પટેલ પાવરે પોઇસર ગજાવ્યું

Published: 22nd January, 2021 15:44 IST | Dinesh Sawalia | Mumbai

સિક્સરની રમઝટ સાથે ‘મિડ-ડે કપ’ની ૧૩મી સીઝનના નૉક-આઉટ રાઉન્ડનો ધૂમધડાકા સાથે પ્રારંભ, કચ્છી કડવા પાટીદાર વર્સસ કચ્છી લોહાણા વચ્ચેની એક ક્વૉર્ટર ફાઇનલની લાઇનઅપ નક્કી થઈ ગઈ, બાકીની બે આજે નક્કી થશે

દિલ સે : ગઈ કાલે નૉક-આઉટ રાઉન્ડની શરૂઆત પહેલાં કોરોના વિક્ટિમ્સ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
દિલ સે : ગઈ કાલે નૉક-આઉટ રાઉન્ડની શરૂઆત પહેલાં કોરોના વિક્ટિમ્સ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

બે પટેલ ટીમો - સૌરાષ્ટ્ર લેઉવા પટેલ અને કચ્છી કડવા પાટીદારે અફલાતૂન ફટકાબાજી સાથે બે ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમો કપોળ અને હાલાઈ લોહાણાને હરાવીને શાનથી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો : બે લોહાણા ટીમના રસપ્રદ જંગમાં પણ અનુભવી કચ્છી લોહાણાની ઘોઘારી લોહાણાને ૮ વિકેટે હરાવીને પ્રમાણમાં આસાનીથી ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી: આ સાથે કચ્છી કડવા પાટીદાર વર્સસ કચ્છી લોહાણા વચ્ચેની એક ક્વૉર્ટર ફાઇનલની લાઇનઅપ નક્કી થઈ ગઈ, બાકીની બે આજે નક્કી થશે

મિડ-ડે કપ ૨૦૨૦ની માર્ચમાં લૉકડાઉનને લીધે અધૂરી રહી ગયેલી ૧૩મી સીઝન ગઈ કાલે નૉક-આઉટ રાઉન્ડ સાથે ફરી શરૂ થઈ હતી. પ્રથમ દિવસે ‍લાંબા ઇંતઝાર બાદ ફરી મેદાનમાં ઊતર્યા છતાં ૩૮ સિક્સર અને ૫૯ ફોરના વરસાદ સાથે ખેલાડીઓએ ટચ બતાવ્યો પણ ખરો ને સાથે-સાથે ૫૧ વાઇટના રન સાથે ચુસ્તી પણ દેખાઈ આવી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલે આ સીઝનનું તેમનું જાનદાર ફૉર્મ જાળવી રાખતાં કપોળ જેવી દમદાર ટીમને પ્રી-ક્વૉર્ટરમાં જ આઉટ કરી દીધી. કપોળ ટીમના પરાજયમાં તેમની નબળી ફીલ્ડિંગ અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ટીમે ત્રણ-ત્રણ વાર સતત બે સિક્સર ફટકારીને મેળવેલા ૨૭ રન તથા પાંચમી પાવર ઓવરમાં ૧૩ મળી કુલ ૪૦ બોનસ રનનો મુખ્ય ફાળો હતો. જ્યારે બીજી મૅચમાં છેલ્લાં ત્રણ વર્ષની ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદાર અને બે વખતની ચૅમ્પિયન હાલાઈ લોહાણા વચ્ચેના મુકાબલાનું શેડ્યુલ જાહેર થયું ત્યારથી જ ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા. આ ડ્રીમ ટક્કરમાં હાલાઈ લોહાણાએ ૧૪ રનથી પરાજય સાથે ટુર્નામેન્ટમાંથી વિદાય લેવી પડી હતી. પ્રથમ બન્ને હાઈ-સ્કોરિંગ જંગ બાદ બે લોહાણા ટીમો વચ્ચેની ત્રીજી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ પ્રમાણમાં લો-સ્કોરિંગ રહી હતી અને અનુભવી કચ્છી લોહાણાએ પ્રમાણમાં આસાનીથી ૮ વિકેટે જીત મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે આવતી કાલની બીજી ક્વૉર્ટર ફાઇનલમાં બે કચ્છી ટીમો, કચ્છી કડવા પાટીદાર અને કચ્છી લોહાણા વચ્ચે જંગ ગોઠવાઈ ગયો હતો.
પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૧
કપોળ ટીમના કૅપ્ટન હર્ષિત ગોરડિયાએ ટૉસ જીતીને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ જેવી પાવરફુલ બૅટિંગવાળી ટીમને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપવાનો સાહસિક નિર્ણય લીધો હતો. પ્રથમ ત્રણ ઓવરમા પટેલ ટીમ ૧૬ રન જ બનાવી શકતાં કપોળ ટીમનો નિર્ણય યોગ્ય લાગી રહ્યો હતો, પણ ચોથી ઓવરમાં ઓપનર પીયૂષ પટેલના રૂપમાં પ્રથમ વિકેટના પતન બાદ મેદાનમાં આવેલા શેલેશ માણિયાએ પ્રથમ બે બૉલમાં સતત બે સિક્સર ફટકારીને ૯ રન બોનસ અપાવીને સ્કોરિંગ રેટનું એન્જિન બદલી નાખ્યું હતું અને નવું બુલેટ ટ્રેનનું એન્જિન ત્યાર બાદ ચોક્કા-છક્કાના વરસાદના દમ પર પૂરપાટ દોડતું રહ્યું હતું. ચોથી ઓવરમાં ૨૯, પાંચમી પાવર ઓવરમાં ૨૬ તથા છેલ્લી ત્રણ ઓવરમાં ૭૩ રન બનતાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો સ્કોર ૧૦ ઓવરના અંતે એક વિકેટે ૧૭૩ રન પર પહોંચી ગયો હતો. શૈલેશ માણિયાએ ૨૬ બૉલમાં ૮ સિક્સર અને બે ફોર સાથે લાજવાબ અણનમ ૬૯ રન કર્યા હતા. તેને મહેશ હીરપરાએ ૨૨ બૉલમાં ચાર સિક્સર અને ૩
ફોર સાથે અણનમ ૪૮ રન સાથે સૉલિડ સાથ આપ્યો હતો. બન્નેએ ૪૦ બૉલમાં અણનમ ૧૫૦ રનની પાર્ટરનશિપ કરી કપોળ ટીમના બોલરોની બરાબરની ધુલાઈ કરી નાખી હતી. ૧૭૪ રનના ચૅલેન્જિંગ ટાર્ગેટ સામે કપોળે પણ પહેલી જ ઓવરમાં ૨૦ રન સાથે મજબૂત શરૂઆત કરી હતી. પાંચમી ઓવરમાં કુલ ૨૬ રન સાથે તેમનો સ્કોર ૯૩ રન પર પહોંચી જતાં કપોળ ફેવરિટ થઈ ગઈ હતી. છઠ્ઠી ઓવરમાં બે લગાતાર સિક્સર ફટકારીને કુલ ૨૮ રન સાથે સ્કોર એક વિકેટે ૧૨૧ પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ કપોળને બાકીના ૨૪ બૉલમાં ૫૩ રન બનાવવાના હતા અને ૯ વિકેટ હાથમાં હતી, પણ સાતમી ઓવરમાં ઉમંગ શાહની વિકેટ પડ્યા બાદ બાજી પલટાઈ ગઈ હતી અને એ ઓવરમાં માત્ર ૮ રન બન્યા હતા. બાકીના ૧૮ બૉલમાં ૪૫ રનની જરૂર હતી. આઠમી ઓવરમાં ૧૬ રન બન્યા હતા, પણ ડેન્જર મૅન ગૌરાંગ પારેખની વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ ૧૨ બૉલમાં ૨૯ રનની જરૂર હતી અને નવમી પાવર-પ્લેવાળી ઓવરમાં ૧૩ રન બન્યા હતા અને તનય મહેતાની ઑલમોસ્ટ સિક્સરને શૈલેશ માણિયાએ અફલાતૂન કૅચમાં પરિવર્તિત કરીને કમાલ કરી હતી. જો સિક્સર કપોળ ટીમને મળી ગઈ હોત તો બાજી પલટાઈ ગઈ હોત. છેલ્લી ઓવરમાં ૧૬ રનની જરૂર સામે ફક્ત ચાર જ રન બનતાં ૧૧ રન પરાજય સાથે કપોળ ટીમે ભારે હૈયે ૧૩મી સીઝનમાંથી વિદાય લેવી પડી હતી.
અફલાતૂન અણનમ ૬૯ રન, બે કૅચ અને ત્રણ વાર સતત બે સિક્સર ફટકારીને ટીમને ૨૭ રન બોનસ અપાવવા બદલ સૌરાષ્ટ્ર લેઉવા પટેલના શૈલેશ માણિયા મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
ટૂંકો સ્કોર
સૌરાષ્ટ્ર લેઉવા પાટેલ : ૧૦ ઓવરમાં એક વિકેટે ૧૭૩ રન ( શૈલેશ માણિયા ૨૬ બૉલમાં ૮ સિક્સર અને બે ફોર સાથે અણનમ ૬૯, મહેશ હીરપરા ૨૨ બૉલમાં ચાર સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૪૮ રન, પીયૂષ પટેલ ૧૨ બૉલમાં બે ફોર સાથે ૧૨ રન)
કપોળઃ ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૨ રન (ગૌરાંગ પારેખ ૨૭ બૉલમાં ૬ સિક્સર અને ચાર ફોર સાથે ૬૪, ઉમંગ શાહ ૧૩ બૉલમાં બે સિક્સર અને ૩ ફોર સાથે ૨૭, સીતાંશુ પારેખ ૬ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૨ રન, મનીષ પાનસેરિયા ૨૦ રનમાં ૩, રાજેશ કલથિયા ૧૫ રનમાં બે અને પંકજ ધામેલિયા ૩૧ રનમાં એક વિકેટ)
પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૨
બે ચૅમ્પિયન ટીમની ટક્કરમાં હાલાઈ લોહાણાના કૅપ્ટન નિકુંજ કારિયાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. પહેલી ઓવરમાં માત્ર ૬ જ રન બન્યા હતા, પણ બીજી ઓવરમાં ઓપનર વેદાંશ ધોળુએ સતત ત્રણ બોલરમાં ત્રણ ફોર ફટકારીને ટીમને ૬ રન બોનસના અપાવ્યા હતા અને કુલ ૨૩ રન બનતાં સ્કોર બીજી ઓવરમાં ૨૯ રન થઈ ગયો હતો. ત્રીજી ઓવરમાં ભાવિક ભગત ૯ બૉલમાં બે ફોર સાથે ૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ મેદાનમાં આવેલા દિનેશ નાકરાણી તેની નામના પ્રમાણે ૨૧ બૉલમાં પાંચ સિક્સર અને પાંચ ફોર સાથે ૫૭ રન ફટકારીને ટીમને ૧૪૯ રનના સ્કોર સુધી લઈ ગયો હતો. વેદાંશ ધોળુએ ૨૩ બૉલમાં ૪૩ રન સાથે તેને યોગ્ય સાથ આપ્યો હતો. ૧૫૦ રનના ટાર્ગેટ સામે હાલાઈ લોહાણાએ પ્રથમ ત્રણ બૉલમાં ત્રણ બાઉન્ડરી ફટકારીને કમાલની શરૂઆત કરી હતી. પ્રથમ ઓવરમાં કુલ ૨૪ રન બાદ બીજી ઓવરમાં ૧૦, ત્રીજી ઓવરમાં ૭ બાદ ચોથી ઓવરમાં ૧૨ રન બનતાં સ્કોર ચાર ઓવરમાં બે વિકેટ ૪૧ રન થઈ ગયો હતો. મોટા ટાર્ગેટની નજીક પહોંચવા માટે હવે તેમણે પાંચમી પાવર-ઓવરમાં ભરપૂર ફાયદો લેવો જરૂરી હતો, પણ સાવચેતીપૂર્વક રમતાં માત્ર ૩ રન જ બનાવી શક્યા હતા. છઠ્ઠી ઓવરમાં ૧૦ અને સાતમી ઓવરમાં ૧૧ રન બાદ આઠમી ઓવરમાં ૨૯ રન બનતાં મૅચમાં પાછો ટર્ન આવ્યો હતો, પણ નવમી ઓવરમાં દિનેશ નાકરાણીએ માત્ર ત્રણ જ રન આપતાં છેલ્લી ઓવરમાં ૩૭ રન કરવાના હતા. છેલ્લી ઓવરમાં ૨૨ રન જ બનતાં ૧૪ રનથી પરાજય સાથે હાલાઈ લોહાણાની ૧૩મી સીઝનની સફર સમાપ્ત થઈ હતી.
પાવરફુલ ૫૭ રન અને બે ઓવરમાં માત્ર ૧૪ રન આપીને એક વિકેટના ઑલરાઉન્ડ પરર્ફોર્મન્સ બદલ કચ્છી કડવા પાટીદારનો દિનેશ નાકરાણી મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
ટૂંકો સ્કોર
કચ્છી કડવા પાટીદારઃ ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૪૯ રન (દિનેશ નાકરાણી ૨૧ બૉલમાં પાંચ સિક્સર અને પાંચ ફોર સાથે ૫૭, વેદાંશ ધોળુ ૨૩ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૩ અને અલ્પેશ રામજિયાણી ૬ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૧૬ રન, નિકુંજ કારિયા ૧૧ રનમાં બે અને હર્ષ તન્ના ૩૪ રનમાં એક વિકેટ)
હાલાઈ લોહાણાઃ ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૩૫ રન (મેહુલ ગોકાણી ૨૭ બૉલમાં બે સિક્સર અને ૬ ફોર સાથે ૪૭, હર્મેશ સોમૈયા ૧૭ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૩૮ અને સ્નેહલ વિઠલાણી ૧૧ બૉલમાં ૩ ફોર સાથે અણનમ ૧૯ રન, ભાવિક ભગત ૧૩ રનમાં, દિનેશ નાકરાણી ૧૪ રનમાં અને અલ્પેશ રામજિયાણી ૧૬ રનમાં એક-એક વિકેટ)
પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-૩
બે લોહાણાઓ વચ્ચેની આ ટક્કરમાં ઘોઘારી લોહાણાના કૅપ્ટન સુજય ઠક્કરે ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. પહેલી જ ઓવરમાં વિકેટ સાથે ૧૨ રન બનાવીને સાધારણ શરૂઆત બાદ ઘોઘારી લોહાણાએ બીજી ઓવરમાં ૮, ત્રીજી ઓવરમાં ૧૩ અને ચોથી ઓવરમાં ૧૨ રન સાથે ૪૫ રન બનાવ્યા હતા. જોકે પાંચમી પાવર ઓવરમાં વિકેટ ગુમાવતાં ૧૦ રનનો ફટકો લાગ્યો હતો. આ ફટકા બાદ સતત વિકેટપતનને લીધે સ્કોરિંગ-રેટ ધીમો પડી ગયો હતો અને ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૭૮ રન જ બનાવી શક્યા હતા. ૭૯ રનના પ્રમાણમાં આસાન ટાર્ગેટ સામે કચ્છી લોહાણાએ ત્રણ ટૉપ ઑર્ડર બૅટ્સમેનોની ગેરહાજરીમાં સાવેચતીભરી રમત રમવાનું પસંદ કર્યું હતું. બીજી ઓવરમાં ઓપનર કપિલ સોતા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. કૅપ્ટન અવધ ઠક્કર અને દર્શન રૂપારેલ બિનજરૂરી સાહસ કર્યા વગર ૩૩ બૉલમાં ૪૬ રનની પાર્ટનરશિપ સાથે ટીમને જીતના દ્વાર સુધી લઈ ગયા હતા. આખરે ૮.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૮૦ રન બનાવીને કચ્છી કડવા પાટીદારે વિજય મેળવી લીધો હતો. કચ્છી લોહાણાએ ૧૩ અને ઘોઘારી લોહાણાએ ૧૫ રન આપી આ મૅચમાં લોહાણાઓએ ૨૮ વાઇડ બૉલની લહાણી કરી હતી.
બે ઓવરમાં માત્ર ૮ રન આપીને ૩ વિકેટ લેવાના શાનદાર પર્ફોર્મન્સ બદલ કચ્છી લોહાણાનો વિશાલ રૂપારેલ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
ટૂંકો સ્કોર
ઘોઘારી લોહાણાઃ ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૭૮ રન (અમન સુરૈયા ૨૧ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૭, આકાશ ઠક્કર ૯ બૉલમાં બે ફોર સાથે ૧૨ અને જયરાજ ઠક્કર ૪ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૦ રન, વિશાલ રૂપારેલ ૮ રનમાં ૩, શ્લોક પોપટ ૧૧ રનમાં બે તથા જિમિત ભીંડે ૨૦ રનમાં અને જય સચદે ૨૩ રનમાં એક-એક વિકેટ)
કચ્છી લોહાણાઃ ૮.૧ ઓવરમાં બે વિકેટે ૮૦ રન (અવધ ઠક્કર ૨૧ બૉલમાં ૧ એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૪૦, દર્શન રૂપારેલ ૨૨ બૉલમાં ૩ ફોર સાથે ૧૮ રન, મીત સામાણી ૬ રનમાં અને કવન વસાણી ૧૨ રનમાં એક-એક વિકેટ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK