માસ્ક ન પહેરનાર રવિન્દ્ર જાડેજા અને પત્નીએ મહિલા પોલીસ સાથે કરી મગજમારી

Published: Aug 11, 2020, 12:33 IST | Gujarati Mid-day Online Correspondent | Rajkot

રાજકોટમાં ક્રિકેટરની કાર રોકનાર મહિલા કૉન્સ્ટેબલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે પત્ની રિવાબા (ફાઈલ તસવીર)
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે પત્ની રિવાબા (ફાઈલ તસવીર)

કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. આ માટે રાજ્ય સરકારે નિયમ પણ બનાવ્યા છે. ગુજરાત રાજ્ય સરકારના નિયમ પ્રમાણે કારમાં જો એક વ્યક્તિ હોય તો માસ્ક પહેરવું ફરજિયાત નથી. પણ જો કારમાં એકથી વધુ વ્યક્તિ હોય તો માસ્ક પહેરવું ફરજિયાત છે. એટલું જ નહીં માસ્ક ન પહેરનાર વ્યક્તિને ફટકારાતા દંડની રકમ આજથી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ સહુને આ નિયમો લાગુય પડે છે. એટલે જ સોમવારે રાત્રે પત્ની રિવાબા સાથે કારમાં ફરવા નીકળેલા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ નિયમનું પાલન ન કરતાં પોલીસે તેમની પાસે દંડ માગ્યો હતો.પરંતુ ક્રિકેટર અને તેની પત્નીએ મહિલા કૉનસ્ટેબલ સાથે મગજમારી કરી હતી તેવા સમાચાર છે. પરંતુ રવિન્દ્ર જાડેજાનું કહેવું છે કે, કાર રોકનાર મહિલા કૉનસ્ટેબલે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, મહિલા પોલીસ સ્ટેશનના મહિલા હેડ કૉન્સ્ટેબલ સોનલ ગોસાઈએ સોમવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ રાજકોટના કિસાનપરા ચોકમાં રવિન્દ્ર જાડેજાની કાર રોકી હતી. કારમાં રવિન્દ્ર સાથે તેના પત્ની રિવાબા પણ હાજર હતા. મહિલા પોલીસ કૉન્સ્ટેબલે જ્યારે માસ્ક ન પહેરવાનો દંડ માંગ્યો ત્યારે બન્ને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત મહિલા પોલીસે લાઇસન્સ આપવાનું પણ કહ્યું હતું. જે બાદમાં મામલો બગડયો હતો અને રસ્તા પર જ લગભગ વીસ મિનિટ સુધી ડ્રામા ચાલ્યો હતો. આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સૂત્રોનું એવું પણ કહેવું છે કે, બનાવ બાદ મહિલા પોલીસ કૉન્સ્ટેબલને શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં સ્ટ્રેસની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા છે.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મહિલા પોલીસ કૉન્સ્ટેબલે કાર રોક્યા બાદ લાઇસન્સ અને માસ્કનો દંડ માંગતા કારમાં સવાર રિવાબા મહિલા પોલીસ પર ત્રાટક્યાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રોડ પર જાહેરમાં આવી ધમાલ જોઈને લોકો ઊભા રહી ગયા હતા. જે બાદમાં આ વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ મહિલા પોલીસ સાથે સામાન્ય બાબતમાં ગેરવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તું અમને ઓળખે છે? અમે પોલીસના બ્રાન્ડ એમ્બેસેડર છીએ તેમ કહી મહિલા કોન્સ્ટેબલ સાથે ઉગ્ર બબાલ કરી હતી. અંતે ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી. કે. ગઢવી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને વાત પૂરી કરી બન્નેને રવાના કર્યા હતા.

કિસાનપરા ચોકમાં માસ્કનું ચેકિંગ કરી રહેલા મહિલા પોલીસે પોતાની ફરજના ભાગરૂપે માસ્ક વગર નીકળેલ ક્રિકેટરની કાર રોકી હતી. જોકે, રવિન્દ્ર જાડેજાના પત્નીએ કરેલી બબાલના કારણે મહિલા કૉન્સ્ટેબલ સ્ટ્રેસનો શિકાર બન્યા હતા અને તેમણે ખાનગી હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. એક પેપર સાથે વાત કરતા ડેપ્યુટી પોલીસ કમિશ્નર મોનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ કેસમાં જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ બન્નેએ એકબીજા પર આક્ષેપ કર્યાં છે. આ મામલે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. મારી જાણ પ્રમાણે જાડેજાએ માસ્ક પહેર્યું હતું. તેમના પત્ની રિવાબાએ માસ્ક પહેર્યું હતું કે નહીં તે મામલે અમે તપાસ કરી રહ્યા છીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK