બે ભાઈઓ (અથવા બે બહેનો)ની જોડી એક જ મૅચમાં સાથે રમતી હોય તો તેમની ક્રિકેટ-કારર્કિદી વધારે જુસ્સાપ્રેરક બની શકે છે એવું જાણીતી મહિલા સ્પોર્ટ્સ સાઇકોલૉજિસ્ટ વરડ્યાની ચિતળે-ગોરેનું (ઘણા રમતવીરો જોડે તેમણે કામ કર્યું છે) માનવું છે.
હાલમાં ન્યુ ઝીલૅન્ડમાં હાર્દિક અને કૃણાલ પંડ્યાની જોડી આંતરરાષ્ટ્રીય મૅચોમાં સાથે રમતાં ઝળકી રહી છે. ઇરફાન અને યુસુફ પઠાણ તથા મોહિન્દર અને સુરિન્દર અમરનાથ પણ ભારત વતી સાથે આંતરરાષ્ટ્રીય મૅચો પહેલાં રમી ચૂક્યા છે.
હાર્દિક કરતાં કૃણાલ બે વર્ષ મોટો છે. જોકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હાર્દિકે વહેલો પ્રવેશ કર્યો હતો.
પુણેથી ‘મિડ-ડે’ જોડે વાતચીત કરતાં આ સાઇકિયાટ્રિસ્ટે જણાવ્યું હતું કે ‘ઘણી વખત નાના ભાઈને મોટાની ઈર્ષા થતી હોય છે અથવા જે પહેલું રમવાનું શરૂ કરે અથવા જેનો દેખાવ વધારે સારો હોય ત્યારે બીજો તેની ઈર્ષા કરે એવું ક્યારેક બને, પરંતુ ઘરના વાતાવરણમાં બન્ને ખેલાડીઓને સરખું પ્રોત્સાહન મળતું રહે એવી તેમની વચ્ચે કોઈ તુલના અથવા સરખામણી ન થતી રહે તો તેમની કારર્કિદીમાં ભારે સફળતા મળે એવું સંશોધન થયું છે.’
બે ભાઈઓ અથવા બે બહેનોની જોડી એક જ મૅચમાં સાથે રમતી હોય ત્યારે તેઓ વચ્ચે કોઈ હરીફાઈ હોઈ શકે કે પછી બન્ને એકબીજાના પૂરક સાબિત થઈ શકે એવા પ્રશ્નના જવાબમાં સાઇકિયાટ્રિસ્ટ કહે છે, ‘આવા કિસ્સાઓમાં બન્ને ખેલાડીઓએ એકબીજાના પૂરક બનવાનું જરૂરી બની રહેવું જોઈએ. આમાં બન્નેને લાભ છે અને તેમનો વિકાસ ઝડપી બની શકે છે.’
આનું ઉદાહરણ આપતાં મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે હાર્દિક પંડ્યા સ્પિનરમાંથી ફાસ્ટ બોલર બન્યો. કૃણાલ સ્પિનર છે. બન્નેની ટેક્નિક જોરદાર છે. જેમ-જેમ તેઓ મોટા થશે તેમની ટેક્નિક વધુ સંગીન બનતી જશે. હાર્દિક અને કૃણાલ વચ્ચે કોઈ ઈર્ષાનો ભાવ દેખાતો નથી.
બીજું, બન્ને એક જ ટીમમાં હોય ત્યારે ટીમને વધુ ફાયદો થઈ શકે, કારણ કે બન્ને એકબીજાની બધી જ નાની-મોટી વાતો જાણતા હોય છે. તેઓ એકબીજાના સ્ટ્રૉન્ગ પાર્ટનર બની શકે છે.
સ્ટીવ અને માર્ક વો, ચૅપલ બંધુઓ, ઍન્ડી અને ગ્રાન્ટ ફ્લાવર, શેન અને બ્રેટ લી, ઍલ્બી અને મૉર્ને મૉર્કલ આના દાખલા છે એવું મનોવૈજ્ઞાનિકાએ અંતમાં જણાવ્યું હતું.