૅટ્સમેનો છે જે એકલે હાથે મૅચનું પાસું પલટી નાખવા સક્ષમ છે. બૅન્ગલોરની વાત કરીએ તો કૅપ્ટન કોહલીની વિરાટ ટૅલન્ટ વિશે વાત કરવાની જરૂર નથી. કોહલીના ટુર્નામન્ટમાં ૫૪૧૨ રન સૌથી હાઇએસ્ટ છે, પણ ટીમ તરફથી યોગ્ય સાથ ન મળતો હોવાથી હજી સુધી પહેલા ચૅમ્પિયનના સિંહાસન પર બિરાજમાન નથી થઈ શક્યો. એ. બી. ડિવિલિયર્સ ભલભલા બૅટ્સમેનોને ભયભીત કરી શકે છે. ટીમમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍરોન ફિન્ચના સમાવેશથી બૅટિંગ લાઇનઅપ વધુ મજબૂત થઈ ગઈ છે. દેવદત્ત પડિક્કલને પણ ભારતીય ક્રિકેટનો ભવિષ્યનો સ્ટાર માનવામાં આવી રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, ઉમેશ યાદવ, ડેલ સ્ટેન, વૉશિંગ્ટન સુંદર અને ઍડમ ઝમ્પા જેવા બોલરો તથા ઑલરાઉન્ડરો મોઇન અલી, ક્રિસ મૉરિસ અને શિવમ દુબે બૅન્ગલોરને બલ્લે-બલ્લે કરાવી શકે છે.

હૈદરાબાદની ઓપનિંગ જોડી વૉર્નર અને જૉની બેરસ્ટોએ ગઈ સીઝનમાં ભારે ધમાલ મચાવી હતી અને અનેક રેકૉર્ડ કર્યા હતા. આ જોડીએ ગઈ સીઝનમાં બૅન્ગલોર સામે જ ૧૮૫ રનની હાઇએસ્ટ ઓપનિંગ પાટર્નરશિપનો રેકૉર્ડ બનાવ્યો હતો. મનીષ પાંડે, કેન વિલિયમસન, મિચલ માર્શ અને ફૅબિયન એલન મિડલ ઑર્ડરને મજબૂતી આપે છે. બોલરોમાં ભુવનેશ્વકુમાર અને ટી૨૦નો નંબર-વન બોલર રાશિદ ખાનને મોહમ્મ નબી, ખલીલ અહમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શાહબાદ નદીમ સાથ આપશે. ઑલરાઉન્ડર વિજય શંકર પણ જરૂર પડ્યે ટીમની વહારે આવી શકે છે.

૨૦૧૯માં શું હાલ હતા?

ગઈ સીઝનમાં રનરેટના આધારે પૉઇન્ટ-ટેબલમાં ચોથા નંબરે રહીને પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો, પણ ત્યાં તેમણે દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ બૅન્ગલોરે ગઈ સીઝનમાં પણ અસાતત્યભર્યો પર્ફોર્મન્સ જાળવી રાખ્યો હતો અને ૧૪માંથી ૮ હાર સાથે એ પૉઇન્ટ-ટેલબ પર આઠમા અને છેલ્લા નંબરે હતું.

આમને-સામને

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ૧૫ ટક્કર જામી છે, જેમાંથી ૮ હૈદરાબાદે અને ૬ બૅન્ગલોરે જીતી છે. એક મૅચનું પરિણામ નહોતું આવ્યું. ગઈ સીઝનમાં બન્ને ટીમે ૧-૧ મૅચ જીતીને બરોબરની ટક્કર આપી હતી.

યુએઈનો શું હિસાબ છે?

૨૦૧૪માં યુએઈમાં બૅન્ગલોરે પ્રથમ બન્ને મૅચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પણ બાકીની ત્રણેય મૅચમાં તેઓ હારી ગયા હતા. હૈદરાબાદના પણ એવા જ હાલ હતા અને પાંચમાંથી ૩ મૅચ હારી ગયા હતા અને બે જીત્યા હતા. જોકે ત્યારે યુએઈમાં બન્ને ટીમ વચ્ચે ટક્કર નહોતી થઈ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK