પાકિસ્તાને હૉન્ગકૉન્ગ સિક્સિસ ટુર્નામેન્ટ જીતી લીધી

Published: 31st October, 2011 20:10 IST

હૉન્ગકૉન્ગ: પાકિસ્તાને ગઈ કાલે પાંચમી વખત હૉન્ગકૉન્ગ ક્રિકેટ સિક્સિસ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. છ-છ પ્લેયરો અને પાંચ-પાંચ ઓવરવાળી આ ટુર્નામેન્ટની ફાઇનલના હીરો અબ્દુલ રઝાકના સુકાનમાં પાકિસ્તાને ૧૫૪ રન કર્યા હતા જેમાં રઝાકના ૬૩ અને સોહેલ તનવીરના ૫૮ રન હતા.આઠ બૉલની ઓવરવાળી આ ફાઇનલમાં ઇંગ્લૅન્ડની ટીમ બે બૉલ બાકી હતા એ પહેલાં ૧૧૯ રને ઑલઆઉટ થઈ ગયું હતું. જીત્યા પછી રઝાકે કહ્યું હતું કે ‘અમે પણ ઇંગ્લૅન્ડની જેમ પાંચ વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યા છીએ. જોકે હવે આવતા વર્ષે અમે છઠ્ઠી વખત પણ જીતી લઈશું.’ ગયા વર્ષે આ ટાઇટલ ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને જીતી લીધું હતું. ભારત ૨૦૦૫માં ચૅમ્પિયન બન્યું હતું.

હૉન્ગકૉન્ગ સિક્સિસમાં આ વખતે વુડવૉર્મ ઑલ સ્ટાર્સ નામની ટીમ હતી જેમાં આર. પી. સિંહ, પીયૂષ ચવાલા, શાહિદ આફ્રિદી, હર્શેલ ગિબ્સ, સનથ જયસૂર્યા, રાયન ટેન ડૉચેટ અને લુ વિન્સેન્ટનો સમાવેશ હતો. પાકિસ્તાનના બીજા પ્લેયરોમાં રમીઝ રાજા (જુનિયર), યાસિર શાહ, શરજીલ ખાન અને હમદ આઝમનો સમાવેશ હતો.

ઉમર અકમલ સિરીઝનો હીરો

પાકિસ્તાની બૅટ્સમૅન ઉમર અકમલને ટુર્નામેન્ટમાં કુલ ૧૯૭ રન બનાવવા બદલ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ મળ્યો હતો.

ભારત ક્વૉર્ટરમાં ઇંગ્લૅન્ડ સામે હાર્યું

ઇંગ્લૅન્ડ સામેની ક્વૉર્ટર ફાઇનલમાં ભારતનો બે વિકેટે પરાજય થયો હતો.  પાંચ-પાંચ ઓવરની મૅચમાં ઇંગ્લૅન્ડે ૪ વિકેટે ૧૦૧ રન કર્યા હતા. જોકે દિનેશ કાર્તિકના સુકાનમાં ભારતીય ટીમ ૧૦૨ રનના ટાર્ગેટ સામે પાંચ ઓવરમાં ૧ વિકેટે માત્ર ૯૯ રન બનાવી શકી હતી. મયંક અગરવાલે ૩૫ અને દિનેશ કાર્તિકે ૩૨ રન કર્યા હતા. એ પહેલાં લીગમાં સાઉથ આફ્રિકા સામે જીતેલું ભારત પછીથી પાકિસ્તાન સામે હારી ગયું હતું. ભારતીય ટીમમાં શ્રીધરન શ્રીરામ, શલભ શ્રીવાસ્તવ, મનવિન્દર બિસલા, અને વિજ્ઞેશ ગણપતિ તથા રાજુ ભટકલ નામના બીજા પ્લેયરો હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK