પાકિસ્તાની ક્રિકેટ માટે શરમજનક દિવસ : બટ અને આસિફ દોષી સાબિત

Published: 2nd November, 2011 19:46 IST

લંડન: ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની લૉડ્ર્સ ટેસ્ટમાં સ્પૉટ-ફિક્સિંગ કૌભાંડમાં હાથ કાળા કરનાર પાકિસ્તાની કૅપ્ટન સલમાન બટ અને ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફને ગઈ કાલે લંડનની કોર્ટ દ્વારા નિયુક્ત ૧૨ મેમ્બરોના સમાવેશવાળા જ્યુરી (પંચ)એ આપેલા ચુકાદામાં દોષી ઠરાવ્યા હતા એને પગલે હવે બન્ને ગુનેગાર પ્લેયરો માટે કોર્ટના ન્યાયાધિશ જેરેમી કુક આજે અને આવતી કાલે સજા જાહેર કરશે. બન્નેને નવ-નવ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે.સ્પૉટ-ફિક્સિંગના કૌભાંડમાં સામેલ થઈને છેતરપિંડીના કાવતરાંમાં ભૂમિકા ભજવવા બદલ બટ તેમ જ આસિફને જ્યુરીએ ગુનેગાર જાહેર કરતો ફેંસલો સર્વાનુમતે આપ્યો હતો, જ્યારે ફિક્સિંગની રકમ સ્વીકારવાને લગતા કાવતરાંમાં ભૂમિકા ભજવવા બદલ ૧૨ મેમ્બરોના જ્યુરીએ ૧૦-૨ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો.

બટ અને આસિફ બન્ને પ્લેયરોને આજે અને આવતી કાલે સજા જાહેર થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યા છે. જ્યુરીના મેમ્બરો વચ્ચે ૧૬ કલાક અને ૫૬ મિનિટ સુધી ચર્ચા થઈ હતી અને છેક ત્યારે તેઓ ચુકાદા પર આવ્યા હતા. ફિક્સિંગની રકમ સ્વીકારવા બદલ સાત વર્ષ સુધીની કેદની સજા અને છેતરપિંડીના કાવતરાંમાં ભાગ ભજવવા બદલ બે વર્ષ સુધીની કેદની સજા કરવાનો ઇંગ્લૅન્ડમાં કાયદો છે. આમ, બટ અને આસિફને કુલ નવ-નવ વર્ષ સુધીની જેલ થઈ શકે.

પાકિસ્તાની પ્લેયરો પાસે સ્પૉટ-ફિક્સિંગના ગુના કરાવનાર બુકી મઝહર માજિદ પણ દોષી ઠર્યો છે અને તેના માટેની સજા પર જાહેર થશે.

વધુ પ્લેયરોનાં નામ બહાર આવી શકે

પાકિસ્તાની ટીમને જાણીજોઈને હરાવવા જેવું સ્પૉટ-ફિક્સિંગ કૌભાંડ બીજી કેટલીક મૅચોમાં બન્યું હતું અને બીજા કેટલાક પ્લેયરો એમાં સંડોવાયા હતા એવી જાણ આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને લંડન પોલીસની તપાસ દરમ્યાન તેમ જ લંડનની કોર્ટની સુનાવણી પરથી થઈ છે એટલે હવે ક્રિકેટના મોવડીઓ એવી મૅચોની પણ ઝીણવટભરી તપાસ કરશે.

રાજા નામનો ભારતીય ફિક્સર કોણ?

ફિક્સર મઝહર માજિદ સાથે રાજ નામના ભારતીય બુકીએ મોટી ભૂમિકા ભજવી હોવાનું લંડનની સુનાવણી દરમ્યાન મળેલા પુરાવા પરથી જાણવા મળ્યું છે.

અમ્પાયરો-ઍડ્મિનિસ્ટ્રેટરો સામેલ : મોદી

આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ ગઈ કાલે લંડનથી ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘ફિક્સિંગમાં માત્ર પ્લેયરો અને બુકીઓ નહીં, પણ ઘણા અમ્પાયરો અને ઍડ્મિનિસ્ટ્રેટરો પણ સંડોવાયેલા હોય છે. એકલા પ્લેયરોથી કરોડો રૂપિયાના ફિક્સિંગ થાય જ નહીં.’

ભૂતપૂર્વ પ્લેયરો ત્રણેય પર ક્રોધિત

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્લેયરો ઝહીર અબ્બાસ, આમિર સોહેલ, રમીઝ રાજા અને રાશિદ લતીફે પાકિસ્તાની પ્લેયરો સ્પૉટ-ફિક્સિંગના કેસમાં દોષી જાહેર થયા એને પગલે ગઈ કાલને પાકિસ્તાન માટેના સૌથી ખરાબ દિવસ તરીકે ગણાવ્યો હતો. ભૂતપૂર્વ ખેલાડીઓ બટ, આસિફ અને આમિર પર જબરદસ્ત ક્રોધ વ્યક્ત કર્યો હતો અને તેમને આકરી સજા થવી જોઈએ એવો મત આપ્યો હતો.

બટ દોષી ઠર્યો એના કલાક પહેલાં બીજા પુત્રનો પિતા બન્યો

ગઈ કાલે સલમાન બટને લંડનની કોર્ટે પુરાવાના આધારે મોહમ્મદ આસિફની સાથે દોષી જાહેર કર્યો એના એક કલાક પહેલાં બટની પત્ની ગુલ હસને સિઝેરિયન કરાવીને બીજા પુત્રને જન્મ આપ્યો હતો. સલમાન બટના પિતા ઝુલ્ફીકાર બટે પત્રકારોને કહ્યું હતું કે ‘મારો દીકરો બીજા પુત્રનો પિતા બન્યો એના કલાક પછી લંડનની કોર્ટમાં ગુનેગાર ઘોષિત થયો એ અમારા પરિવાર માટે મોટી ટ્રૅજેડી તો કહેવાય જ. જોકે મને ખાતરી છે કે સલમાન નિદોર્ષ છે અને અમે તેની સામેના ચુકાદા વિરુદ્ધ છેક સુધી લડી લઈશું.’

આમિરે દોઢ મહિના પહેલાં ગુનો કબૂલ્યો : તેના પરનો ફેંસલો હવે

૧૮ વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે સ્પૉટ-ફિક્સિંગમાં પોતે પણ ભૂમિકા ભજવી હતી એની કબૂલાત કોર્ટમાં ૧૬ સપ્ટેમ્બરે (દોઢ મહિના પહેલાં) કરી લીધી હતી. જોકે કોર્ટે ઇંગ્લૅન્ડના કાયદા મુજબ તેની કબૂલાત ગુપ્ત રાખવામાં આવી હતી. આમિરે બટ અને આસિફ જેવો બન્ને પ્રકારનો ગુનો કર્યો હતો અને એ કબૂલી લીધો હતો. તેણે કોર્ટને કહ્યું હતું કે ‘સ્પૉટ-ફિક્સિંગમાં મારી પણ

બટ-આસિફ જેટલી ભૂમિકા હતી. હું એ કૌભાંડમાં સાથ ન આપું તો ટીમમાંથી મારે હકાલપટ્ટી જોવી પડશે એવી ધમકી મને ત્યારે આપવામાં આવી હતી.’

આમિરને બટ અને આસિફ કરતાં થોડી ઓછી સજા થઈ શકે. આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) બટના રમવા પર દસ વર્ષનો, આસિફ પર સાત વર્ષનો અને આમિર પર પાંચ વર્ષનો પ્રતિબંધ જાહેર કરી ચૂકી છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK