Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇશ્વરની ઇચ્છા હતી એટલે ડબલ સેન્ચુરી શક્ય બની : વીરુ

ઇશ્વરની ઇચ્છા હતી એટલે ડબલ સેન્ચુરી શક્ય બની : વીરુ

09 December, 2011 06:28 AM IST |

ઇશ્વરની ઇચ્છા હતી એટલે ડબલ સેન્ચુરી શક્ય બની : વીરુ

ઇશ્વરની ઇચ્છા હતી એટલે ડબલ સેન્ચુરી શક્ય બની : વીરુ






ઇન્દોર: ભારતને ગઈ કાલે ૩-૧થી સિરીઝ જિતાડી આપનાર કૅપ્ટન વીરેન્દર સેહવાગ (૨૧૯ રન, ૧૪૯ બૉલ, ૭ સિક્સર, ૨૫ ફોર)એ મૅચ પછી કહ્યું હતું કે ‘હું ડબલ સેન્ચુરી કરીશ એવું મેં આ મૅચ પહેલાં વિચાર્યું જ નહોતું. હું ગૌતમ ગંભીરને સતત કહેતો હતો કે આપણે ધીરજપૂર્વક રમીશું તો મોટું ટોટલ જરૂર બનાવી શકીશું. વિકેટ બૅટિંગ માટે સારી હતી, આઉટફીલ્ડ પણ વન્ડરફુલ હતી અને બાઉન્ડરી-લાઇન માત્ર ૧૫૦ ફૂટ દૂર હતી એટલે ઢગલો રન શક્ય તો હતા જ. ૩૫થી ૪૦મી ઓવર વચ્ચેના પાવરપ્લે દરમ્યાન મને ડબલ સેન્ચુરીની સંભાવનાનો પહેલી વખત વિચાર આવ્યો હતો.’


સેહવાગે ડબલ સેન્ચુરીની સંભાવનાને કેવી રીતે ફળીભૂત કરી એની વાત કરતા જણાવ્યું હતું કે ‘હરીફ કૅપ્ટન ડૅરેન સૅમીએ હું ૧૭૦મા રને હતો ત્યારે મારો છોડ્યો ત્યારે મને વિચાર આવ્યો કે આ જીવતદાન મળ્યું એટલે ઇશ્વર જરૂર મારા પડખે છે જ એટલે હવે તો મારે ડબલ સેન્ચુરી ફટકારવા કોઈ કસર બાકી ન રાખવી જોઈએ.’


હું હવે ઘરડો થઈ ગયો છું : વીરુ

૩૩ વર્ષના સેહવાગે પોતે હવે ક્રિકેટર તરીકે ઘરડો થઈ ગયો કહેવાય એવો મજાકિયો વિચાર પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હું બહુ થાકી ગયો છું. ૩૩ વર્ષનો થઈ ગયો છું અને મને લાગે છે કે હવે ક્રિકેટના મેદાન પર હું મોટી ઉંમરે પહોંચી ગયો છું. હું ડ્રેસિંગ-રૂમમાં જઈને આઇસ-બાથની મોજ માણીશ અને પાછો મેદાન પર આવીશ.’

વન-ડેમાં પહેલી વાર ડબલ સેન્ચુરી બનતા ૪૦ વર્ષ લાગ્યા હતા, પરંતુ એ બની ગયા પછી બીજી ડબલ બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં બની ગઈ છે. સચિને ફેબ્રુઆરી ૨૦૧૦માં આ સિદ્ધિ મેળવી હતી અને ગઈ કાલે સેહવાગે પણ ડબલ ફટકારી હતી.

સચિનની ડબલને ચિયર-અપ કરી હતી

સેહવાગે ગઈ કાલે મૅચ પછી રવિ શાસ્ત્રીને કહ્યું હતું કે ‘ગયા વર્ષે ગ્વાલિયરમાં સચિને સાઉથ આફ્રિકા સામે વન-ડેની પ્રથમ ડબલ સેન્ચુરી કરી હતી ત્યારે મેં તેને એ ઇનિંગ્સ દરમ્યાન ખૂબ પાનો ચડાવ્યો હતો. જોકે ત્યારે મેં મારા આ હીરોની ડબલનું અનુકરણ કરવાનું અને તેના રેકૉર્ડને તોડવાનું પણ નક્કી કર્યું હતું જે મેં કરી લીધું.’

સેહવાગને બદલે મનોજ તિવારીએ ફીલ્ડિંગ કરી હતી અને તેણે ડેન્જરસ બૅટ્સમૅન રવિ રામપૉલ (૧૦ રન)નો રવીન્દ્ર જાડેજાના બૉલમાં કૅચ પકડ્યો હતો.

૧૦ લાખ રૂપિયાનું સ્પેશ્યલ ઇનામ

સેહવાગને વન-ડેનો વર્લ્ડ રેકૉર્ડ કરવા બદલ ગઈ કાલે ૧૦ લાખ રૂપિયાનું સ્પેશ્યલ ઇનામ મળ્યું હતું.

ઑર એક ડબલ, ફરી ૧૫૩ રનથી જીત

ફેબ્રુઆરીમાં ગ્વાલિયરમાં સચિન તેન્ડુલકરે સાઉથ આફ્રિકા સામે જે ડબલ સેન્ચુરી (૨૦૦ નૉટઆઉટ) કર્યા હતા ત્યાર પછી ભારત ૧૫૩ રનના માર્જિનથી જીત્યું હતું. ગઈ કાલે સેહવાગની ડબલ સેન્ચુરી (૨૧૯) પછી પણ સામે ભારતે ૧૫૩ રનથી વિજય મેળવ્યો હતો.

સૅમી ટૉસ હારી જતાં થયો નિરાશ

સેહવાગ ગઈ કાલે સિરીઝમાં ચોથી વખત ટૉસ જીત્યો હતો. જોકે તેણે પહેલી વાર બૅટિંગ લીધી હતી. ડૅરેન સૅમીથી ટૉસ હારી ગયાનો આંચકો સહન નહોતો થયો અને તે સેહવાગ સાથે હાથ મિલાવ્યા વિના નિરાશ થઈને ચાલવા લાગ્યો હતો. જોકે પછીથી સૅમીએ દિલગીરી વ્યક્ત કરી હતી.

રાહુલ શર્માને કરીઅરની પ્રથમ મૅચ ફળી

જલંધરમાં જન્મેલા અને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં ડેક્કન ચાર્જર્સ પછી પુણે વૉરિયર્સ વતી રમી ચૂકેલા પચીસ વર્ષની ઉંમરના લેગ સ્પિનર રાહુલ શર્માને ગઈ કાલે કરીઅરની પ્રથમ વન-ડે ફળી હતી. તેણે ૪૩ રનના ખર્ચે ત્રણ મહત્વની વિકેટો લીધી હતી. તેણે માર્લન સૅમ્યુલ્સ (૩૩), ડૅન્ઝા હયાત (૧૧) અને કીરૉન પોલાર્ડ (૩)ને આઉટ કર્યા હતા. એ ઉપરાંત તેણે ઓપનર કીરૅન પોવેલ (૭)ને રનઆઉટ પણ કરાવ્યો હતો.

સ્કોર-બોર્ડ

ભારત : ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૪૧૮ રન (સેહવાગ ૨૧૯, ગંભીર ૬૭, રૈના ૫૫, રોહિત ૨૭, કોહલી ૨૩ નૉટઆઉટ, રસેલ ૬૩ રનમાં તથા પોલાર્ડ ૬૫ રનમાં અને રૉચ ૮૮ રનમાં એક-એક વિકેટ)

વેસ્ટ ઇન્ડીઝ : ૪૯.૨ ઓવરમાં ૨૬૫ રને ઑલઆઉટ (રામદીન ૯૬, સિમન્સ ૩૬, સૅમ્યુલ્સ ૩૩, રસેલ ૨૯, નારાયણ ૨૭ નૉટઆઉટ, જાડેજા ૩૪ રનમાં ત્રણ, રાહુલ શર્મા ૪૩ રનમાં ત્રણ, રૈના ૧૭ રનમાં બે અને અશ્વિન ૫૯ રનમાં એક વિકેટ, વિનયકુમાર ૩૪ રનમાં તથા મિથુન ૩૭ રનમાં અને રોહિત ૩૯ રનમાં એકેય વિકેટ નહીં)

ટૉસ : ભારત

મૅન ઑફ ધ મૅચ : વીરેન્દર સેહવાગ

સારું થયું ઇન્ડિયને જ રેકૉર્ડ તોડ્યો : સચિન

સચિન તેન્ડુલકર ગઈ કાલે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ સહિત છ પ્લેયરો સાથે ઑસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. તેણે ફોન પર ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વીરુએ પણ ડબલ સેન્ચુરી ફટકારી એનો મને ખૂબ આનંદ છે. ખરું કહું તો બીજી ડબલ સેન્ચુરી ફટકારનાર તેમ જ મારો રેકૉર્ડ તોડનાર પ્લેયર મારો સાથી છે એની મને વધુ ખુશી છે. તેણે પણ ભારતને ગૌરવ અપાવ્યું છે. વેલ ડન, વીરુ! Whatsapp-channel Whatsapp-channel

09 December, 2011 06:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK