પલ્લેકેલમાં ગ્રુપ ‘ડી’માં પાકિસ્તાન-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે જબરદસ્ત ટક્કર

Published: 23rd September, 2012 05:29 IST

કિવીઓ આજે પણ કમાલ કરીને સુપર એઇટ્સમાં સ્થાન પાકું કરવા આતુરપલ્લેકેલ: T20 વર્લ્ડ કપના ગ્રુપ ‘ડી’ની બે મજબૂત ટીમો વચ્ચેના મુકાબલામાં ૨૦૦૯ના ચૅમ્પિયન પાકિસ્તાનનો મુકાલબો ન્યુ ઝીલૅન્ડ સામે છે. પાકિસ્તાન આજે પહેલી મૅચમાં જીત સાથે શરૂઆત કરવા આતુર છે. બીજી તરફ ન્યુ ઝીલૅન્ડે શુક્રવારે ડેન્જરસ બ્રેન્ડન મૅક્લમની લાજવાબ સેન્ચુરી વડે બંગલા દેશને ૫૯ રનથી ભવ્ય વિજય મેળવીને જોરદાર શરૂઆત કરી હતી. આજે પણ ફરી કમાલ કરીને કિવીઓ ગ્રુપ લીડર સાથે નેક્સ્ટ સ્ટેજ એટલે કે સુપર એઇટ્સમાં પ્રવેશવા તત્પર છે. પાકિસ્તાન આજે હારશે તો મંગળવારે તેના ગ્રુપની ત્રીજી ટીમ બંગલા દેશ સામેની મૅચ તેમને માટે જીતવી જરૂરી બની જશે.

સ્ટ્રૉન્ગ બોલિંગ-સાતત્યભરી બૅટિંગ

બંગલા દેશ સામે કિવીઓને મૅક્લમે અફલાતૂન ફટકાબાજી કરી એકલા હાથે જીત અપાવી હતી, પણ આજે ભૂતપૂર્વ ચૅમ્પિયન પાકિસ્તાન સામે જીતવા તેમણે બમણું જોર લગાવવું પડશે. મોહમ્મદ હાફિઝના નેતૃત્વવાળી પાકિસ્તાનની ટીમના બોલિંગ-પાવર વિશે કોઈ સવાલ ઉઠાવી શકે એમ નથી. અનુભવી પેસબોલર ઉમર ગુલ અને વર્લ્ડ નંબર વન સ્પિનર સઈદ અજમલ તેમના બે હુકમના એક્કા છે. શાહિદ આફ્રિદી પણ જો તેનો અસલી ટચ મેળવી લેશે તો ભારે પડી શકે એમ છે. આ ત્રણેય બોલરો T20 ઇન્ટરનૅશનલમાં ટૉપના ત્રણ વિકેટ લેનારા બોલરો છે. આ ત્રણેય એકલાહાથે મજબૂત બૅટિંગ લાઇન-અપનો ભુક્કો બોલાવી દેવાની ક્ષમતા ધરાવે છે. કૅપ્ટન હાફિઝ અને સોહેલ તન્વીર પણ તેમને યોગ્ય સપોર્ટ આપી શકે એમ છે. જોકે પાકિસ્તાનની ટીમને સૌથી મોટી ચિંતા ગમેત્યારે પડી ભાંગતી બૅટિંગની છે. બે વૉર્મ-અપ મૅચમાં પાકિસ્તાનની અસાતત્યભરી બૅટિંગની નબળાઈ જોવા મળી હતી. ભારત સામે ૧૮૬ રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો, પણ ઇંગ્લૅન્ડ સામે ૧૧૨ રનનો ટાર્ગેટ મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. સિલેક્ટરોએ પણ આ ખામીને ધ્યાનમાં રાખીને ઓપનિંગમાં અનુભવી ઇમરાન નઝીર અને કામરાન અકમલ તથા મિડલ ઑર્ડરમાં ભૂતપૂર્વ કૅપ્ટન શોએબ મલિક, અબ્દુલ રઝાક અને શાહિદ આફ્રિદીનો ટીમમાં સમાવેશ કયોર્ છે.

કિવીઓને ભરોસો બૅટિંગ-પાવરનો

કિવીઓનો સૌથી સ્ટ્રૉન્ગ પૉઇન્ટ તેમની વિસ્ફોટક બૅટિંગ છે. મૅક્લમે બંગલા દેશ સામે ૫૮ બૉલમાં ૧૨૩ રનની રેકૉર્ડબ્રેક ઇનિંગ્સ રમીને તેનો પરચો આપ્યો હતો. મૅકકલમ ઉપરાંત કૅપ્ટન રૉસ ટેલર પણ તોફાની ફટકાબાજી કરવાની ક્ષમતા ધરાવે છે. અનુભવી જેમ્સ ફ્રેન્કલિન અને જૅકબ ઓરમ પણ જરૂર પડે ત્યારે ખીલી શકે એમ છે. બોલિંગમાં ભૂતપૂર્વ કૅપ્ટન ડેનિયલ વેટોરીની આગેવાનીમાં ટિમ સાઉધી અને કાઇલ મિલ્સ મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. કિવીઓની ફીલ્ડિંગ પણ મૅચની બાજી પલટી શકે એમ છે.

છેલ્લી ચાર મૅચમાં ત્રણમાં વિજય

બન્ને દેશો વચ્ચે ૮ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ છે જેમાં પાકિસ્તાને પાંચમાં મૅચ જીત મેળવી છે પણ બન્ને ટીમો વચ્ચેની છેલ્લી ચાર મૅચ પર નજર નાખીએ તો ચારમાંથી ત્રણમાં કિવીઓ વિજયી થયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK