શેન વૉટ્સનને સ્વદેશ પાછા ફરવા બોર્ડનો આદેશ

Published: 16th October, 2012 05:19 IST

તેના ફિટનેસ ને ફૉર્મને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પહેલાં ખરાબ અસર થઈ શકે એવો ક્રિકેટ બોર્ડને ડર


સિડની: ૭ ઑક્ટોબરે પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતનાર શેન વૉટ્સનને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આ અઠવાડિયે સ્વદેશ પાછા આવી જવાનો ગઈ કાલે આદેશ આપ્યો હતો. ૯ નવેમ્બરથી ઑસ્ટ્રેલિયા ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટસિરીઝ રમશે અને બોર્ડ ઇચ્છે છે કે વૉટ્સન એ પહેલાં ૧૦૦ ટકા ફિટ રહે અને પૂરતી પ્રૅક્ટિસ કરે.વૉટ્સન સાથેના કરાર મુજબ આ રીતે તેને ચૅમ્પિયન્સ લીગની અધવચ્ચેથી પાછો બોલાવી લેવાનો બોર્ડને અધિકાર છે.

વૉટ્સન ચૅમ્પિયન્સ લીગમાં સિડની સિક્સર્સ ટીમમાં છે. તે સાઉથ આફ્રિકામાં ચાલતી આ ટુર્નામેન્ટની માત્ર બે લીગ મૅચ રમશે. આ બે મૅચ યૉર્કશર સામે (૧૬ ઑક્ટોબર) અને હાઇવેલ્ડ લાયન્સ સામે (૧૮ ઑક્ટોબર) છે. એ પછી મુંબઈ ઇન્ડિયન્સ સામે (૨૨ ઑક્ટોબર) રમાનારી ત્રીજી લીગ મૅચમાં તે નહીં રમે.

અગાઉની ચૅમ્પિયન્સ લીગમાં રમ્યા બાદ ટેસ્ટસિરીઝ રમવામાં માઇક હસી અને ડગ બોલિન્જરને ઈજાની સમસ્યા નડી હતી એટલે ઑસ્ટ્રેલિયન બોર્ડ વૉટ્સનની બાબતમાં કોઈ રિસ્ક લેવા નથી માગતું અને એટલે જ તેને વહેલો બોલાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઑસ્ટ્રેલિયન બોર્ડે બોલિંગ-કોચ અલી ડિવિન્ટરને વૉટ્સન ઉપરાંત ચૅમ્પિયન્સ લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમતા બેન હિલ્ફેનહૉસ અને સિડની સિક્સર્સ વતી રમતા પૅટ ક્યુમિન્સ તથા મિચલ સ્ટાર્કની ફિટનેસ અને પફોર્ર્મન્સ પર નજર રાખવા કહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK