પટેલોએ બતાવ્યો પાવર

Published: Mar 08, 2020, 13:24 IST | Sachin Vajani | Mumbai Desk

મિડ-ડે કપ ૨૦૨૦માં ગઈ કાલે ચોથા દિવસે સરજાયો અપસેટ, ચાર વખતની ચૅમ્પિયન ચરોતર રૂખીનો ચારેક વર્ષ બાદ લીગ રાઉન્ડમાં પરાજય

મિડડે કપ
મિડડે કપ

ચાર વખતની ચૅમ્પિયન ચરોતર રૂખીને હરાવીને કચ્છ-વાગડ લેઉવા પટેલે અપેસટ સરજ્યો, જ્યારે ૧૩૬ રનના ટાર્ગેટને ૭ ઓવરમાં મેળવીને સૌરાષ્ટ્ર લેઉવા પટેલે બધી ટીમોને કરી દીધી સાવધાન: કચ્છી વીસા ઓસવાળ જૈને ગુર્જર ક્ષત્રિય કડિયા સામે ૩૧ રનની જીત પહેલાં થોડો પરસેવો પાડવો પડ્યો, જ્યારે મેમણે ૧૧૯ રનના મસમોટા માર્જિનથી શ્રીગૌડ મેળતવાળ બ્રાહ્મણને કર્યું પરાસ્ત

મિડ-ડે કપ ૨૦૨૦માં ગઈ કાલે ચોથો દિવસ ભારે રોમાંચકભર્યો રહ્યો હતો અને પટેલ ટીમોનો દબદબો જોવા મળ્યો હતો. દિવસની પહેલી મૅચમાં કચ્છી વીસા ઓસવાળ જૈન ૧૦ જ પ્લેયર સાથે રહી હોવા છતાં ગુર્જર ક્ષત્રિય કડિયા સામે ૩૧ રનથી વિજય મેળવવામાં સફળ રહી હતી. ત્રીજી મૅચમાં મેમણ ટીમે ૧૭૨ રનનો ઢગલો કરીને શ્રી ગૌડ મેળતવાલ બ્રાહ્મણ ટીમને ૧૧૯ રનના તોતિંગ માર્જિનથી પરાસ્ત કર્યું હતું. બીજી અને ત્રીજી મૅચમાં પટેલ ટીમોએ રોમાંચક વિજય મેળવીને તેમનો પાવર બતાવ્યો હતો. કચ્છ-વાગડ લેઉવા પટેલે ચાર વખતની ચૅમ્પિયન ચરોતર રૂખી ટીમને રોમાંચક મૅચમાં એક બૉલ બાકી રાખીને હરાવીને આ સીઝનનો અત્યાર સુધીનો મોટો અપસેટ સરજ્યો હતો. ચરોતર રૂખી લગભગ ચારેક વર્ષ બાદ લીગ રાઉન્ડની મૅચમાં હાર્યું હતું. દિવસની છેલ્લી મૅચમાં તો ઈંટનો જવાબ પથ્થરથી આપતાં સોરઠિયા મુસ્લિમ ઘાંચીએ આપેલા ૧૩૬ રનના ચૅલેન્જિંગ ટાર્ગેટને ૭ ઓવરમાં મેળવીને બધી ટીમને સાવધાન કરી દીધી છે.
મૅચ ૧
C ગ્રુપની આ ટક્કરમાં કચ્છી વીસા ઓસવાળ જૈન સામે ગુર્જર ક્ષત્રિય કડિયાના કૅપ્ટન કાર્તિક મકવાણાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ખેલાડીઓ ઉપલબ્ધ ન હોવાથી કચ્છી વીસા ઓસવાળ જૈન ૧૦ ખેલાડીઓ સાથે મેદાનમાં ઊતરી હતી. કચ્છી વીસા ઓસવાળ જૈનના કૅપ્ટન અને ઓપનર તુષાર ગોગરીએ પાંચ ફોરની મદદથી ૧૯ બૉલમાં ૩૦ રન બનાવ્યા હતા, જ્યારે બીજા ઓપનર માનવ પાસડે ચાર ફોર અને એક સિક્સરની મદદથી ૨૨ રન બનાવ્યા હતા. એક સમયે કચ્છી વીસા ઓસવાળ જૈન ૧૫૦ પ્લસનો સ્કોર બનાવશે એવું લાગતું હતું, પણ ગુર્જર ક્ષત્રિય કડિયાએ છેલ્લી ઓવરમાં દમ બતાવતાં ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૧૨૦ રન સુધી જ સ્કોર બની શક્યો હતો. જોકે ગુર્જર ક્ષત્રિય કડિયાએ પહેલી જ ઓવરમાં કૅપ્ટન કાર્તિક મકવાણાને ગુમાવીને ખરાબ શરૂઆત કર્યા બાદ આલેશ ટાંક (૧૨ રન), દર્પણ ટાંક (૧૫ રન), જિજ્ઞેશ વાઘેલા (૧૭ રન) અને નિર્મલ ચૌહાણ (૧૯ રન)ની લડત છતાં ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૮૯ રન સુધી જ પહોંચી શક્યા હતા અને ૩૧ રનથી પરાજય જોવો પડ્યો હતો. ગુર્જર ક્ષત્રિય કડિયાના ત્રણ પ્લેયર ખાતું પણ ખોલાવી નહોતા શક્યા. સતત બીજી જીત સાથે કચ્છી વીસા ઓસવાળ જૈને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મજબૂત કરી લીધું હતું. કચ્છી વીસા ઓસવાળ જૈનના ડેનિલ સાવલાને ૧૯ રનમાં ત્રણ વિકેટ અને એક કૅચ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર
કચ્છી વીસા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૧૨૦ રન (તુષાર ગોગરી ૧૯ બૉલમાં પાંચ ફોર સાથે ૩૦ રન, માનવ પાસડ ૭ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૨૨ રન, કુંજ વોરા ૧૧ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૫ રન, દેવેશ સોલંકી ૧૪ રનમાં ત્રણ વિકેટ, આલેશ ટાંક ૧૨ રન, નિર્મલ ચૌહાણ ૧૩ રન, હિતેશ કાચા ૧૭ રન અને દર્પણ ટાંક ૨૨ રનમાં એક-એક વિકેટ)
ગુર્જર ક્ષત્રિય કડિયા : ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૮૯ રન (નિર્મલ ચૌહાણ ૯ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૯ રન, જિજ્ઞેશ વાઘેલા ૧૬ બૉલમાં બે ફોર સાથે ૧૭ રન, દર્પણ ટાંક ૧૧ બૉલમાં એક ફોર અને એક સિક્સર સાથે ૧૫ રન, આલેશ ટાંક ૬ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૨ રન, ડેનિલ સાવલા ૧૯ રનમાં ત્રણ વિકેટ, સંજય છેડા આઠ રન, કુંજ વોરા અને નયન ઓસવાલ ૧૩-૧૩ રન અને વિરલ છેડા ૧૭ રનમાં એક-એક વિકેટ)
મૅચ ૨
ગ્રુપ Dના આ જંગમાં કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે ચરોતર રૂખીના કૅપ્ટન હર્ષદ રાજપૂતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૨.૨ ઓવરમાં ૨૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે સારી શરૂઆત કર્યા બાદ ત્રીજી અને ચોથી ઓવરમાં બે વિકેટ ગુમાવતાં ચરોતર રૂખીના સ્કોરને બ્રેક લાગી ગઈ હતી. પાંચમી ઓવરમાં ડબલ સાથે કુલ ૧૮ રન ફટકારીને થોડું કમબૅક કર્યું હતું. જોકે છઠ્ઠી ઓવરમાં બે વિકેટ પડી જતાં ફરી ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ જિજ્ઞેશ બારિયા (૧૬) અને ધવલ વાઘેલા (૧૧)એ થોડું જોર બતાવતાં ટીમ ૧૦ ઓવરમાં ૬ વિકેટે સન્માનજનક ૧૦૨ રન સુધી પહોંચી શકી હતી. કચ્છ-વાગડ લેઉવા પટેલે પણ ચરોતર રૂખીની જેમ પહેલી ઓવરમાં ૧૫ રન બનાવ્યા હતા. ૪૬ રનની ડેન્જર લાગી રહેલી પાર્ટનરશિપ ચોથી ઓવરના છેલ્લા બૉલમાં તૂટતાં ચરોતર રૂખીએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ફુલ ટચમાં લાગી રહેલા કચ્છ-વાગડ લેઉવા પટેલના કૅપ્ટન પીયૂષ ગોઠીએ પાંચમી અને પાવર ઓવરના છેલ્લા બૉલમાં સિક્સર ફટકારવાની લાલચમાં વિકેટ ગુમાવી દેતાં ૧૦ રનનો ફટકો લાગ્યો હતો અને ટીમ પણ પ્રેશરમાં આવી ગઈ હતી. કલ્પેશ નોર (૨૦) અને આકાશ ચામરિયા (૯)ની વિકેટ બાદ ચરોતર રૂખીનો વિજય નિશ્ચિત લાગી રહ્યો હતો અને કચ્છ-વાગડ લેઉવા પટેલને છેલ્લી ઓવરમાં જીત માટે ૨૩ રનની જરૂર હતી. આવા સમયે ભાવિક વાવિયાએ ૩ બૉલમાં ૩ ફોર ફટકારીને બોનસના ખૂબ જ જરૂરી ૬ રન અપાવીને ટીમને સેકન્ડ લાસ્ટ બૉલમાં યાદગાર વિજય અપાવ્યો હતો. ચાર વખતની ચૅમ્પિયન ચરોતર રૂખીએ લગભગ ચારેક વર્ષ બાદ લીગ મુકાબલામાં હાર જોવી પડી હતી. એક વિકેટ, એક કેચ, એક રનઆઉટ અને ૨૦ રન સાથે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ કચ્છ વાગડ લેઉવા પટેલના કલ્પેશ નોરને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર
કચ્છ વાગડ લેઉવા પટેલ : ૯.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૦૪ રન (વીરેન દુબરિયા ૧૫ બૉલમાં ચાર ફોર સાથે ૨૬ રન, પીયૂષ ગોઠી ૧૩ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૧ રન, કલ્પેશ નોર ૧૩ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૦ રન, નીતિન પરમાર ૧૪ રન આપી બે વિકેટ, ગૌરવ સોલંકી ૧૭ રન, મનીષ સોલંકી ૨૩ રન, હર્ષદ રાજપૂત ૨૪ રન અને હિતેશ સોલંકી ૨૬ રન આપીને એક-એક વિકેટ)
ચરોતર રૂખી : ૧૦ ઓવરમાં ૬ વિકેટે ૧૦૨ રન (સંદીપ રાજપૂત ૨૦ બૉલમાં ત્રણ ફોર સાથે અણનમ ૨૪ રન, નીતિન પરમાર ૧૦ બૉલમાં એક ફોર સાથે ૧૭ રન, જિજ્ઞેશ બારિયા આઠ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૬ રન, આકાશ ચામરિયા ૯ રન આપી બે વિકેટ, કલ્પેશ નોર ૧૪ રન, હસમુખ હથિયાની ૧૯ રન અને દક્ષ પટેલ ૨૩ રન આપીને એક-એક વિકેટ)
મૅચ ૩
ગ્રુપ Cની આ ટક્કરમાં શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણ સામે મેમણના કૅપ્ટન નાવેદ મીઠાઈવાલેએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સંયમી શરૂઆત કર્યા બાદ નબળી બોલિંગ અને ફીલ્ડિંગનો ભરપૂર ફાયદો ઉઠાવતાં ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૧ રન ખડકી દીધા હતા. ઓપનર રાકેશ ત્રિવેદીના ૧૯ રન સિવાય કોઈ બૅટ્સમૅન ડબલ ડિજિટનો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહેતાં શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણ ૭.૪ ઓવરમાં બાવન રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને એણે ૧૧૯ રનથી પરાજય જોવો પડ્યો હતો. આ સીઝનમાં ઑલઆઉટ થનાર શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણ પહેલી ટીમ બની હતી. મેમણ વતી ઝાયદ ખત્રીએ ૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ૩૧ બૉલમાં ચાર સિક્સર અને ૧૦ ફોર સાથે ૭૧ રનની અફલાતૂન ઇનિંગ્સ બદલ મેમણના સમીર ખંડવાનીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.
ટૂંકો સ્કોર
મેમણ : ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૭૧ રન (સમીર ખંડવાની ૩૧ બૉલમાં ચાર સિક્સર અને ૧૦ ફોર સાથે ૭૧ રન, શોએબ કચ્છી ૧૦ બૉલમાં પાંચ ફોર સાથે ૨૨ રન, સુડિયાન સત્તાર ૧૦ બૉલમાં ૩ ફોર સાથે ૨૧ રન, અશોક દીક્ષિત ૨૯ રન આપીને બે વિકેટ)
શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં બાવન રને ઑલઆઉટ (રાકેશ ત્રિવેદી આઠ બૉલમાં ચાર ફોર સાથે ૧૯ રન, ભાવેશ ત્રિવેદી ૯ બૉલમાં પાંચ રન, અશોક દીક્ષિત ૮ બૉલમાં ચાર રન, ચેતન ત્રિવેદી છ બૉલમાં બે રન, રિતેશ દીક્ષિત અને સાગર ભટ્ટ છ-છ બૉલમાં એક-એક રન, ઝાયેદ ખત્રી સાત રન આપીને ચાર વિકેટ, ફૈઝાન સત્તાર છ રન આપી બે વિકેટ)
મૅચ ૪
ગ્રુપ Bની આ ટક્કરમાં સોરઠિયા મુસ્લિમ ઘાંચી અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વચ્ચે ટક્કર જામી હતી, જેમાં ચોગ્ગા-છગ્ગાની ભારે રમઝટ જોવા મળી હતી. આ સીઝનમાં આ બન્ને ટીમોની આ પહેલી મૅચ હતી. સોરઠિયા મુસ્લિમ ઘાંચીના કૅપ્ટન અબ્દુલ આગવાને ટૉસ જીતી પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમે સારી શરૂઆત કરતાં ચાર વિકેટે ૧૩૫ રન બનાવ્યા હતા. ઓપનર સુફિયાન ચૌહાણે આક્રમક ઇનિંગ રમતાં ૨૨ બૉલમાં ૬૦ રન ફટકાર્યા હતા, જેમાં ૬ છગ્ગા અને ચાર ચોગ્ગાનો સમાવેશ હતો. ઉમર બિલખિયા ૧૦ બૉલમાં ૧૮ રન કરીને આઉટ થયો હતો. સૌરાષ્ટ્ર લેઉવા પટેલના મનીષ પાનસેરિયાએ ૨૧ રન આપી બે વિકેટ લીધી હતી. સોરઠિયા મુસ્લિમ ઘાંચીએ આપેલા ૧૩૬ રનના ટાર્ગેટને પ્રાપ્ત કરવા ઊતરેલી સૌરાષ્ટ્ર લેઉવા પટેલે પણ સારી શરૂઆત કરતાં પહેલી જ ઓવરમાં ૨૮ રન ફટકારી દીધા હતા. બીજી ઓવરમાં બે સિક્સર અને એક ફોર સાથે ૧૬ રન ફટકારીને બે ઓવરમાં સ્કોર ૪૪ રન પર પહોંચાડીને સોરઠિયા મુસ્લિમ ઘાંચી કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. કૅપ્ટન હિતેશ ભાયાણીએ ૨૨ બૉલમાં ૩ સિક્સર અને ૬ ફોર સાથે ૪૫ રન સાથે જીતનો પાયો નાખ્યા બાદ પંકજ ધામેલિયાએ ૮ બૉલમાં ચાર સિક્સર અને એક ફોર સાથે અણનમ ૩૨ રન ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી. સાતમી ઓવરમાં ૭ વિકેટે જીત મેળવીને સૌરાષ્ટ્ર લેઉવા પટેલે સીઝન ૧૩માં શાનદાર શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલના કૅપ્ટન હિતેશ ભાયાણીને તેની મૅચવિનિંગ ઇનિંગ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.
ટૂંકો સ્કોર
સોરઠિયા મુસ્લિમ ઘાંચી : ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૩૫ રન (સુફિયાન ચૌહાણ ૨૨ બૉલમાં ૬ સિક્સર અને ચાર ફોર સાથે ૬૦ રન, ઉમર બિલખિયા ૧૦ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૮ રન, અતિક ચૌહાણ નવ બૉલમાં એક સિક્સર સાથે અણનમ ૧૨ રન, અકબર શાહ છ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૨ રન, મનીષ પાનસેરિયા ૨૧ રનમાં બે વિકેટ, દર્શન માંગુકિયા ૧૨ રનમાં એક વિકેટ અને શૈલેશ માણિયા ૧૯ રનમાં એક વિકેટ)
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૭ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩૬ ૨રન (હિતેશ ભાયાણી ૨૨ બૉલમાં ત્રણ સિક્સર અને છ ફોર સાથે ૪૫ રન, પંકજ ધામેલિયા ચાર સિક્સર અને એક ફોર સાથે અણનમ ૩૨ રન અને મહેશ હીરપરા સાત બૉલમાં ત્રણ સિક્સર સાથે ૧૮ રન, સુફિયાન બિલખિયા આઠ રન આપીને એક વિકેટ અને અકબર શાહ ૧૮ રન આપી એક વિકેટ)

આજની મૅચો

સવારે ૯.૦૦
અડાઆઠમ દરજી (D1) વિરુદ્ધ આંજણા ચૌધરી (D4)
સવારે ૧૧.૦૦
નવગામ વીસા નાગર વણિક (E3) વિરુદ્ધ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ (E4)
બપોરે ૧.૦૦
પરજિયા સોની (Es1) વિરુદ્ધ ઘોઘારી લોહાણા (E2)
બપોરે ૩.૦૦
હાલાઈ લોહાણા (B1) વિરુદ્ધ સોરઠિયા મુસ્લિમ ઘાંચી (B4)
નોંધ : દરેક ટીમે પોતપોતાની મૅચના નિર્ધારિત સમયના એક કલાક પહેલાં મેદાનમાં હાજર થઈ જવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK