ઓપનર રિકી પહેલી વાર વિનર

Published: 21st October, 2011 18:49 IST

સેન્ચુરિયન: કૅપ્ટનપદેથી હટાવી નાખવામાં આવ્યા બાદ રિકી પૉન્ટિંગ ખૂબ રાહતનો અહેસાસ કરી રહ્યો છે એવું ખુદ તેણે બુધવારે સાઉથ આફ્રિકા સામેના પ્રથમ વન-ડે મુકાબલાના મૅચવિનિંગ પફોર્ર્મન્સ પછી કહ્યું હતું.

 

મૂળ વનડાઉનનો આ ભૂતપૂર્વ કૅપ્ટન અગાઉ ત્રણ વખત ઓપનિંગમાં રમ્યો હતો, પરંતુ બુધવારે તે પ્રથમ વાર એ સ્થાને આવીને મૅચનો હીરો બન્યો

 

જોકે વન-ડેમાં સચિન તેન્ડુલકરના ૧૮,૧૧૧ રન પછી સેકન્ડ-હાઇએસ્ટ ૧૩,૩૬૫ રન બનાવનાર અને ૧૬ વર્ષની કરીઅરમાં મોટા ભાગે વનડાઉનમાં રમેલા પૉન્ટિંગની નવી ખાસિયત એ છે કે તે ઓપનિંગમાં રમીને પહેલી વાર મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો છે. આ સિદ્ધિ તેણે બુધવારની મૅચમાં ૬૩ રન કરીને મેળવી હતી.

પૉન્ટિંગ વન-ડેમાં ૩૨ વખત આ પુરસ્કાર જીતી ચૂક્યો છે, પરંતુ ઓપનર તરીકે તેનો આ પ્રથમ અવૉર્ડ હતો. તે ઓપનર તરીકે અગાઉ ૧૯૯૯માં ઝિમ્બાબ્વે સામે, ૨૦૦૯માં ભારત સામે અને એપ્રિલ ૨૦૧૧માં બંગલા દેશ સામે રમ્યો હતો, પરંતુ ક્યારેય મૅચવિનર નહોતો બન્યો.

બુધવારે વરસાદના વિઘ્ન પછી ૨૯ ઓવરની બની ગયેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ પહેલી ૧૯ ઓવરમાં એક વિકેટે ૯૬ રન બનાવ્યા હતા. જોકે પછીની ૧૦ ઓવરમાં ત્રણ વિકેટ પડી હતી, પરંતુ ૮૭ રન બન્યા હતા. ઑસ્ટ્રેલિયાના ચાર વિકેટે ૧૮૩ રન બન્યા હતા જેમાં મૅન ઑફ ધ મૅચ રિકી પૉન્ટિંગ (૬૩ રન, ૭૭ બૉલ, નવ ફોર)નો સૌથી સારો પફોર્ર્મન્સ હતો. જોકે કૅપ્ટન માઇકલ ક્લાર્ક

(૪૪ રન, ૪૮ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) સૌથી આક્રમક રમ્યો હતો. તેની અને ભૂતપૂર્વ કૅપ્ટન પૉન્ટિંગ વચ્ચે બીજી વિકેટ માટે ૧૦૨ રનની મૅચવિનિંગ ભાગીદારી થઈ હતી. માઇક હસી (૩૦ નૉટઆઉટ, ૨૧ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) માઇકલ ક્લાર્કની બીજી વિકેટ પછી રમવા આવ્યો હતો અને છેક સુધી ક્રીઝ પર ટકી રહ્યો હતો.

સાઉથ આફ્રિકા જવાબમાં બાવીસ ઓવરમાં માત્ર ૧૨૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. એકેય બૅટ્સમૅન પૂરા ૩૦ રન પણ નહોતો કરી શક્યો. મિચલ જૉન્સને અને પૅટ ક્યુમિન્સે ત્રણ-ત્રણ વિકેટ તેમ જ ઝેવિયર ડુઅર્ટીએ બે વિકેટ લીધી હતી.

માર્શને બદલે માર્શને મોકો

ઑસ્ટ્રેલિયાની ટીમે બુધવારે ઈજાગ્રસ્ત શૉન માર્શને બદલે તેના નાના ભાઈ મિશેલને અને ઑલરાઉન્ડર શેન વૉટ્સનની જગ્યાએ ૧૮ વર્ષના પેસબોલર પૅટ ક્યુમિન્સનને ટીમમાં લીધો હતો. તેણે ત્રણ વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK