ગૅબામાં પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારનારો પહેલો જ ઓપનર બનતો મુરલી વિજય

Published: 18th December, 2014 06:45 IST

ગૅબામાં કોઈ વિદેશી ટીમે પ્રથમ દિવસે ૩૦૦થી વધુ રન બનાવ્યા હોય એવો ૫૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો, છેલ્લી ૨૧ ઇનિંગ્સમાં કોઈ વિદેશી ટીમે ૫૦થી વધુ રનની ઓપનિંગ પાટર્નરશિપ કરી: ઑસ્ટ્રેલિયન બોલરો ગૅબાની ગરમીથી ત્રાહિમામ, ડેવિડ વૉર્નર પાસે પણ બોલિંગ કરાવી
મુરલી વિજયના શાનદાર ૧૪૪ રનના કારણે ગઈ કાલથી ગૅબામાં શરૂ થયેલી ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ભારતે ૪ વિકેટે ૩૧૧ રન કર્યા હતા. ગૅબામાં પ્રથમ દિવસે ૩૦૦થી વધુ રન કરનારી ટીમ ઇન્ડિયા બીજી વિદેશી ટીમ બની છે. વિજયની આ પાંચમી સદી હતી. હાલ રોહિત શર્મા ૨૬ તો અજિંક્ય રહાણે ૭૫ રને નોટઆઉટ છે. ૧૯૫૯-૬૦ દરમ્યાન વેસ્ટ ઇન્ડિઝની ટીમ પ્રથમ દિવસે ૩૦૦ કરતાં વધુ રન કરી શકી હતી. વિજય અને રહાણે વચ્ચે ચોથી વિકેટ માટે ૧૨૪ રનની ભાગીદારી થઈ હતી.

જીવતદાનનો લીધો લાભ

વિજયને પોતાની ઇનિંગ્સ દરમ્યાન કેટલાંક જીવતદાન મળ્યાં હતાં જેનો એણે પૂરતો લાભ ઉઠાવી લંચ બાદ આક્રમક બૅટિંગ કરીને ઑસ્ટ્રેલિયાની ઘરતી પર પહેલી સદી ફટકારી હતી. સેકન્ડ સેશનને બાદ કરતાં ઑસ્ટ્રેલિયાના બોલરો ભારતીય બૅટ્સમેનો માટે કોઈ મુશ્કેલી પેદા કરી શક્યા નહોતા. એટલું જ નહીં, બોલર મિચલ માર્શ અને જોશ હેઝલવુડને ઈજા થતાં એમણે મેદાનમાંથી અધવચ્ચે જ બહાર જવું પડ્યું હતું.

સારી ઓપનિંગ પાટર્નરશિપ

મુરલી વિજય અને શિખર ધવન વચ્ચે ૫૬ રનની ઓપનિંગ પાટર્નરશિપ થઈ હતી. બન્ને ઓપનરોએ ટોસ જીતીને દાવ લેવાના કૅપ્ટન ધોનીના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો હતો. શરૂઆતમાં થોડીક મુશ્કેલી પડી હતી, પરંતુ ત્યાર બાદ બૅટ્સમેનો લયમાં આવ્યા હતા. શિખર ધવન પોતાની સારી શરૂઆતને જાળવી રાખી શક્યો નહોતો અને ૨૪ રને આઉટ થયો હતો. ચેતેશ્વર પુજારા (૧૮) અને વિરાટ કોહલી (૧૯) નવા બોલર જોશ હેઝલવુડનો શિકાર બન્યા હતા.

સ્કોર જોયો જ નહોતો

સદી બાદ મુરલી વિજયે કહ્યું હતું કે ‘આજે ઘણી ગરમી હતી. હું જોતો હતો કે બોલરો થાકી ગયા છે. હું માત્ર ક્રિસ પર ટકી રહ્યો. ગરમીની અસર મારા પર પણ થતી હતી, પરંતુ જ્યારે તમે દેશ વતી રમો છો ત્યારે આવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે છે. મેં મારી ફિટનેસ પણ ઘણું ધ્યાન આપ્યું હતું. અજિંકય રહાણેએ મને કહ્યું હતું કે મારા ૧૦૦ રન પૂરા થયા. ગયા વખતે હું ૯૯ રને આઉટ થયો હતો. તે વખતે મને મારા સ્કોરની ખબર હતી તેથી આ વખતે હું મારો સ્કોર જોવા માગતો નહોતો.’

કમનસીબ પુજારા

અમ્પાયર ઇયાન ગોલ્ડના ખરાબ નિર્ણયને કારણે ઑસ્ટ્રેલિયાને ફરી એક વાર લાભ થયો હતો. પુજારા ૧૮ રને આઉટ થયો ત્યારે જોશ હેઝલવુડનો બૉલ પુજારાની હેલ્મેટ પર વાગ્યો હતો. આ બોલરે લીધેલી પહેલી જ વિકેટ વિવાદાસ્પદ રહી હતી. હાલ ઈજાને કારણે સિરીઝની બહાર રહેલા કૅપ્ટન માઇકલ ક્લાર્કે અમ્પાયરના ખોટા નિર્ણયની નિંદા કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) નહીં લેવાના નિર્ણયની પણ ટીકા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ભારત જ આ નિર્ણયનો વિરોધ કરતું આવ્યું છે. પહેલી ટેસ્ટમાં પણ અજિંકય રહાણેને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો હતો.

ઝડપથી વિકેટ જોઈશે : લીમન

ઑસ્ટ્રેલિયાના કૉચ ડૅરેન લીમને એવી આશા રાખી છે કે એમના બોલરો ઝડપથી વિકેટો લેશે. તેણે કહ્યું હતું કે ‘ભારે ગરમીને કારણે બોલરોની હાલત કફોડી થઈ છે, પરંતુ કોઈ બહાના નહીં ચલાવી લેવાય. મિશેલ માર્શના જમણા સ્નાયુમાં ઈજા થતાં તે મૅચમાં બોલિંગ નહીં કરી શકે. એક સમય એવો આવ્યો હતો કે બૅટ્સમૅન ડેવિડ વૉર્નરને પણ બોલિંગ આપવી પડી હતી. યજમાન યોગ્ય ઓવર રેટ જાળવી ન શકતાં મૅચ સાત ઓવર વહેલી પૂરી થઈ ગઈ હતી.

કોચે કહ્યું હતું કે ‘ઘણી જગ્યાએ સમય વેડફાયો હતો. ઘણા બધા ડ્રિન્ક-બ્રેક પડ્યા હતા. એટલું જ નહીં, ઘણાને ઈજા પણ થઈ હતી. જોકે ભારતે ઘણી સારી રમત બતાવી હતી. સવારે ફટાફટ વિકેટો લેવી પડશે.’

ચમકારા

ગૅબામાં પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારનારો પહેલો ઓપનર બનતો મુરલી વિજય. આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમૅન એમ. સી. કેરે ૧૯૬૮-૬૯ દરમ્યાન ૮૩ રન કર્યા હતા.

મુરલી વિજયે ૧૪૪ રન બનાવ્યા હતા. આ પહેલાં સૌરવ ગાંગુલીએ ૨૦૦૩માં આ મેદાન પર ૧૪૪ રન કર્યા હતા.

મુરલી વિજય પહેલાં આ મેદાન પર સૌરવ ગાંગુલી, સુનીલ ગાવસકર  અને એમ. એલ. જયસિમ્હાએ સદી ફટકારી હતી.

બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા સામે કોઈ પણ વિદેશી ખેલાડીએ બનાવેલી આ ૩૦મી સદી હતી.

બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા સામે માત્ર ૯ ઓપનરો ૨૦૦ બોલનો સામનો કરવામાં સફળ થયા હતા. મુરલી વિજય ૧૦મો બૅટ્સમૅન બન્યો હતો.

મુરલી વિજયે ટેસ્ટ-મૅચોમાં પોતાના ૨૦૦૦ રન પૂરા કર્યા છે. આમ કરનારો તે ૩૪મો બૅટ્સમૅન છે. હાલ ભારતીય ટીમમાં આવું કરનારા કૅપ્ટન ધોની (૪૮૦૮) રન અને વિરાટ કોહલી (૨૧૧૧) રન માત્ર બે જ ખેલાડીઓ છે.

ભારતની પહેલી ઇનિંગ્સ

મુરલી વિજય

કૉટ હૅડિન બો. લાયન

૧૪૪

શિખર ધવન

કૉટ હૅડિન બો. માર્શ

૨૪

ચેતેશ્વર પુજારા

કૉટ હૅડિન બો. હેઝલવુડ

૧૮

વિરાટ કોહલી

કૉટ હૅડિન બો. હેઝલવુડ

૧૯

અજિંકય રહાણે

નૉટઆઉટ

૭૫

રોહિત શર્મા

નૉટઆઉટ

૨૬


ઍક્સ્ટ્રા , કુલ ૮૩ ઓવરમાં ૪ વિકેટે ૩૧૧, વિકેટ : ૧-૫૬, ૨-૧૦૦, ૩-૧૩૭, ૪-૨૬૧, બોલિંગ : મિચલ જૉન્સન (૧૫-૨-૬૪-૦), જોશ હેઝલવુડ (૧૫.૨-૫-૪૪-૨), મિચલ સ્ટાર્ક (૧૪-૧-૫૬-૦), મિશેલ માર્શ (૬-૧-૧૪-૧), નૅથન લાયન (૨૦-૧-૮૭-૧), શેન વૉટ્સન (૧૦.૪-૫-૨૯-૦), ડેવિડ વૉર્નર (૧-૦-૯-૦), સ્ટીવ સ્મિથ (૧-૦-૪-૦)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK