IPL 2019 : મુંબઇ લોકલે ચેન્નઇ એક્સપ્રેસ રોકી, મુંબઇનો 37 રને વિજય

મુંબઈ | Apr 04, 2019, 09:37 IST

મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચમાં મુંબઇ ટીમે અંતિમ ઓવરમાં 37 રને જીત મેળવી હતી અને રોહીતની સેનાએ ચેન્નઇનો ટુર્નામેન્ટમાં સતત ત્રણ જીતનો સિલસીલો રોક્યો હતો.

IPL 2019 : મુંબઇ લોકલે ચેન્નઇ એક્સપ્રેસ રોકી, મુંબઇનો 37 રને વિજય
મુંબઇ ઇન્ડિયન્સની જીત (PC : IPL)

આઇપીએલમાં બુધવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચમાં મુંબઇ ટીમે અંતિમ ઓવરમાં 37 રને જીત મેળવી હતી અને રોહીતની સેનાએ ચેન્નઇનો ટુર્નામેન્ટમાં સતત ત્રણ જીતનો સિલસીલો રોક્યો હતો. આ જીત સાથે મુંબઇ ટીમે આઇપીએલમાં 100 મેચ જીતવાનો રેકોર્ડ નોંધાવતી પહેલી ટીમ બની ગઇ છે. જોકે મુંબઇ બાદ ચેન્નઇની જ ટીમ આવે છે. ચેન્નઇએ 93 મેચમાં જીત મેળવી છે. 2008થી અત્યાર સુધીમાં મુંબઈએ 175 મેચ રમી છે, જેમાંથી તેણે 100 મેચ જીતી છે જયારે 75માં હારનો સામનો કર્યો છે. આ જીતમાં સુપરઓવરની જીતનો પણ સમાવેશ થાય છે.

ચેન્નઇની શરૂઆત સારી ન રહી
મુંબઇએ જીતવા માટે આપેલા 171 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇની શરૂઆત સારી રહી ન હતી. ચેન્નઇના બંને ઓપનર્સ 8 બોલના ગાળામાં પેવેલિયન ભેગા થતા ચેન્નાઇની શરૂઆત નબળી રહી હતી. તે પછી રિધમમાં જણાતા સુરેશ રૈનાનો કવર્સ પર કાયરન પોલાર્ડે અદભુત કેચ કરતા ચેન્નાઇએ 5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 33 રન જ કર્યા હતા. ધોની અને કેદાર જાધવે ચોથી વિકેટ માટે 44 રન ઉમેર્યા હતા. જોકે રનગતિ વધારવાના પ્રયાસમાં ધોની 12 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો. મહેમાન ટીમ માટે સૌથી વધુ રન કરનાર કેદાર જાધવ 58 રને લસિથ મલિંગાનો શિકાર બનતા ચેન્નાઇએ મેચ ગુમાવી હતી. મુંબઈ માટે લસિથ મલિંગા અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ લીધી હતી જયારે જેસન બેહરેનડોર્ફે 2 વિકેટ લીધી હતી.


મુંબઈની ધીમી શરૂઆત
મુંબઈ ટીમે પોતાના બેટ્સમેનોના સારા પ્રદર્શનના દમ પર ચેન્નઈ સુપર કિંગ્સ  વિરુદ્ધ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. મુંબઈની શરૂઆત  ધીમી રહી હતી, પરંતુ અંતમાં તેના બેટ્સમેનોએ ઝડપથી રન ફટકારીને મજબૂત સ્કોર  બનાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 59 રન બનાવ્યા હતા.  ક્રુણાલ પંડ્યાએ 42 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે પોતાની  ઈનિંગમાં 43 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગા તથા એક સિક્સ ફટકારી હતી. ડ્વેન  બ્રાવો (8)ને મલિંગાએ ડિ કોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ક્રુણાલ પંડ્યાએ 32 બોલ પર પાંચ ચોગ્ગા અને એક સિક્સની મદદથી 42 રનની ઈનિંગ  રમી હતી. આ બંન્ને સિવાય હાર્દિક પંડ્યાએ આઠ બોલની ઈનિંગમાં એક ચોગ્ગો અને ત્રણ  છગ્ગા ફટકારીને અણનમ 25 રન બનાવ્યા હતા. કીરોન પોલાર્ડે સાત બોલ પર બે  છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. અંતમાં હાર્દિક અને પોલાર્ડે 13 બોલમાં 45 રન  જોડ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સના બોલરોમાં દીપક ચહર, મોહિત શર્મા, ઈમરાન તાહિર,  રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવોને એક-એક સફળતા મળી હતી. 

મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ઝટકો ડિ કોકના રૂપમાં લાગ્યો, જ્યારે ત્રીજી ઓવરમાં ચેન્નઈના  બોલર દીપક ચહરે તેને કેદાર જાધવના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ડિ કોકે 4 રન  બનાવ્યા હતા. આઠમી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યો હતો.  રોહિતે 13 રન બનાવ્યા હતા. 9મી ઓવરમાં તાહિરે યુવરાજ સિંહને અંબાતી રાયડૂના હાથે કેચઆઉટ કરાવીને મુંબઈને  ત્રીજો ઝટકો આપ્યો હતો. યુવીએ 4 રનનું યોગદાન આપ્યું હતું. 17મી ઓવરમાં મોહિત  શર્માએ ક્રુણાલ પંડ્યાને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો અને મુંબઈની ચોથી  વિકેટ પડી હતી. ક્રુણાલ 42 રન બનાવીને આઉટ થયો હતો. 18મી ઓવરમાં બ્રાવોએ  સૂર્યકુમારને આઉટ કરાવીને મુંબઈને પાંચમો ઝટકો આપ્યો હતો.

આ પણ જુઓ : IPL મેચમાં KKRના વિજય પછી કંઈક આવો હતો શાહરુખનો અંદાજ

IPLમાં સૌથી વધારે જીત

મુંબઈ ઈન્ડિયન્સઃ 175 મેચ, 100 જીત, 75 હાર


ચેન્નઇ સુપર કિંગ્સઃ 152 મેચ, 93 જીત, 58 હાર


કોલકાતા નાઇટ રાઇડર્સઃ 167 મેચ, 88 જીતસ 79 હાર


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ 171 મેચ, 79 જીત, 89 હાર


કિંગ્સ ઇલેવન પંજાબઃ 166 મેચ, 79 જીત, 87 હાર


રાજસ્થાન રોયલ્સઃ 137 મેચ, 71 જીત, 65 હાર

દિલ્લી કેપિટલ્સઃ 165 મેચ, 69 જીત, 94 હાર


સનરાઇઝર્સ હૈદરાબાદઃ 96 મેચ, 54 જીત, 42 હાર


હાર-જીતમાં સુપર ઓવરમાં થયેલો નિર્ણય પણ સામેલ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK