પાર્થિવ-ઇરફાનની સદી : જોકે લક્ષ્મણ, સેહવાગ, ગંભીર ને વિરાટ ફ્લૉપ

Published: 3rd November, 2012 07:54 IST

ગુજરાતે આ પ્રથમ મૅચના પહેલા દિવસે પાંચ વિકેટે ૩૨૭ રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન પાર્થિવ પટેલ (૧૬૨ રન, ૨૦૫ બૉલ, ૨૬ ફોર)નો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર હાઇએસ્ટ હતો.ગ્રુપ ‘એ’

ગુજરાત V/S મધ્ય પ્રદેશ

ગુજરાતે આ પ્રથમ મૅચના પહેલા દિવસે પાંચ વિકેટે ૩૨૭ રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન પાર્થિવ પટેલ (૧૬૨ રન, ૨૦૫ બૉલ, ૨૬ ફોર)નો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર હાઇએસ્ટ હતો. વેણુગોપાલ રાવે ૪૫ રન બનાવ્યા હતા. સન ટીવી નેટવર્કે ડેક્કન ચાર્જર્સના જાળવી રાખેલા પ્લેયરોમાં પેસબોલર આનંદ રાજનનો સમાવેશ છે અને તેણે ગઈ કાલે બે વિકેટ લીધી હતી.

હૈદરાબાદ V/S પંજાબ

હૈદરાબાદે ૭ વિકેટે ૨૪૪ રન બનાવ્યા હતા જેમાં ઓપનર અક્ષથ રેડ્ડીના ૬૩ રન હાઇએસ્ટ હતા. જોકે નિવૃત્તિ પછી પહેલી વાર ડોમેસ્ટિકમાં રમી રહેલો વીવીએસ લક્ષ્મણ (૨૩ રન) ફ્લૉપ ગયો હતો. પંજાબના બોલરો મનપ્રીત ગોની અને અમીતોઝ સિંહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

બેન્ગાલ V/S રાજસ્થાન

ખરાબ પ્રકાશને કારણે માત્ર ૫૯ ઓવર થઈ શકી હતી જેમાં બેન્ગાલે ૪ વિકેટે ૧૮૭ રન બનાવ્યા હતા. કૅપ્ટન મનોજ તિવારી ૪૨ રન બનાવી શક્યો હતો અને ઓપનર સુભોમોય દાસ ૯૫ રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાનના પંકજ સિંહે ત્રણ વિકેટ લીધી હતી.

ગ્રુપ ‘બી’

બરોડા V/S કર્ણાટક

બરોડાએ ૪ વિકેટે ૩૦૮ રન બનાવ્યા હતા જેમાં ઇરફાન પઠાણ (૧૦૫ નૉટઆઉટ, ૧૫૫ બૉલ, ૪ સિક્સર, ૧૨ ફોર) અને ઓપનર આદિત્ય વાઘમોડે (૧૨૧ નૉટઆઉટ, ૨૬૨ બૉલ, બે સિક્સર, છ ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની ૨૨૦ રનની અતૂટ ભાગીદારીનું મુખ્ય યોગદાન હતું.

યુસુફ પઠાણ ફક્ત ૨૪ રન બનાવી શક્યો હતો. કર્ણાટકના સ્ટુઅર્ટ બિન્નીને બે વિકેટ મળી હતી.

દિલ્હી V/S ઉત્તર પ્રદેશ

ગાઝિયાબાદના સ્ટેડિયમમાં ૧૫,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં દિલ્હીની ટીમ માત્ર ૨૩૫ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ હતી. વિકેટકીપર પુનીત બિશ્તના બાવન રન ટીમમાં હાઇએસ્ટ હતા. કૅપ્ટન વીરેન્દર સેહવાગ (પચીસ રન, ૪૫ બૉલ, ૪ ફોર), ગૌતમ ગંભીર (૩૨ રન, ૬૩ બૉલ, પાંચ ફોર), વિરાટ કોહલી (૧૪ રન, ૧૯ બૉલ, બે ફોર) તેમ જ અન્ડર-૧૯ વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન ઉન્મુક્ત ચંદ (૨૮ રન, ૪૬ બૉલ, ૪ ફોર) સહિતના બૅટ્સમેનો મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા હતા. પેસબોલર ઇમ્તિયાઝ અહમદે ગંભીર સહિતના પાંચ તેમ જ બીજા પેસબોલર પ્રવીણ કુમારે સેહવાગ સહિતના ત્રણ બૅટ્સમેનોને આઉટ કર્યા હતા. રમતના અંતે ઉત્તર પ્રદેશના એક વિકેટે ૪૦ રન હતા.

હરિયાણા V/S વિદર્ભ

ગયા વર્ષના સેમી ફાઇનલિસ્ટ હરિયાણાની ટીમ માત્ર પંચાવન રનના એના લોએસ્ટ ટોટલ પર ઑલઆઉટ થઈ ગઈ હતી. વિદર્ભના ઉમેશ યાદવે ૧૮ રનમાં પાંચ અને સંદીપ સિંહે ૧૧ રનમાં ચાર વિકેટ લીધી હતી. ત્યાર પછી વિદર્ભના બે વિકેટે ૭૮ રન બન્યા હતા.

નોંધ : (૧) રણજી ટ્રોફીમાં હવે એલીટ અને પ્લેટ ગ્રુપ નથી. (૨) હવે કુલ ૨૭ ટીમોમાંથી ૯-૯ ટીમોને ‘એ’, ‘બી’ અને ‘સી’ ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

(૩) ‘એ’ અને ‘બી’ ગ્રુપમાં અગાઉના એલીટ ગ્રુપની અને ‘સી’ ગ્રુપમાં પ્લેટ ગ્રુપની ટીમો છે. (૪) ‘એ’ અને ‘બી’ ગ્રુપની ટોચની ત્રણ-ત્રણ તથા ‘સી’ ગ્રુપની ટોચની બે ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં જશે.

(૫) ક્વૉર્ટરથી બધી મૅચો નૉકઆઉટ રહેશે અને દરેક મૅચ પાંચ દિવસની રહેશે.

(૬) ‘એ’ અને ‘બી’ ગ્રુપની તળિયાની ટીમો આવતી સીઝનમાં ‘સી’ ગ્રુપમાં જતી રહેશે અને ‘સી’ ગ્રુપની ટોચની બે ટીમ ‘એ’ તથા ‘બી’ ગ્રુપમાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK