૯ પ્લેયરોવાળી મુંબઈની ટીમે પંજાબને ૯ વિકેટે હરાવી દીધું

Published: 25th December, 2011 05:25 IST

વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે રણજી ટ્રોફીમાં પંજાબને હરાવીને મુંબઈની ટીમ વર્તમાન સીઝનમાં ત્રણ જીત મેળવનાર ૧૫ ટીમોવાળા એલીટ ડિવિઝનની પ્રથમ ટીમ બની હતી.

 

મુંબઈના બે પ્લેયરો વિકેટકીપર-બૅટ્સમૅન સુશાંત મરાઠે અને પેસબોલર આવિષ્કાર સાળવી મૅચના બીજા દિવસથી જ ઈજાગ્રસ્ત હતા એટલે વસીમ જાફર ઍન્ડ કંપની ત્યારથી માત્ર ૯ પ્લેયર સાથે રમી હતી. મુંબઈ આ સાથે ગ્રુપ ‘એ’માં પચીસ પૉઇન્ટ સાથે મોખરે થઈ ગયું છે અને કર્ણાટક બાવીસ પૉઇન્ટ સાથે બીજા નંબરે ધકેલાયું છે.

ગઈ કાલે પંજાબનો બીજો દાવ મુંબઈના લેફ્ટી સ્પિનર અંકિત ચવાણની ચાર વિકેટને કારણે ૩૩૦ રનમાં સમેટાઈ ગયો હતો અને મુંબઈને જીતવા માત્ર ૧૨૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. મુંબઈએ માત્ર ઓપનર કૌસ્તુભ પવાર (૨૩ રન)ની વિકેટ ગુમાવીને મૅચ જીતી લીધી હતી. ઓપનર પ્રફુલ વાઘેલા (૫૭ રન) અને કૅપ્ટન વસીમ જાફર (૫૦ રન)ની જોડીએ અણનમ રહી ૨૩.૩ ઓવરમાં ૧૩૨ રનના ટોટલ સાથે મુંબઈને ૯ વિકેટે જીત અપાવી હતી.

બેન્ગાલને પોતાનો ઓપનર નડ્યો

વડોદરામાં રણજીના એલીટ ડિવિઝનના ગ્રુપ ‘બી’માં સૌરવ ગાંગુલીના સુકાનમાં બેન્ગાલે બરોડાને ગઈ કાલે ૯ વિકેટે પરાજય આપ્યો હતો. જો બેન્ગાલે ૩૪ રનનો ટાર્ગેટ એકેય વિકેટ ગુમાવ્યા વિના મેળવી લીધો હોત તો ગ્રુપ ‘બી’માં એના ૧૩ને બદલે ૧૪ પૉઇન્ટ હોત અને ચડિયાતા રેશિયો (૧.૧૬૩)ને કારણે હરિયાણાને પાછળ રાખીને નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું હોત. જોકે બેન્ગાલનો ઓપનર અરિંદમ દાસ (૯ રન) આઉટ થતાં બેન્ગાલે ૧૦ વિકેટે મૅચ જીતવાને લીધે મળનારો એક બોનસ પૉઇન્ટ ગુમાવી દીધો હતો. બેન્ગાલને છને બદલે પાંચ પૉઇન્ટ મળતાં એના ૧૩ પૉઇન્ટ થયા હતા અને ૧૪ પૉઇન્ટ તથા ૦.૯૯૯નો રેશિયો ધરાવતા હરિયાણાથી પાછળ રહી ગયું હતું. આખી મૅચમાં ૧૦ વિકેટ મેળવનાર પેસબોલર અશોક ડિન્ડા અને પ્રથમ દાવમાં ૮ બૉલમાં ૧ રનના ખર્ચે ૩ વિકેટ લેનાર સૌરવ ગાંગુલીની મહેનત પર ઓપનર અરિંદમ દાસે પાણી ફેરવી દીધું હતું. ગ્રુપ ‘બી’માંથી હરિયાણા ઉપરાંત મધ્ય પ્રદેશ અને તામિલનાડુ નૉકઆઉટ રાઉન્ડમાં ગયા છે.

ગુજરાત હારી જતાં પ્લૅટ ડિવિઝન
સુરતમાં હરિયાણાના હાથે ૧૪૦ રનથી હારી જતાં ગુજરાત એલીટમાંથી પ્લૅટ ડિવિઝનમાં ફેંકાઈ ગયું હતું. બન્ને દાવમાં હરિયાણાના સ્પિનર અમિત મિશ્રાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK