Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ મુસીબતમાં, પણ ઝહીર ફુલ્લી ફિટ

મુંબઈ મુસીબતમાં, પણ ઝહીર ફુલ્લી ફિટ

08 December, 2011 07:23 AM IST |

મુંબઈ મુસીબતમાં, પણ ઝહીર ફુલ્લી ફિટ

મુંબઈ મુસીબતમાં, પણ ઝહીર ફુલ્લી ફિટ




રાજકોટ : ચાર દિવસની રણજી મૅચમાં ગઈ કાલના બીજા દિવસે પણ મુંબઈ સામે સૌરાષ્ટ્રનો હાથ ઉપર હતો. જોકે મુંબઈના ઝહીર ખાને ત્રણ વિકેટ લેવાની સાથે પૂરી ફિટનેસ ફરી હાંસલ કરી લીધી હોવાનો સંકેત મળી ગયો હતો.

સૌરાષ્ટ્રએ ચિરાગ પાઠક (૧૧૬) પછી બીજા ઓપનર ભૂષણ ચૌહાણ (૧૫૭)ની સદી તેમ જ કૅપ્ટન જયદેવ શાહ (૭૮) તથા શિતાંશુ કોટક (૫૯)ની હાફ સેન્ચુરીની મદદથી ગઈ કાલે ૯ વિકેટે ૫૮૦ રનના સ્કોરે દાવ ડિક્લેર કરી દીધો હતો અને ત્યાર બાદ મુંબઈએ છ ઓવરની રમતમાં ૧૯ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. એક વિકેટ જયદેવ ઉનડકટે અને બીજી સંદીપ મણિયારે લીધી હતી.

છેલ્લી વિકેટની જોડી નડી

સૌરાષ્ટ્રએ નવમી વિકેટ ૫૨૩ રનના સ્કોરે ગુમાવી હતી અને ત્યારે એવું લાગતું હતું કે સૌરાષ્ટ્ર ગણતરીની મિનિટોમાં દસમી વિકેટ ગુમાવી દેશે. જોકે સંદીપ મણિયાર (૪૩ નૉટઆઉટ, ૪૬ બૉલ, ૮ ફોર) તથા સિદ્ધાર્થ ત્રિવેદી (૨૪ નૉટઆઉટ, ૨૦ બૉલ, ૩ સિક્સર, ૧ ફોર) વચ્ચે સાત ઓવરમાં ૫૭ રનની ભાગીદારી થઈ હતી જે મુંબઈને ભારે પડી હતી. આ ભાગીદારીથી મુંબઈના પ્લેયરો નાસીપાસ થઈ ગયા હતા તેમ જ ખૂબ થાકી પણ ગયા હતા. એ મોકો જોઈને સૌરાષ્ટ્રના કૅપ્ટન અને ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ નિરંજન શાહના પુત્ર જયદેવ શાહે દાવ ડિક્લેર કરી દીધો હતો. મુંબઈને છેલ્લી છ ઓવર રમવા મળી હતી જેમાં એણે ઓપનર સુશાંત મરાઠે તેમ જ આ સીઝનની રણજીમાં સૌથી વધુ ૫૧૧ રન કરનાર અભિષેક નાયરની વિકેટ ગુમાવી દીધી હતી.

ઝહીરે પૂજારાને વહેલો આઉટ કર્યો

ઝહીર ખાને ગઈ કાલે ચેતેશ્વર પૂજારાને તેના માત્ર ૯ રનના સ્કોરે આઉટ કરી દીધો હતો. ત્યાર પછી ઝહીરે ૩ સિક્સર અને ૮ ફોર સાથેની આક્રમક બૅટિંગ કરનાર જયદેવ શાહને પણ આઉટ કર્યો હતો. ઝહીરે કુલ ત્રણ વિકેટ લીધી હતી.

પોવારે ૧૭૬ રન આપ્યા

રમેશ પોવારે સૌરાષ્ટ્રની સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી, પરંતુ તેણે ૩૬ ઓવરમાં કુલ ૧૭૬ રન આપી દીધા હતા. ઇકબાલ અબદુલ્લાને ૧૦૩ રનમાં બે વિકેટ મળી હતી. ધવલ કુલકર્ણી, આવિષ્કાર સાળવી અને અભિષેક નાયર એકેય વિકેટ નહોતા લઈ શક્યા.

બરોડા સામે ગુજરાત મુશ્કેલીમાં

વડોદરાની રણજીમાં ગઈ કાલના બીજા દિવસે બરોડા ૨૦૩ રનમાં ઑલઆઉટ થઈ ગયા પછી ગુજરાતનો ૧૬૯ રનમાં વીંટો વળી ગયો હતો અને બરોડાને ૩૪ રનની લીડ મળી હતી. સંકલ્પ વોરાએ ચાર અને ફિરદૌસ ભાજા નામના બોલરે ત્રણ વિકેટ લીધી હતી.

ઉત્તર પ્રદેશ ૭૯માં ઑલઆઉટ

ગાઝિયાબાદમાં રણજી મૅચના બીજા દિવસે રેલવે પ્રથમ દાવમાં ૩૭૪ રનમાં ઑલઆઉટ થઈ ગયા પછી ઉત્તર પ્રદેશની ટીમ ફક્ત ૭૯ રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી. સંજય બાંગડે ૨૦ રનમાં પાંચ અને કૃષ્ણકાન્ત ઉપાધ્યાય નામના પેસબોલરે ૩૭ રનમાં ચાર વિકેટ લીધી હતી. ફૉલો-ઑન બાદ ઉત્તર પ્રદેશે ૧૮ રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.

 


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2011 07:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK