"વૉર્નર અને લીઓનની જોડી જામતી જોઈને મને હાર્ટ અટૅક આવવાનો જ બાકી રહ્યો હતો"

Published: 13th December, 2011 09:23 IST

કિવીકૅપ્ટન ટેલર સાથીઓની પ્રશંસા કરતાં થાકતો જ નથી : ૪૦ રનમાં ૬ વિકેટ લઈને પેસબોલર બ્રેસવેલ બન્યો મૅચવિનર

 

 

હૉબાર્ટ: છેલ્લા થોડા વર્ષો દરમ્યાન ન્યુ ઝીલૅન્ડે ઑસ્ટ્રેલિયાને રગ્બીમાં પરાજિત કર્યું હતું અને નેટબૉલમાં પણ એને હાર ચખાડી હતી, પરંતુ ક્રિકેટમાં એની સામે જીતવું કિવીઓ માટે બહુ અઘરું કામ બની ગયું હતું. જોકે ગઈ કાલે હૉબાર્ટમાં ટેસ્ટસિરીઝની બીજી અને છેલ્લી મૅચના ચોથા દિવસે ન્યુ ઝીલૅન્ડે ઑસ્ટ્રેલિયાને એક્સાઇટિંગ એન્ડમાં પરાજય આપીને બન્ને દેશો વચ્ચેની ક્રિકેટમાં નવું પ્રકરણ શરૂ કર્યું હતું.

ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે ૭ રનથી વિજય મેળવીને સિરીઝ ૧-૧થી ડ્રૉ કરાવી હતી. કિવીકૅપ્ટન રૉસ ટેલરે ૬ વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને અશક્ય મનાતી જીત અપાવનાર પેસબોલર ડગ બ્રેસવેલ સહિત ટીમના તમામ પ્લેયરોના ખૂબ વખાણ કર્યા હતા. ટેલરે પત્રકારોને કહ્યું હતું કે ‘૨૪૧ રનના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયાએ ૧૯૯મા રને નવમી વિકેટ ગુમાવી ત્યાર પછી સેન્ચુરિયન ડેવિડ વૉર્નર અને નૅથન લીઓન જે રીતે જોડી જમાવી રહ્યા હતા એ જોઈને હું એટલો બધો ટેન્શનમાં આવી ગયો હતો કે મને જાણે હાર્ટ અટૅક જ આવવાનો બાકી હતો.

ટેલરે જર્નલિસ્ટોને પોતાના દેશના ક્રિકેટપ્રેમીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડની પ્રજાને અમારા તરફથી આ ક્રિસમસની ગિફ્ટ છે. આ જીત પછીની ગણતરીની મિનિટોમાં મને અભિનંદનના ૫૦ કરતાં પણ વધુ એસએમએસ મળ્યા છે. અમે બહુ મોટી સિદ્ધિ મેળવી છે. રગ્બી અમારી નંબર વન રમત છે, પરંતુ કોઈ પણ રમતમાં જો અમે ઑસ્ટ્રેલિયાને હરાવીએ તો એ અમારી બહુ મોટી જીત કહેવાય છે. આ વિજય ઑસ્ટ્રેલિયાની ધરતી પર મળ્યો હોવાથી એ સ્પેશ્યલ બની ગયો છે. અમારી પ્રજા જાણે છે કે ઑસ્ટ્રેલિયા સામે અમે હંમેશાં અન્ડરડૉગ તરીકે જ રમીએ છીએ એટલે અમારી હારને અમારી જનતા પચાવી લેતી હોય છે. જોકે અમે જો કાંગારૂઓને લડત ન આપીએ તો અમારા લોકોને એ જરાય નથી ગમતું. બ્રિસ્બેનની ટેસ્ટમાં અમે ખાસ કંઈ લડત નહોતી આપી, પરંતુ અહીં આપીને અમારા ક્રિકેટપ્રેમી ચાહકોને ખુશ કરી દીધા છે.’

વૉર્નર હીરો, પૅટિન્સન સુપરહીરો

ગઈ કાલે સિરીઝને અંતે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ ડેવિડ વૉર્નર (૧૨૩ નૉટઆઉટ, ૧૭૦ બૉલ, ૧૪ ફોર)ને આપવામાં આવ્યો હતો. તે ઓપનિંગમાં આવ્યા બાદ છેક સુધી આઉટ નહોતો થયો. ઑસ્ટ્રેલિયન પેસબોલર જેમ્સ પૅટિન્સને સિરીઝમાં પાંચ-પાંચ વિકેટની બે સિદ્ધિઓ સહિત હાઇએસ્ટ ૧૪ વિકેટ લીધી હતી અને તેને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો. તેની આ પહેલી જ ટેસ્ટસિરીઝ હતી.

૭૪ રનમાં ૮ વિકેટ પડી

ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને માત્ર ૭ રનના માર્જિનથી હરાવીને ક્રિકેટજગતમાં સનસનાટી મચાવી દીધી હતી. કાંગારૂઓએ ૨૪૧ રનના ટાર્ગેટ સામે રવિવારના ત્રીજા દિવસે વિના વિકેટે ૭૨ રન બનાવ્યા હતા અને ગઈ કાલે તેમણે બાકીના માત્ર ૧૬૯ રન કરવાના હતા. જોકે તેમની નૌકા કિનારે આવીને ડૂબી ગઈ હતી. ૨૩૩મા રને નૅથન લીઓન (૨૭ બૉલમાં ૯ રન)ની છેલ્લી વિકેટ પડી હતી અને પહેલી જ ટેસ્ટસિરીઝ રમનાર ઓપનર ડેવિડ વૉર્નર ૧૨૩ રને નૉટઆઉટ રહી ગયો હતો. ઑસ્ટ્રેલિયાએ છેલ્લા ૭૪ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી.

સવારે લંચ પહેલાંના સેશનમાં પ્રથમ એક કલાક દરમ્યાન બે વિકેટ પડી હતી. જોકે ઑસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે ૧૫૯ રન હતો ત્યારે પેસબોલર ડગ બ્રેસવેલે પહેલાં રિકી પૉન્ટિંગ (૧૬)ને આઉટ કર્યો હતો અને પછીની ઓવરમાં બે બૉલમાં માઇકલ ક્લાર્ક તથા માઇક હસીને ખાતું ખોલવા દીધા વગર પૅવિલિયન ભેગા કરીને કાંગારૂઓની છાવણીમાં હાહાકાર મચાવી દીધો હતો.

બ્રેસવેલે ફૅમિલીનું નામ ચમકાવ્યું

ગઈ કાલે હૉબાર્ટમાં ૪૦ રનમાં ૬ વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને ઑસ્ટ્રેલિયામાં ૨૬ વર્ષે પ્રથમ ટેસ્ટવિજય અપાવનાર પેસબોલર ડગ બ્રેસવેલે તેના પરિવારનું નામ રોશન કર્યું છે. જૉન બ્રેસવેલ ઑફ સ્પિનર હતા અને તેઓ ૧૯૮૦થી ૧૯૯૦ દરમ્યાન ૪૧ ટેસ્ટ અને ૫૩ વન-ડે રમ્યા હતા. ન્યુ ઝીલૅન્ડે છેલ્લે ૧૯૮૫માં ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટમૅચ જીતી હતી અને જૉન એ કિવી ટીમમાં હતા. તેમણે રિચર્ડ હેડલીના સુકાનમાં મળેલી જીતવાળી એ મૅચમાં ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું હતું.

ડગના પિતા બ્રેન્ડન બ્રેસવેલ ૧૯૭૮થી ૧૯૮૫ દરમ્યાન ૬ ટેસ્ટ અને એક વન-ડે રમ્યા હતા. ડગના બે કાકા (ડગ્લસ બ્રેસવેલ અને માર્ક બ્રેસવેલ) ન્યુ ઝીલૅન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યા હતા. ડગનો ૨૦ વર્ષની ઉંમરનો કઝિન માઇકલ બ્રેસવેલ ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં રમે છે.

નંબર-ગેમકિવી પેસબોલર ડગ બ્રેસવેલની ૪૦ રનમાં ૬ વિકેટ ઑસ્ટ્રેલિયામાં કિવીબોલરોની આટલામા નંબરની બેસ્ટ બોલિંગ-ઍનેલિસિસ છે. આ લિસ્ટમાં રિચર્ડ હેડલીની ૧૯૮૫ની બાવન રનમાં ૯ વિકેટ બેસ્ટ છે૧૨૩ રને નૉટઆઉટ રહેનાર ડેવિડ વૉર્નર ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં ઓપનિંગમાં આવ્યા પછી છેક સુધી આઉટ ન થનાર ઑસ્ટ્રેલિયાનો આટલામો અને વિશ્વનો છઠ્ઠો પ્લેયર છે

૧૬

૨૦૦૮ની શરૂઆત પછી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા આટલામી વખત હાર્યું છે

૧૮

ન્યુ ઝીલૅન્ડ આટલા વર્ષે ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ જીત્યું છે

૨૬

ન્યુ ઝીલૅન્ડ આટલા વર્ષે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ જીત્યું છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK