૧૯૮૧માં મેલબર્ન ટેસ્ટમાં એ હરકત બદલ દિલગીર છું : ગાવસકર

Published: 28th December, 2014 04:54 IST

બૅટને કટ લાગી હોવા છતાં LBW અપાતાં લિટલ માસ્ટર લાંબા સમય સુધી મેદાનમાં ઊભા રહ્યા હતા, બૅટને જોરથી પૅડ પર મારીને તેમણે સાથી ખેલાડી ચેતન ચૌહાણને પણ તેમની સાથે પૅવિલિયનમાં પાછા ફરવા ફરમાન કર્યું હતું
લગભગ ત્રણ દાયકા બાદ એક ઘટના જે મેલબર્ન ક્રિકેટ-ટેસ્ટમાં બની હતી એણે મોટો વિવાદ ઊભો કર્યો હતો અને એ માટે ભારતીય ક્રિકેટ-ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે પોતાની ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરી છે.

૧૯૮૧ની સિરીઝમાં અમ્પાયર રેક્સ વાઇટહેડની વિવાદાસ્પદ અમ્પાયરિંગ જોવા મળી હતી. ડેનિસ લિલીના એક ઇન-કટરથી ગાવસકરને LBW આઉટ આપવામાં આવ્યા હતા. માત્ર પોતાની ત્રીજી જ ટેસ્ટમાં અમ્પાયરિંગ કરતા આ અમ્પાયરે ગાવસકરને LBW જાહેર કરીને આંગળી ઊંચી કરી દીધી હતી.

એ બદલ સુનીલ ગાવસકરનું માનવું હતું કે બૉલ તેમની બૅટને વાગ્યા પછી પૅડને વાગ્યો હતો એથી અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા ગાવસકર લાંબા સમય સુધી મેદાન પર જ રહ્યા હતા.

ગાવસકરે તેમની બૅટથી પૅડને પણ માર્યું હતું, જેથી તેમના ગુસ્સાની અમ્પાયરને ખબર પડે. ગાવસકરે અનિચ્છાએ જવાની શરૂઆત કરી ત્યારે લિલીએ કમેન્ટ પણ કરી હતી હતી એથી ગાવસકરે ઓપનર સાથીખેલાડી ચેતન ચૌહાણને પણ મેદાનમાંથી બહાર નીકળવા જણાવ્યું હતું. મૂંઝાયેલા ચેતન ચૌહાણે એમ કર્યું, પરંતુ બાઉન્ડરી લાઇન પર ટીમ મૅનેજર શાહિદ દુરાની અને અસિસ્ટન્ટ મૅનેજર બાપુ નાડકર્ણીને મળીને સમાધાન કર્યા બાદ ચૌહાણ બૅટિંગમાં પાછા ફર્યા હતા અને ગાવસકર પૅવિલિયનમાં ગયા હતા.

આ નિર્ણય વિશે ખેદ વ્યક્ત કરતાં ગાવસકરે કહ્યું હતું કે ‘એ મારી મોટી ભૂલ હતી. એક ભારતીય કૅપ્ટન તરીકે મારે આવું કરવું નહોતું જોઈતું. ભલે હું આઉટ હતો કે નહીં, પરંતુ મારે આવું રીઍક્શન નહોતું આપવું જોઈતું. જો આ ઘટના અત્યારના સમયમાં બની હોત તો ચોક્કસપણે મને દંડ ફટકારવામાં આવ્યો હોત.’

સંજય માંજરેકર અને કપિલ દેવ સાથેના એક ટી-ટાઇમ ચૅટ-શો દરમ્યાન ગાવસકરે આવું જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK