મનદીપ સિંહની મૅરથૉન ઇનિંગ્સ : મુંબઈ મુશ્કેલીમાં

Published: 10th December, 2012 08:10 IST

મિડલ ઑર્ડર બૅટ્સમૅનની કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી સાથે પંજાબે ૫૮૦ રન ખડક્યા : યજમાન ૬૯ રનમાં એકવાનખેડે સ્ટેડિયમમાં પંજાબ સામે રમતા મુંબઈ માટે ગઈ કાલે ચાર દિવસની રણજી મૅચના બીજા દિવસે મિડલ ઑર્ડર બૅટ્સમૅન મનદીપ સિંહ માથાનો દુખાવો બની રહ્યો હતો. પ્રથમ દિવસે ૧૦૨ રન સાથે અણનમ રહેલા મનદીપ સિંહે ગઈ કાલે ફસ્ર્ટક્લાસ કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી (૨૧૧) ફટકારી હતી. પંજાબના પ્રથમ ઇનિંગ્સમાં ૫૮૦ રનના ખડકલા સામે મુંબઈએ દિવસના અંતે એક વિકેટે ૬૯ રન બનાવ્યા હતા.

મનદીપ લક્કી, અમિતોઝ અનલક્કી

પ્રથમ દિવસે ૬૭, ૭૪ અને ૯૩ના સ્કોર પર મનદીપને મુંબઈના ફીલ્ડરોએ જીવતદાન આપ્યાં હતાં અને ગઈ કાલે પણ ૧૯૯ રનના સ્કોર પર જીવતદાન મળતાં તે કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી ફટકારી શક્યો હતો. જોકે સાથીખેલાડી અમિતોઝ સિંહ ૯૧ રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો અને ફ્સ્ર્ટક્લાસ કરીઅરની બીજી સદી નોંધાવવાથી વંચિત રહી ગયો હતો. કૅપ્ટન હરભજન સિંહ ૨૯ બૉલમાં બે બાઉન્ડરી સાથે ૨૨ રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈ વતી કૅપ્ટન અજિત આગરકર અને સ્પિનર અંકિત ચવાણે ૩-૩ તથા ધવલ કુલકર્ણીએ બે વિકેટ લીધી હતી.

જવાબમાં મુંબઈએ ઓપનર આદિત્ય તરેની વિકેટ ગુમાવીને ૬૯ રન બનાવ્યા હતા. કૌસ્તુભ પવાર ૨૬ અને અજિંકય રહાણે ૧૮ રને અણનમ રહ્યા હતા.

બીજી મુખ્ય રણજી મૅચોમાં શું બન્યું?

અમદાવાદમાં ગુજરાત સામે રાજસ્થાને કૅપ્ટન હૃષીકેશ કાનિટકરની અણનમ સેન્ચુરી (૧૦૦)ની મદદથી ૨૯૪ રન બનાવ્યા હતા. કાનિટકરની આ રણજીની ૨૮મી સદી હતી અને હવે તે રણજીમાં સૌથી વધુ સદીઓના અજય શર્મા અને વસીમ જાફરના રેકૉર્ડથી એક ડગલું દૂર છે. ગુજરાતના રાકેશ ધ્રુવે ૬૫ રનમાં ૬ વિકેટ લીધી હતી. ગુજરાતે પણ દિવસના અંતે એક વિકેટે ૧૦૪ રન બનાવીને મજબૂત જવાબ આપ્યો હતો.

રાજકોટમાં બેન્ગાલ સામે ટેસ્ટ-ટીમમાં એન્ટ્રીને વધાવતાં રવીન્દ્ર જાડેજાના શાનદાર ઑલરાઉન્ડ પફોર્ર્મન્સને લીધે સૌરાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું. જાડેજાના ૭૦ રનની મદદથી સૌરાષ્ટ્રના ૨૦૯ રનના જવાબમાં બૅન્ગાલ ૧૧૨ રન જ બનાવી શક્યું હતું. જાડેજાએ ૪૮ રનમાં ૪ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં પણ જાડેજાની ૬૭ બૉલમાં બે સિક્સર અને ૯ ફોર સાથે અણનમ ૫૭ રનની ફટકાબાજીને લીધે સૌરાષ્ટ્રે ૪ વિકેટે ૧૩૪ રન બનાવી લીધા હતા અને પહેલી ઇનિંગ્સની લીડ સાથે તેમનો સ્કોર ૨૩૧ રન થયો હતો.

વડોદરામાં ઓડિશાના ૧૮૧ રનના જવાબમાં બરોડાએ આદિત્ય વાઘમોડેના ૭૧, કૅપ્ટન અંબાતી રાયુડુના ૬૪ અને અભિમન્યુ ચૌહાણના ૬૦ રનની મદદથી ૬ વિકેટે ૨૯૦ રન બનાવીને ૧૦૯ રનની લીડ લીધી હતી. પિનલ શાહે પણ ૫૦ રન બનાવ્યા હતા.

પુણેમાં હરિયાણાના ૨૫૭ રનના જવાબમાં મહારાષ્ટ્રે સંગ્રામ અતિતકરના અણનમ ૧૧૮ રનની મદદથી ૩ વિકેટે ૩૦૨ રન બનાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK