વાઇટવૉશની હૅટ-ટ્રિક સાથે ન્યુ ઝીલૅન્ડ હવે ટેસ્ટમાં બેસ્ટ

Published: 7th January, 2021 12:54 IST | Gujarati Mid-day Correspondent | Christchurch

પાકિસ્તાનનો બીજી ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૧૭૬ રનથી પરાજય; ભારત અને વેસ્ટ ઇન્ડીઝ બાદ ઘરઆંગણે સતત ત્રીજી સિરીઝ જીતી, પ્રથમ વાર ઑફિશ્યલી બની ટેસ્ટ રૅન્કિંગમાં નંબર-વન

કમાલના કિવીઓ: સિરીઝ જીત બાદ નંબર-વન કિવી ટીમ
કમાલના કિવીઓ: સિરીઝ જીત બાદ નંબર-વન કિવી ટીમ

પાકિસ્તાન સામે બીજી અને છેલ્લી ટેસ્ટ મૅચના ગઈ કાલે ચોથા દિવસે ન્યુ ઝીલૅન્ડે એક ઇનિંગ્સ અને ૧૭૬ રનથી પાકિસ્તાનને કચડી નાખ્યું હતું. પહેલી ટેસ્ટમાં પણ કિવીઓનો ૧૦૧ રનથી વિજય થયો હતો. આમ પાકિસ્તાન સામે ૨-૦થી સિરીઝ જીત સાથે કિવી ટીમે ઘરઆંગણે વાઇટવૉશની હૅટ-ટ્રિક કરી છે. ગયા વર્ષેની શરૂઆત ભારત સામે ૨-૦ બાદ ગયા મહિને વેસ્ટ ઇન્ડીઝ સામે પણ ૨-૦થી સિરીઝ વિજય મેળવ્યો હતો.

૩૬૨ રનના ટાર્ગેટ સામે એક વિકેટથી આગળ રમતાં પાકિસ્તાન ટીમ ૧૮૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. કાયલ જૅમિસને ૪૮ રનમાં ૬ અને ટ્રેન્ટ બૉલ્ટે ૪૩ રનમાં ૩ વિકેટ લીધી હતી. કમાલના કૅન વિલિયમસનને પણ એક વિકેટ મળી હતી. જૅમિસન મૅન ઑફ ધ મૅચ અને વિલિયમસન પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો.

પ્રથમ વાર ઑન ધ ટૉપ

સતત શાનદાર પર્ફોર્મન્સને લીધે ન્યુ ઝીલૅન્ડ ટીમે દેશવાસીઓને નવા વર્ષની અનોખી ભેટ આપી છે. આ સિરીઝ જીત સાથે હવે ઑફિશ્યલી ૧૧૮ પૉઇન્ટ સાથે કિવી ટીમ ટેસ્ટ રૅન્કિંગમાં ઑસ્ટ્રેલિયાને પછાડીને પ્રથમ વાર નંબર-વન બની ગઈ છે. પહેલી ટેસ્ટ જીતીને ૧૧૭ પૉઇન્ટ સાથે ઑસ્ટ્રેલિયાને પછાડીને નંબર-વન બની ગઈ હતી, પણ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે ઑફિશ્યલી જાહેરાત કરવા સિરીઝ સમાપ્તિ સુધી રાહ જોઈ હતી. ૧૧૬ પૉઇન્ટ સાથે ઑસ્ટ્રેલિયા બીજા અને ૧૧૪ પૉઇન્ટ સાથે ભારત ત્રીજા નંબરે છે. ૮૨ પૉઇન્ટ સાથે પાકિસ્તાન સાતમા ક્રમાંકે છે.

ટેસ્ટમાં નંબર-વન બનનાર ન્યુ ઝીલૅન્ડ સાતમો દેશ બની ગયો છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ટોચ પર પહોંચનાર એ છઠ્ઠી ટીમ છે. આ ઉપરાંત કૅન વિલિયમસને પણ ટેસ્ટના નંબર-વન બૅટ્સમૅન તરીકેનું સ્થાન પણ ૮૯૦ રેટિંગ સાથે મજબૂત કરી લીધું છે. વિરાટ કોહલી ૮૭૯ રેટિંગ સાથે બીજા અને સ્ટિવ સ્મિથ ૮૭૭ રેટિંગ સાથે ત્રીજા નંબરે છે.

ભારત માટે ખતરો

આ જીત સાથે કિવી ટીમ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ત્રીજા નંબરે છે, પણ બીજા નંબરે રહેલા ભારતની ખૂબ નજીક પહોંચી ગઈ છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં હવે કિવી ટીમના ૪૨૦ પૉઇન્ટ સૌથી વધુ છે, પણ પર્સન્ટેજ પૉઇન્ટમાં ૭૦ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. ભારતના ૭૨.૨ અને નંબર-વન ઑસ્ટ્રેલિયાના ૭૬.૭ પર્સન્ટેજ પૉઇન્ટ છે.

મિસ્બાહમાં સ્કૂલ ટીમને કોચિંગ આપવાની લાયકાત નથી: આકિબ

ટીમના નબળા પર્ફોર્મન્સ બાદ ભૂતપૂર્વ ખેલાડી આકિબ જાવેદે પાકિસ્તાનના હેડ કોચ મિસ્બાહ-ઉલ-હકની ભારે ટીકા કરી હતી. આકિબે કહ્યું હતું કે ‘મને લાગે છે કે પાકિસ્તાન ટીમની પડતી માટે જેણે મિસ્બાહ અને વકાર યુનુસ જેવા બિનઅનુભવીઓને કોચિંગની જવાબદારી સોંપી તેને જવાબદાર ગણવા જોઈએ. મિસ્બાહનું પર્ફોર્મન્સ જોતા તો કોઈ સ્કૂલની ટીમ પણ તેને નોકરી નહીં આપે. ટીમનો પર્ફોર્મન્સ સુધારવો હશે તો ક્રિકેટ બોર્ડે તરત કોઈ પ્રોફેશનલ કોચની નિમણૂક કરવી પડશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK