સચિનને ૧૦૦મી ઐતિહાસિક સેન્ચુરી માટે હવે બેસ્ટ ચાન્સ
Published: 21st December, 2011 04:59 IST
ઑસ્ટ્રેલિયામાં તેણે છ સદી ફટકારી છે એટલે હવે ચાર ટેસ્ટની આઠ ઇનિંગ્સમાં તેના હાથે ઑર એક થઈ જાય એની પાકી શક્યતા છે
(અનંત ગવંડળકર)
મુંબઈ, તા. ૨૧
ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના ૧૭માંથી ૭ પ્લેયરો એ દેશમાં અગાઉ ટેસ્ટક્રિકેટ રમી ચૂક્યા છે અને એ સાત ખેલાડીઓમાંથી મુખ્ય ચાર બૅટ્સમેનોમાં સચિન તેન્ડુલકરે કાંગારૂઓની ધરતી પર સૌથી સારી સફળતા મેળવી છે.
કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, વાઇસ કૅપ્ટન વીરેન્દર સેહવાગ, સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ તેમ જ પેસબોલરો ઝહીર ખાન અને ઇશાન્ત શર્મા અગાઉ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટસિરીઝ રમ્યા છે અને એમાંથી સેહવાગ, સચિન, દ્રવિડ અને લક્ષ્મણે સેન્ચુરીનો સ્વાદ માણ્યો છે. ભારત-ઑસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦) સોમવારથી મેલબૉર્નમાં રમાશે.
સચિન તેન્ડુલકરના ૧૫૨૨ રન
ઑસ્ટ્રેલિયા ગયેલા બધા ભારતીય પ્લેયરોમાં સચિન સૌથી વધુ ૧૬ ટેસ્ટ રમ્યો છે અને સૌથી વધુ ૬ ટેસ્ટસદી ફટકારી છે એ જોતાં તેને આ સિરીઝમાં ૧૦૦મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો સારો મોકો છે. તેણે ઑસ્ટ્રેલિયામાં ૫૮.૫૩ની બૅટિંગ-ઍવરેજે ૧૫૨૨ રન બનાવ્યા છે જેમાં ૨૪૧ નૉટઆઉટ તેનો હાઇએસ્ટ સ્કોર છે.
મહેન્દ્ર સિંહ ધોની સૌથી ખરાબ રમ્યો છે
ઑસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમમાંથી કૅપ્ટન ધોનીનો બૅટિંગ-પર્ફોર્મન્સ સૌથી ખરાબ છે. તેણે ચાર ટેસ્ટમાં ૩૮ રનના હાઇએસ્ટ સ્કોર સાથે કુલ માત્ર ૧૪૧ રન બનાવ્યા છે.
૧૭ ભારતીયોમાંથી ૧૦ પ્લેયરો
પહેલી જ વખત ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટમૅચ રમશે એટલે તેમનો પર્ફોર્મન્સ કેવો રહેશે એ ટીમ ઇન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK