Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સાઇના નેહવાલ કોરોના-પૉઝિટિવ, સિંધુની પહેલા રાઉન્ડમાં હાર

સાઇના નેહવાલ કોરોના-પૉઝિટિવ, સિંધુની પહેલા રાઉન્ડમાં હાર

13 January, 2021 09:09 AM IST | Bangkok

સાઇના નેહવાલ કોરોના-પૉઝિટિવ, સિંધુની પહેલા રાઉન્ડમાં હાર

સાઇના નેહવાલ

સાઇના નેહવાલ


ઑલિમ્પિક્સમાં પોતાની દાવેદારી પ્રબળ કરવા માટે તૈયારી કરી રહેલા ભારતીય બૅડ્મિન્ટન પ્લેયરોને કોરોનાનો અને હારનો સામનો કરવાની વારો આવ્યો છે. થાઇલૅન્ડ ઓપન રમવા ગયેલી સાઇના નેહવાલનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. સોમવારે ત્રીજા રાઉન્ડની ટેસ્ટમાં તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. બૅડ્મિન્ટન અસોસિયેશન ઑફ ઇન્ડિયા (બીએઆઇ)એ પણ આ વાતની પુષ્ટિ કરી છે. સાઇના ઉપરાંત એચ. એસ. પ્રણોય પણ કોરોના-સંક્રમિત હતો.

બીએઆઇના જણાવ્યા પ્રમાણે આ બન્ને ખેલાડીઓએ થાઇલૅન્ડ ઓપનમાંથી પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં છે અને આગામી ૧૦ દિવસ સુધી તેઓ હૉસ્પિટલમાં આઇસોલેટ રહેશે. સાઇનાનો પતિ અને બૅડ્મિન્ટન પ્લેયર પારુપલ્લી કશ્યપને પણ આઇસોલેટ થવાની સલાહ આપવામાં આવી છે. જોકે તે ટુર્નામેન્ટ માટે બૅન્ગકૉકમાં જ રહેશે.



બીએઆઇના જણાવ્યા પ્રમાણે તેઓ વર્લ્ડ બૅડ્મિન્ટન ફેડરેશન (બીડબલ્યુએફ), ટીમ મૅનેજમેન્ટ, ખેલાડીઓ અને આયોજકો સાથે સતત સંપર્કમાં છે. ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ જ પ્લેયર્સે પોતાનાં નામ પાછાં ખેંચવાનો નિર્ણય લીધો હતો.


સાઇનાના પ્રથમ રાઉન્ડની હરીફ મલેશિયન પ્લેયર કિસોના સેલ્વાદુરેને વૉકઓવરનો લાભ મળ્યો હતો. પી. કશ્યપનો પણ પહેલો મુકાબલો ગઈ કાલે કૅનેડાના જેસન ઍન્થની સામે હતો.

સાઇના અને પ્રણોય કોરોના-પૉઝિટિવ થતાં ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય કરવું તેમને માટે હવે વધારે કપરું થઈ ગયું છે. થાઇલૅન્ડ ઓપન ૧૭ જાન્યુઆરી સુધી ચાલશે, ત્યાર બાદ ૧૯ જાન્યુઆરીથી ટોયોટા થાઇલૅન્ડ ઓપન અને ૨૭ જાન્યુઆરીથી બીડબ્લ્યુએફની વર્લ્ડ ટૂર ફાઇનલ્સ રમાશે. કોરોનાગ્રસ્ત થતાં આઇસોલેટ થયેલા ભારતીય પ્લેયર્સ માટે વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં રમવું અસંભવ લાગી રહ્યું છે.


sindhu-009

કમબૅક ફ્લૉપ, સિંધુ, પ્રણીતની હાર

૧૦ મહિના બાદ ઇન્ટરનૅશનલ બૅડ્મિન્ટનમાં કમબૅક કરી રહેલી ભારતની સ્ટાર બૅડ્મિન્ટ ખેલાડી પી. વી. સિંધુ પહેલી જ મૅચમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ગઈ કાલે બૅન્ગકૉકમાં શરૂ થયેલી થાઇલૅન્ડ ઓપનમાં સિંધુ પહેલા રાઉન્ડમાં ડેન્માર્કની ખેલાડી મિઆ બ્લિચફેલ્ટ સામે ૨૧-૧૬, ૨૪-૨૬, ૧૩-૨૧થી પરાસ્ત થઈ ગઈ હતી. ઑલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા સિંધુની હાર સાથે ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો હતો, કેમ કે બીજી સ્ટાર સાઇનાનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં તે આઉટ થઈ ગઈ હતી. પુરુષ વિભાગમાં પણ વર્લ્ડ નંબર ૧૩માં ભારતનો બી. સાઈ પ્રણીત પણ પહેલા રાઉન્ડમાં સીધા સેટમાં ૧૬-૨૧, ૧૦-૨૧થી હારીને બહાર થઈ ગયો હતો. ભારત માટે એકમાત્ર ખુશખબરી મિક્સ ડબલ્સ જોડી સાત્વક અને અશ્વિનીની જોડીએ આપી હતી. આ જોડી ઇન્ડોનેશિયન જોડી સામે ૨૧-૧૭, ૨૭-૨૯ અને ૨૧-૧૬થી જીતીને આગળ વધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2021 09:09 AM IST | Bangkok

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK