IPL અને ઈલેક્શન પર એપ તથા વેબસાઈટ દ્વારા સટ્ટાને રોકવાનું મુશ્કેલ

પ્રકાશ બાંભરોલિયા | Apr 17, 2019, 07:40 IST

પોલીસને ઝટ બુકી-સટોડિયાઓની બાતમી મïળતી નથી અને મળે તો તેમને પકડીને મજબૂત પુરાવાના અભાવે તરત છોડી દેવા પડે છે

IPL અને ઈલેક્શન પર એપ તથા વેબસાઈટ દ્વારા સટ્ટાને રોકવાનું મુશ્કેલ
વાનખેડે

લોકસભાની ચૂંટણી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૨મી સીઝન ચરમસીમાએ છે ત્યારે ભારતનાં આ બન્ને મોટાં આયોજન પર મોટા પાયે સટ્ટો રમાતો હોવાનું કહેવાય છે. જોકે તપાસ-એજન્સીઓ અને પોલીસ બુકીઓ સામે કાર્યવાહી નથી કરી શકતી, કારણ કે પરંપરાગત નેટવર્કને બદલે સટ્ટો અત્યારે મોટા ભાગે ઑનલાઇન રમાઈ રહ્યો છે. ઑનલાઇન સટ્ટાની કેટલીક વેબસાઇટ તથા ઍપ દ્વારા ગૅમ્બલિંગ મોટા પાયે ચાલી રહ્યું છે. આ તમામનું વિદેશથી સંચાલન થઈ રહ્યું છે જેથી કાયદાકીય રીતે બુકીઓ કે સટોડિયાઓને પકડવામાં મુશ્કેલી અનુભવાઈ રહ્યાનું જાણવા મYયું છે. કદાચ આ જ કારણસર IPLની આ સીઝનની અડધા કરતાં વધુ મૅચ પૂરી થયા બાદ પણ સટ્ટાબજાર સામે ઓછી કાયર્વાહી થઈ હોવાનું આંકડા પરથી જણાઈ આવે છે.

૨૦૧૮માં દેશભરમાંથી પોલીસે મોટી સંખ્યામાં દરોડા પાડીને બુકીઓને ઝડપ્યા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધી ૧૦ ટકા જેટલી પણ સફળતા નથી મળી.

ત્રણ દિવસ પહેલાં ભાઈંદરમાંથી પોલીસે બાતમીના આધારે એક બુકીની સટ્ટો રમવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપી બુકી કોઈક વેબસાઇટના માધ્યમથી ઑનલાઇન સટ્ટો રમતો હોવાનું પોલીસ-તપાસમાં જણાયું છે. આ રીતે ખૂબ મોટી સંખ્યામાં સટ્ટો રમાતો હોવાનું કહેવાય છે, પરંતુ પોલીસ અમુકતમુકને જ ઝડપવામાં સફળ રહી છે.

પોલીસ શું કહે છે?

બુકીઓ સામે કાર્યવાહી કરવામાં પડતી મુશ્કેલી બાબતે થાણે ગ્રામીણના સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર અતુલ કુલકર્ણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મોટા ભાગનો સટ્ટો હવે ઑનલાઇન સિસ્ટમથી રમાઈ રહ્યો હોવાથી બુકીઓ કે સટોડિયાઓને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. મોટી સંખ્યામાં લોકો આ રીતે સટ્ટો રમી રહ્યા હોવાની બાતમી અમને મળતી હોવા છતાં તેમના સુધી પહોંચી નથી શકાતું. વિદેશી કંપનીની વેબસાઇટ કે ઍપ પર ભારતના કાયદા અમલી નથી બનતા એટલે કોઈની સટ્ટાના મામલે ધરપકડ કરાય તો પણ ગૅમ્બલિંગ ઍક્ટ સિવાય કોઈ કલમ લગાવી નથી શકતા અને આરોપી જામીન પર છૂટી જાય છે.’

ભારતની તપાસ-એજન્સી અને પોલીસ કરતાં ટેક્નિકલી અનેકગણા આગળ રહેતા હોવાને લીધે પણ સાઇબર ક્રિમિનલો જલદીથી નથી પકડાતા. કદાચ આ જ કારણસર ભારતમાં ખૂબ ઝડપથી ઑનલાઇન સટ્ટો રમનારાઓની સંખ્યા વધી રહી છે.

સટોડિયાઓને પોલીસનો ડર નથી રહ્યો

સટ્ટાના પરંપરાગત નેટવર્કમાં અગાઉ પોલીસ બાતમીના આધારે ચોક્કસ સ્થળે દરોડો પાડીને લૅપટૉપ, મોબાઇલ, ડાયરી સહિત પુરાવાના આધારે બુકી કે સટોડિયાને ઝડપીને કાનૂની કાર્યવાહી કરતી, પરંતુ હવે ઑનલાઇન સટ્ટો રમાવા માંડતાં કોઈ પુરાવો પોલીસના હાથ નથી લાગતો. કાયદાકીય રીતે પણ કોઈ મોબાઇલથી સટ્ટો રમતો હોય તો તેની સામે કાર્યવાહી કરી નથી શકાતી એટલે બુકીઓમાં પોલીસનો ડર ખતમ થઈ ગયો હોવાનું કહેવાય છે.

સાઇબર ક્રાઇમ એક્સપર્ટ શું કહે છે?

સ્લૉટ્સ સિસ્ટમના સાઇબર ક્રાઇમ એક્સપર્ટ કૌશલ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગેરકાયદે ધંધો કરનારાઓ કાયમ ટેક્નૉલૉજિકલ આગળ જ રહેવાના. આથી તેમના પર લગામ તાણવા પોલીસ સહિતની તમામ તપાસ-એજન્સીએ અપડેટ થવું જરૂરી છે. કમનસીબે આપણે વિકસિત દેશોની તુલનાએ એટલા અપડેટ નથી.

આ પણ વાંચો : World Cup 2019:ગુજરાતના ખેલાડીઓ વિશે કંઈક આવું માને છે નિષ્ણાતો

આપણા દેશમાં નીતિ આયોગ અને આઇઆઇટી સહિતની અનેક શૈક્ષણિક સંસ્થામાં યુવાનોને પૂરતી તાલીમ આપીને સાઇબર ક્રાઇમ સામે લડત આપવા તૈયાર કરી શકાય. પોલીસ ચાહે તો ઑનલાઇન સટ્ટાનો સામનો કરીને કડક કાર્યવાહી કરી શકે, પરંતુ એ માટે તેમને પૂરતી તાલીમની સાથે મૅનપાવર પૂરો પાડવો પણ જરૂરી છે. સટ્ટાનાં મોટા ભાગનાં ટ્રાન્ઝૅક્શન રાતના સમયે થતાં હોય છે એટલે સાઇબર-ટીમ આવા વ્યવહાર પર નજર રાખીને ગુનેગારોને ઝડપી શકે છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK