બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડે આપેલા ૩૬૨ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનના ૧ વિકેટે ૮ રન

Published: 6th January, 2021 17:07 IST | Gujarati Mid-day Correspondent | Christchurch

ટેસ્ટના નંબર-વન વિલિયમસનની ત્રીજી મૅચમાં બીજી ડબલ સેન્ચુરી; ટેસ્ટમાં ૭૦૦૦ રનનો આંકડો પાર કરવા ઉપરાંત સૌથી ઓછી ટેસ્ટમાં ચાર ડબલ સેન્ચુરી ફટકારનાર કિવી ખેલાડી બન્યો

1041 - વિલિયમસન અને નિકોલસે છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૨ પાર્ટનરશિપમાં કુલ આટલા રન બનાવ્યા છે. જે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેના ૧૨૭૫ રન બાદ બીજા નંબરે છે.
1041 - વિલિયમસન અને નિકોલસે છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૨ પાર્ટનરશિપમાં કુલ આટલા રન બનાવ્યા છે. જે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેના ૧૨૭૫ રન બાદ બીજા નંબરે છે.

ટેસ્ટના નંબર-વન વિલિયમસનની ત્રીજી મૅચમાં બીજી ડબલ સેન્ચુરી; ટેસ્ટમાં ૭૦૦૦ રનનો આંકડો પાર કરવા ઉપરાંત સૌથી ઓછી ટેસ્ટમાં ચાર ડબલ સેન્ચુરી ફટકારનાર કિવી ખેલાડી બન્યો

પાકિસ્તાન સામે બીજી અને છેલ્લી ટેસ્ટ મૅચના ગઈ કાલે ત્રીજા દિવસે ન્યુ ઝીલૅન્ડે ફરી લલચામણો ૩૬૨ રનનો ટાર્ગેટ આપીને મૅચને રોમાંચક બનાવવાની કોશિશ કરી છે. પહેલી ટેસ્ટમાં પણ કિવી ટીમે આવું જ કર્યું હતું અને ૩૭૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને એમાં છેલ્લે સુધીના રોમાંચ બાદ પાકિસ્તાનનો આખરે પરાજય થયો હતો.

૩ વિકેટ ૨૮૬ રનથી આગળ રમતાં ગઈ કાલે કિવી ટીમે કૅપ્ટન કેન વિલિયમસનની ડબલ સેન્ચુરી (૩૬૪ બૉલમાં ૨૮ ફોર સાથે ૨૩૮ રન) અને હેન્રી નિકોલસ (૨૯૧ બૉલમાં એક સિક્સર અને ૧૮ ફોર સાથે ૧૫૭ રન) તથા ડેરિલ મિચેલ (૧૧૨ બૉલમાં બે સિક્સર અને ૮ ફોર સાથે ૧૦૨ રન)ની સેન્ચુરીના જોરે ૬ વિકેટે ૬૫૯ રનના સ્કોરે દાવ ડિક્લેર કરીને પાકિસ્તાન સામે બે આખા દિવસ અને આશરે ૧૧ ઓવરમાં ૩૬૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિવસના અંતે ૧૧ ઓવરમાં પાકિસ્તાને ઓપનર શાન મસૂદ (ઝીરો)ની વિકેટ ગુમાવીને ૮ રન બનાવ્યા હતા. હવે તેમણે બાકીના બે દિવસમાં ૩૫૪ રન બનાવવાના છે અને એની ૯ વિકેટ બાકી છે.

રેકૉર્ડબ્રેક ૩૬૯ રનની પાર્ટનરશિપ

કૅપ્ટન કેન વિલિયમસન અને હેન્રી નિકોલસે ગઈ કાલે ચોથી વિકેટ માટે ૩૬૯ રનની પાર્ટનરશિપ સાથે અનેક રેકૉર્ડ તોડ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે તેમની આ કોઈ પણ વિકેટ માટેની હાઇએસ્ટ પાર્ટનરશિપ બની હતી. ઓવરઑલ ૧૯૯૧માં શ્રીલંકા સામે ત્રીજી વિકેટ માટેની ૪૬૭ અને ૧૯૭૨માં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ વિકેટ માટેની ૩૮૭ રનની પાર્ટનરશિપ બાદ આ ત્રીજા ક્રમાંકની હાઇએસ્ટ પાર્ટનરશિપ હતી. આ ઉપરાંત આ જોડીઅે ન્યુ ઝીલૅન્ડની ધરતી પર અેક ટેસ્ટમાં બીજા ક્રમાંકની સૌથી મોટી પાર્ટનરશિપ નોંધાવી છે. હાઇએસ્ટ ૪૬૭ રનની જે છે એ કિવી ખેલાડીઓ માર્ટિન ક્રો અને જૉન્સે શ્રીલંકા સામે ૧૯૯૧માં બનાવી હતી. ૨૦૦૦ના વર્ષ બાદ પાકિસ્તાન સામે આ ૧૩મી ટ્રિપલ સેન્ચુરી પાર્ટનરશિપ જોવા હતી જે બધી ટીમમાં હાઇઅેસ્ટ છે. સેકન્ડ હાઇઅેસ્ટ ૮ ભારત સામે છે.

વિલિયમસનનાં પરાક્રમ

નંબર-વન ટેસ્ટ બૅટ્સમૅન વિલિયમસને ગયા વર્ષનું ફૉર્મ જાળવી રાખીને ૨૦૨૧ અને આ દાયકાની પ્રથમ ડેબ્યુરી ફટકારીને શુભ શરૂઆત કરી છે. આ સમર સીઝનમાં રમાયેલી દરેક ટેસ્ટમાં અને સતત ત્રીજી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર વિલિયમસને તેની આ ત્રીજી સેન્ચુરીને ડબલમાં ફેરવીને કમાલ કરી હતી. આ પહેલાં તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટમાં ૨૫૧ રન બાદ બીજી ટેસ્ટ સંતાનના જન્મને લીધે તે નહોતો રમ્યો. આ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ૧૨૯ અને હવે ૨૫૮ રન બનાવ્યા છે. ત્રીજી ટેસ્ટમાં આ તેની બીજી ડબલ સેન્ચુરી છે.

ન્યુ ઝીલૅન્ડ વતી સૌથી વધુ ચાર ડબલ સેન્ચુરી ફટકારનાર મૅક્‍લમની કરી બરોબરી.

મૅક્‍લમ કરતાં ઓછી મૅચમાં વિલિયમસને ફટકારી ચાર ડબલ સેન્ચુરી.

હાલમાં રમી રહેલા ક્રિકેટરોમાં વિરાટ કોહલી (૭) બાદ સૌથી વધુ ડબલ સેન્ચુરી ફટકારનાર બૅટ્સમૅન.

ગઈ કાલે ૧૨૩ રન કરવાની સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૭૦૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. આવી કમાલ કરનાર તે ન્યુ ઝીલૅન્ડનો મૅક્‍‍લમ અને રૉસ ટેલર બાદ ત્રીજો ખેલાડી બન્યો.

મસૂદની ઝીરોની હૅટ-ટ્રિક

પાકિસ્તાનના શાન મસૂદ માટે આ સિરીઝ ભારે નામોશીભરી રહી છે. પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૪૨ બૉલમાં ૧૦ રન બનાવ્યા બાદ બીજી ઇનિગ્સમાં ઝીરો, આ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ઝીરો અને ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં ૨૫ બૉલ રમ્યો હોવા છતાં ખાતું ખોલાવી નહોતો શક્યો અને ઝીરોની નામોશીભરી હૅટ-ટ્રિક નોંધાવી હતી.

પાકિસ્તાનના કૅપ્ટને બનાવ્યો બાયનો રેકૉર્ડ

પાકિસ્તાને ગઈ કાલે ૧૭ વાઇડ, ૨૭ બાય, ૧૨ નો-બૉલ અને ૮ લેગ-બાય સાથે કુલ ૬૪ રન એક્સ્ટ્રા આપ્યા હતા.

૨૭ બાયના રન સાથે ટેસ્ટમાં સૌથી વધુ બાય રન આપનાર કૅપ્ટન-વિકેટકીપર બન્યો પાકિસ્તાનો કૅપ્ટન મોહમ્મદ રીઝવાન.

૬૪ રન એક્સ્ટ્રા સાથે ટેસ્ટમાં ૧૧મી વાર જોવા મળ્યું છે કે કોઈ ટીમે ૬૪ કે એથી વધુ રન એક્સ્ટ્રાના આપ્યા હોય. આ બાબતે ભારતનો ૭૬ રનનો વર્લ્ડ રેકૉર્ડ છે.

ગઈ કાલના પાકિસ્તાનના ૧૭ વાઇડ અે ટેસ્ટ ઇતિહાસમાં પાંચમો બનાવ હતો કે કોઈ ટીમે ટેસ્ટની અેક ઇનિંગ્સમાં ૧૭ કે અેથી વધુ વાઇડ ફેંક્યા હોય. આ બાબતે સૌથી વધુ ૨૧ વાઇડ ફેંકવાનો રેકૉર્ડ સંયુક્ત રીતે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડના નામે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK