ચેન્નઈ સુપર કિંગ્સની આઇપીએલની ૧૩મી સીઝનમાં સૌથી ખરાબ પર્ફોર્મન્સને લીધે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લઈ લેશે કે કૅપ્ટન્સી છોડી દેશે એવી ચર્ચા ચાલી રહી છે. એમાં ધોનીનો પર્ફોર્મન્સ પણ નબળો રહ્યો હતો. ભારતીય ટીમનો ભૂતપૂર્વ બૅટિંગ-કોચ સંજય બાંગડને લાગે છે કે નેક્સ્ટ સીઝનમાં ધોની ચેન્નઈનું નેતૃત્વ નહીં કરે અને સાઉથ આફ્રિકન ફૅફ ડુ પ્લેસિસના હાથમાં કમાન આવી શકે છે.
બાંગડે કહ્યું કે ‘ધોનીએ ૨૦૧૧ના વર્લ્ડ કપ પછી કૅપ્ટન્સી છોડવાનું મન બનાવી લીધું હતું. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની ટફ સિરીઝને જોતાં તેણે યોગ્ય સમયે નિર્ણય લીધો અને વિરાટને જવાબદારી સોંપી દીધી હતી. જોકે ત્યાર બાદ પણ તે રમતો રહ્યો હતો. મને લાગે છે કે આઇપીએલમાં પણ તે એવું જ કરશે અને ફૅફ ડુ પ્લેસિસને જવાબદારી સોંપી દેશે, પણ ટીમમાં રમતો રહેશે. પ્લેસિસ સાઉથ આફ્રિકન ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. ચેન્નઈ પાસે કૅપ્ટન્સી માટે પ્લેસિસ સિવાય કોઈ યોગ્ય વિકલ્પ નથી. અને રહી વાત ઑક્શનમાં બીજી ટીમમાંથી યોગ્ય ઉમેદવાર ખરીદવાની, તો કોઈ ટીમ કૅપ્ન્સીના ગુણવાળા ખેલાડીને છોડવાનું પસંદ નહીં કરે.’