IPL 2020: RR vs KXIP: પંજાબને આજે જૉસ બટલર ટેન્શન કરાવશે?

Published: 27th September, 2020 09:10 IST | Dinesh Savaliya | Sharjah

ક્વૉરન્ટીન-પિરિયડને લીધે પ્રથમ મૅચ ન રમી શકનાર ઇંગ્લૅન્ડના વિકેટકીપર બૅટ્સમૅન જો આજે રમશે તો સ્મિથસેના પંજાબના બળિયાઓનો વધુ જોશથી સામનો કરી શકશે. : રાહુલનું ટેન્શન એ છે કે ગેઇલને રમાડવો કે પૂરનને વધુ એક મોકો આપવો

જૉસ બટલર
જૉસ બટલર

આજે આઇપીએલમાં આ સીઝનમાં નવા જોશ સાથે જોવા મળી રહેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે શારજાહમાં ટક્કર જામવાની છે. ફૅમિલી સાથે યુઅેઈ પોતાની રીતે આવ્યો હોવાથી બટલરને ક્વૉરન્ટીન-પિરિયડમાં કોઈ છૂટ નહોતી મળી અને એથી ચેન્નઈ સામેની પ્રથમ મૅચ ગુમાવવી પડી હતી. જોકે હવે તે આજે રમવા માટે ઉપલબ્ધ હોવાથી ટીમમાં તેનો સમાવેશ કરીને રાજસ્થાન વધુ જોશ સાથે પંજાબના પાવરનો સામનો કરશે. રાજસ્થાને એની પ્રથમ મૅચમાં ચેન્નઈ જેવી ટીમને હરાવીને સીઝનની જીત સાથે શાનદાર શરૂઆત કરી છે, જ્યારે પંજાબે તેમની પહેલી મૅચમાં દિલ્હી સામે ટાઇ થયા બાદ હારનો સામનો કરવો પડ્યો હતો, પણ ત્યાર બાદ કમબૅક કરતાં બીજી મૅચમાં બૅન્ગલોરને ૯૭ રનના તોતિંગ માર્જિનથી હરાવી હતી. આમ બન્ને ટીમ તેમના આ વિજયના જોશ સાથે મેદાનમાં ઊતરીને આજે વિજયરથને જાળવી રાખવા મક્કમ હશે.

રાહુલ વર્સસ સૅમસન

વિકેટકીપર-બૅટ્સમૅન લોકેશ રાહુલ અને સંજુ સૅમસનની છેલ્લી મૅચની ફટકાબાજીના નશામાંથી હજી ચાહકો બહાર નહીં આવ્યા હોય. આઇપીએલના ઇતિહાસમાં બેસ્ટ કૅપ્ટન ઇનિંગ્સ અને બેસ્ટ ભારતીય બૅટ્સમૅનની ઇનિંગ્સ રમતા રાહુલે બૅન્ગલોર સામે ૬૯ બૉલમાં ૭ સિક્સર અને ૧૪ ફોર સાથે ૧૩૨ રન કર્યા હતા, જ્યારે સૅમસને ૩૨ બૉલમાં ૯ સિક્સર સાથે ૭૪ રન ફટકારીને ચેન્નઈના બોલરોને વામણા બનાવી દીધા હતા. આ ચાહકો અને બન્ને ટીમ તેમના આ સ્ટાર પાસેથી આજે ફરી એવી જ ઇનિંગ્સની અપેક્ષા રાખતા હશે.

બન્ને છે ફુલ જોશમાં

રાજસ્થાનમાં સૅમસન ઉપરાંત કૅપ્ટન સ્ટીવન સ્મિથે પણ ચેન્નઈ સામે ૪૭ બૉલમાં ૬૯ રન ફટકારીને તેના ફૉર્મનો ટચ બતાવી દીધો હતો. ભારતીય ક્રિકેટનો ફ્યુચર સ્ટાર યશસ્વી જયસ્વાલ પહેલી મૅચની નિષ્ફળતાને ભૂલીને આજે જોશ બટલર સાથે ટીમને મજબૂત શરૂઆત અપાવવા તત્પર હશે. બટલરને સમાવવા રાજસ્થાને ડેવિડ મિલર અથવા ટૉમ કરેનને ડ્રૉપ કરવો પડશે. જોફ્રા આર્ચરે છેલ્લી ઓવરમાં ચાર બૉલમાં ચાર સિક્સર ફટકારવા ઉપરાંત ૪ ઓવરમાં ફક્ત ૨૬ રન આપીને અેક વિકેટ સાથે તેનું જોશ બતાવી દીધું હતું. રાહુલ તિવેટિયાએ ૩ વિકેટ સાથે જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પંજાબની વાત કરીઅે તો દિલ્હી સામે મયંક અગરવાલ અને બૅન્ગલોર સામે રાહુલ અફલાતૂન ઇનિંગ્સ રમ્યા હતા. ગ્લેન મૅક્સવેલ જોકે બન્ને મૅચમાં ખાસ કોઈ દમ નથી બતાવી શક્યો, પણ તેને અવગણવો રાજસ્થાનને ભારી પડી શકે છે. પંજાબ માટે આજે નક્કી કરવાનું છે કે ક્રિસ ગેઇલને હજી બેસાડી રાખવો કે નિકોલસ પૂરનના સ્થાને તેને સમાવવો. જો ગેઇલ મેદાનમાં આવી જશે તો સૅમસન, રાહુલ, મૅક્સવેલ, સ્મિથ, બટલર જેવા ખેલાડીઓ એકસાથે મેદાનમાં ઊતરશે અને તો બોલરોએ આજે દહીં ખાઈને જ મેદાનમાં ઊતરવું પડશે. પંજાબનો બોલિંગ-અટૅક મોહમ્મદ શમી, શેલ્ડન કૉટ્રેલ, મુરુગન અશ્વિન અને યુવા રવિ બિશ્નોઈ સાથે જાનદાર લાગી રહ્યું છે. જ્યારે રાજસ્થાન આજે નાના મેદાનમાં જયદેવ ઉનડકટને બદલે જૂના જોગી વરુણ ઍરોન કે યુવા કાર્તિક ત્યાગીને મોકો આપવાનું વિચારશે.

smith

રાજસ્થાન ૧૦, પંજાબ ૯

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ ૧૯ ટક્કર થઈ છે, જેમાંથી સૌથી વધુ ૧૦માં રાજસ્થાને જીત મેળવી છે અને પંજાબે ૯ મૅચમાં વિજય મેળવ્યો છે. ગયા વર્ષે બન્ને ટીમ વચ્ચેની બન્ને ટક્કરમાં પંજાબનો વિજય થયો હતો. જોકે ૨૦૧૪માં યુએઈમાં બન્ને ટીમોની ટક્કરમાં પંજાબનો ૭ વિકેટે વિજય થયો હતો. પંજાબની એ જીતનો હીરો હતો ગ્લેન મૅક્સવેલ અને ડેવિડ મિલર. મૅક્સવેલ આ વખતે ફરી પંજાબની ટીમમાં છે, પણ મિલર રાજસ્થાનમાં પહોંચી ગયો છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લી પાંચ ટક્કરમાં ચાર વાર પંજાબનો વિજય થયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK