સાઈના નેહવાલ સેમીફાઈનલમાં પહોંચી

Published: 3rd August, 2012 02:44 IST

સાઇના માટે બ્રૉન્ઝ હજી પાકો નથી, સેમીમાં હારશે તો બીજી પરાજિત સામે પ્લે-ઑફ રમવી પડશે અને એમાં જીતશે તો જ કાંસ્ય મળશે

હૈદરાબાદમાં રહેતી બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલે ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલ જીતીને લંડન ઑલિમ્પિક્સમાં ભારત માટે ખરાબ રહેલા દિવસને થોડો સારો બનાવી દીધો હતો. તે સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ઑલિમ્પિક્સની સેમીમાં પહોંચનાર તે ભારતની પ્રથમ બૅડમિન્ટન પ્લેયર છે.

વલ્ર્ડ નંબર ફાઇવ સાઇનાએ ડેન્માર્કની ટાઇન બૉનને ૩૯ મિનિટમાં ૨૧-૧૫, ૨૨-૨૦થી હરાવી દીધી હતી. બીજા સેટમાં તે ૧૬-૨૦થી પાછળ હતી, પરંતુ સતત છ ગેમ જીતીને સેમીમાં પહોંચી ગઈ હતી. સાઇના સેમીમાં જીતશે તો સિલ્વર કે ગોલ્ડ મેડલ ભારતને મળશે એ નક્કી છે, પરંતુ જો તે સેમીમાં હારશે તો તે બીજી સેમી હારનાર પ્લેયર સામેની પ્લે-ઑફ જીતશે તો જ તેને બ્રૉન્ઝ મળી શકશે.

પેસ-સાનિયા ક્વૉર્ટરમાં

લિએન્ડર પેસ અને સાનિયા મિર્ઝા ગઈ કાલે મિક્સ્ડ-ડબલ્સમાં સર્બિયાનાં નેનાદ ઝિમોનીચ-ઍના ઇવાનોવિચ સામે ૬-૨, ૬-૪થી જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં હતાં.

પેસ-વિષ્ણુની જોડી પરાજિત

બુધવારે ડબલ્સમાં લિએન્ડર પેસ-વિષ્ણુ વર્ધન ફ્રાન્સના માઇકલ લૉડ્રા અને જો-વિલ્ફ્રેડ સૉન્ગાની સેકન્ડ-સીડેડ જોડી સામે સેકન્ડ રાઉન્ડમાં ૩-૭, ૬-૪, ૩-૬થી હારી જતાં બહાર થઈ ગયા હતા.

સોઢી અને જય ભગવાન આઉટ

શૂટિંગમાં ડબલ ટ્રૅપમાં રોન્જન સિંહ સોઢી ફાઇનલ્સ માટે ક્વૉલિફાય નહોતો થઈ શક્યો. બૉક્સર જય ભગવાન ૬૦ કિલોની લાઇટ વેઇટ કૅટેગરીમાં કઝાખસ્તાનના ગાની ઝાઇલૉવ સામે ૮-૧૬થી હારતાં બહાર થઈ ગયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK