Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફાઇનલ પહેલાંના ફાઇનલ સમાન જંગમાં કચ્છી કડવા પાટીદાર સામે કપોળનો જયજયકાર

ફાઇનલ પહેલાંના ફાઇનલ સમાન જંગમાં કચ્છી કડવા પાટીદાર સામે કપોળનો જયજયકાર

16 March, 2020 11:32 AM IST | Mumbai Desk
Dinesh Savaliya / Sachin Vajani

ફાઇનલ પહેલાંના ફાઇનલ સમાન જંગમાં કચ્છી કડવા પાટીદાર સામે કપોળનો જયજયકાર

મિડડે કપ

મિડડે કપ


પાવરફુલ બૅટિંગના જોરે હાલારી વીસા ઓસવાળ જૈનને હરાવીને સૌરાષ્ટ્ર લેઉવા પટેલે પણ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ: મેમણ ટીમને બૅટ્સમેનોની નિષ્ફળતા નડી અને ટુર્નામેન્ટમાંથી લેવી પડી વિદાય : હાલારી વીસા ઓસવાળ જૈનનો ચિંતન શાહ ૮૩ રનની શાનદાર ઇનિંગ્સ સાથે બન્યો સીઝનનો અત્યાર સુધીનો હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોરર

મિડ-ડે કપ ૨૦૨૦માં ગઈ કાલે લીગ રાઉન્ડના આઠમા દિવસે રમાયેલી ચારેચાર મૅચમાં ભારે રસાકસી જોવા મળી હતી. સૌકોઈની નજર પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં કોણ પ્રવેશ કરે, કોણ આઉટ થાય છે અને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં કોની સામે કોણ ટકરાશે એના પર હતી. પ્રથમ ટક્કરમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે હાલારી વીસા ઓસવાળ જૈને ભારે લડત આપી, પણ જીત ન મેળવી શક્યું. બન્ને ટીમ માટે ડૂ ઑર ડાય સમાન જંગમાં ચરોતર રૂખીએ થોડા
સંઘર્ષ બાદ અડાઆઠમ દરજીને હરાવીને
પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બે દિવસ પહેલાં ત્રણેક વર્ષ બાદ પહેલી લીગ મૅચ જીતનાર ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમે શાનદાર બોલિંગ પર્ફોમન્સના જોરે મેમણને જકડી રાખીને જીત સાથે પ્રથમ વાર પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દિવસની છેલ્લી અને જેની સૌકોઈ રાહ જોતા હતા એ બે ચૅમ્પિયન ટીમ વચ્ચેના જંગમાં ભારે સંઘર્ષ બાદ ૨૦૧૦ની ચૅમ્પિયન કપોળ ટીમ છેલ્લી ત્રણ સીઝનની ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારને હરાવવામાં સફળ રહી હતી અને ગ્રુપમાં એણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
મૅચ-૧
ગ્રુપ-Bની આ લીગ મૅચમાં હાલારી વીસા ઓસવાળ જૈન સામે સૌરાષ્ટ્ર લેઉવા પટેલના કૅપ્ટન હિતેશ ભાયાણીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૨.૧ ઓવરમાં જ બન્ને ઓપનરો ગુમાવીને નબળી શરૂઆત બાદ તેમના બે આધારસ્તંભ બૅટ્સમેન કૅપ્ટન હિતેશ ભાયાણી (૨૭ બૉલમાં અણનમ ૭૩) અને શૈલેશ માણિયા (૨૩ બૉલમાં ૫૭)એ બાજી હાથમાં લઈ લીધી હતી અને ત્રીજી વિકેટ માટે ૩૬ બૉલમાં ૧૨૦ રનની પાર્ટનરશિપના જોરે ટીમને ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૭૬ રનના મસમોટા સ્કોર સુધી લઈ ગયા હતા. ૧૭૭ રનના ટાર્ગેટ સામે હાલારી વીસા ઓસવાળ જૈન દબાઈ જશે એવી ચર્ચા વચ્ચે તેમના બન્ને ઓપનરો ચિંતન શાહ (૩૬ બૉલમાં ૩ સિક્સર અને ૧૩ ફોર સાથે ૮૬) અને મોહિત નગરિયા (૨૬ બૉલમાં ૬ ફોર સાથે અણનમ ૩૭ રન)એ શાનદાર લડત આપતાં ટીમે ૧૦ ઓવરમાં છેલ્લા બૉલમાં એક વિકેટ ગુમાવીને ૧૩૮ રન ફટકાર્યા હતા અને ૩૮ રનથી હાર જોવી પડી હતી. ચિંતન શાહની લાજવાબ ઇનિંગ્સે સૌકોઈનાં દિલ જીતી લીધાં હતાં. ચિંતન શાહના ૮૬ રન આ સીઝનનો અત્યાર સુધીનો હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર બની ગયો હતો. સૌરાષ્ટ્ર લેઉવા પટેલના કૅપ્ટનને અણનમ ૭૩ રનની ઇનિંગ્સ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૭૬ રન (હિતેશ ભાયાણી ૨૭ બૉલમાં પાંચ સિક્સર અને સાત ફોર સાથે અણનમ ૭૩ રન, શૈલેશ માણિયા ૨૩ બૉલમાં પાંચ સિક્સર અને છ ફોર સાથે ૫૭ રન, મોહિત નગરિયા છ રન, ચિંતન શાહ ૨૧ રન અને અક્ષય સુમરિયા ૩૦ રનમાં એક-એક વિકેટ)
હાલારી વીસા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં એક વિકેટે ૧૩૮ રન (ચિંતન શાહ ૩૬ બૉલમાં ત્રણ સિક્સર અને ૧૩ ફોર સાથે ૮૬ રન, મોહિત નગરિયા ૨૬ બૉલમાં છ ફોર સાથે અણનમ ૩૭ રન, મહેશ હિરપરા ૧૩ રનમાં એક વિકેટ)
મૅચ-૨
ગ્રુપ-Dની આ છેલ્લી લીગ મૅચમાં ચરોતર રૂખી સામે અડાઆઠમ દરજીના કૅપ્ટન રવિ પરમારે ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. બન્ને ટીમો માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવા આ મૅચ જીતવી ખૂબ જરૂરી હતી. કૅપ્ટન રવિ પરમાર ૩૬ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે અણમન ૬૪ની આકર્ષક ઇનિંગ્સ રમી એકલા હાથે ટીમને ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૧૫ રનના સ્કોર સુધી લઈ ગયો હતો. ચાર વખતની ચૅમ્પિયન લીગ રાઉન્ડમાં હારની નામોશી ટાળવાના મક્કમ ઇરાદાથી મેદાનમાં ‍ઊતરેલી ચરોતર રૂખીએ ૧૧૬ રનના ટાર્ગેટ સામે પહેલી જ ઓવરમાં ચાર ફોર સાથે ૨૬ રન ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી. ૩.૧ ઓવરમાં ૪૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કર્યા બાદ ચરોતર રૂખીએ ચોથી ઓવરમાં બે વિકેટ ગુમાવતાં મૅચમાં ટર્ન આવ્યો હતો, પણ ટીમના સૌથી અનુભવી બૅટ્સમૅન જિતેશ પુરબિયાએ ૨૮ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૪૨ રન કરીને એક છેડો સાચવી રાખીને અડાઆઠમ દરજીના બોલરોને વધુ ફાવવા નહોતા દીધા. ચરોતર રૂખી આખરે ૯.૩ ઓવરમાં જીત મેળવામાં સફળ થયું હતું. આ મૅચના પરિણામ બાદ ગ્રુપ-Dમાં ચરોતર રૂખી, કચ્છ-વાગડ લેઉવા પટેલ અને અડાઆઠમ દરજીના એકસરખા ચાર-ચાર પૉઇન્ટ થતાં ગ્રુપની ટૉપ ટૂ માટે નેટ રનરેટનો આધાર લેવામાં આવ્યો હતો, જેમાં ૧.૯૬ની રનરેટ સાથે કચ્છ-વાગડ લેઉવા પટેલ પહેલા નંબરે અને ૧.૫૮ની રનરેટ સાથે ચરોતર રૂખીએ બીજા નંબર સાથે પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે શાનદાર પર્ફોર્મન્સ અને પ્રથમ બન્ને લીગમાં જીત છતાં ૧.૦૯ના રનરેટ સાથે ત્રીજા નંબરે રહીને અડાઆઠમ દરજીએ ભારે નિરાશા સાથે ટુર્નામેન્ટમાંથી વિદાય લેવી પડી હતી. ચરોતર રૂખીના જિતેશ પુરબિયાને ૪૨ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ અને એક રનઆઉટ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર
અડાઆઠમ દરજી : ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૧૫ રન (રવિ પરમાર ૩૬ બૉલમાં એક સિક્સર અને છ ફોર સાથે અણનમ ૬૪ રન, પ્રીતેશ રાઠોડ ૧૪ બૉલમાં એક ફોર સાથે ૧૫ રન, પ્રકાશ દરજી બે બૉલમાં એક સિક્સર સાથે અણનમ સાત રન, ગૌરવ સોલંકી ૧૨ રનમાં એક વિકેટ)
ચરોતર રૂખી : ૯.૩ ઓવરમાં ચાર વિકેટે ૧૧૬ રન (જીતેશ પુરબિયા ૨૮ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૪૨ રન, નીતિન પરમાર ૧૦ બૉલમાં ચાર ફોર સાથે ૨૩ રન, સંદીપ રાજપૂત બાર બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૭ રન, ગણેશ દરજી ૨૫ રનમાં બે વિકેટ અને નીલેશ ચૌહાણ ૩૦ રનમાં એક વિકેટ)
મૅચ-૩
ગ્રુપ-Cની આ છેલ્લી લીગ મૅચમાં મેમણ સામે ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમના કૅપ્ટન કાર્તિક મકવાણાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. નૉક-આઉટ સમાન આ મુકાબલામાં મેમણ ટીમે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવીને ફક્ત ત્રણ રન બનાવીને નબળી શરૂઆત કરી હતી. ત્રીજી ઓવરમાં વધુ એક ઝટકો લાગતાં ચાર ઓવરના અંતે તેમનો સ્કોર બે વિકેટે ફક્ત ૧૮ રન થયો હતો. પાંચમી ઓવરમાં ડબલ સાથે કુલ ૨૦ રન બનતાં સ્કોર ૩૮ સુધી પહોંચ્યો હતો. જોકે ત્યાર બાદ નિરંતર વિકેટપતન અને દેવેશ સોલંકીના બે ઓવરમાં ૧૩ રનમાં ચાર વિકેટ સાથેના પર્ફોર્મન્સને લીધે મેમણના સ્કોરિંગને બ્રેક લાગી ગઈ હતી અને ૧૦ ઓવરમાં તેઓ ૯ વિકેટે ૭૦ રન જ બનાવી શક્યા હતા. તેમનો ઓપનર શોએબ મર્ચન્ટ ૧૭ બૉલમાં ૧૨ રન બનાવ્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. ગુર્જર ક્ષત્રિય કડિયાએ ૭૧ રનના ટાર્ગેટ સામે પહેલી ઓવરમાં માત્ર એક રન બનાવીને સાવચેતીભરી શરૂઆત કર્યા બાદ બીજી ઓવરમાં ૩ ફોર સાથે કુલ ૧૩ રન સાથે જોર બતાવ્યું હતું. ઓપનર આલેષ ટાંક (૨૭ બૉલમાં ૩૯ રન) અને કૅપ્ટન કાર્તિક મકવાણા (૧૭ બૉલમાં અણનમ ૧૩ રન)એ બીજી વિકેટ માટે ૪૯ રનની પાર્ટનરશિપ વડે મેમણ ટીમને મૅચમાં કમબૅક કરવાનો કોઈ મોકો નહોતો આપ્યો. ગુર્જર ક્ષત્રિય કડિયાએ આખરે ૯.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત મેળવીને પ્રથમ વાર પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને જ્ઞાતિજનોને ખુશ કરી દીધા હતા. ૧૩ રનમાં ચાર વિકેટના લાજવાબ પર્ફોર્મન્સ બદલ ગુર્જર ક્ષત્રિય કડિયાના દેવેશ સોલંકીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર
મેમણ : ૧૦ ઓવરમાં નવ વિકેટે ૭૦ રન (ઝૈદ ખત્રી નવ બૉલમાં બે ફોર સાથે ૧૩ રન, સમીર ખાંડવાણી ૧૪ બૉલમાં બે ફોર સાથે ૧૩ રન, શોએબ મર્ચન્ટ ૧૭ બૉલમાં એક ફોર સાથે ૧૨ રન, દેવેશ સોલંકી ૧૩ રનમાં ચાર વિકેટ, દર્પણ ટાંક આઠ રનમાં બે વિકેટ, નવીન જાદવ ૧૦ રનમાં એક વિકેટ)
ગુર્જર ક્ષત્રિય કડિયા : ૯.૨ ઓવરમાં બે વિકેટે ૭૩ રન (આલેષ ટાંક ૨૭ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૯ રન, કાર્તિક મકવાણા ૧૭ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૩ રન, ઝૈદ ખત્રી ૯ રનમાં અને આમિર પેટીવાલા ૧૯ રનમાં એક-એક વિકેટ)
મૅચ-૪
ગ્રુપ-Aના આ છેલ્લા અને ફાઇનલ પહેલાંના ફાઇનલ સમાન જંગમાં કપોળ સામે કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન રમેશ જબુઆણીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. કચ્છી કડવા પાટીદારના ડેન્જરમૅન ભાવિક ભગતે પહેલી બન્ને ઓવર પોતે જ રમીને ત્રણ ફોર અને બે સિક્સર સાથે ૩૪ રન ફટકારીને કપોળ કૅમ્પમાં ખલબલી મચાવી દીધી હતી. જોકે કપોળના કૅપ્ટન હર્ષિત ગોરડિયાએ બન્ને ઓવરમાં ફાસ્ટ બોલરોની પિટાઈ જોતાં ત્રીજી ઓવરથી સ્પિન અટૅક શરૂ કરી દીધો જેને લીધે ત્રીજી ઓવરમાં ફક્ત ત્રણ જ રન અને ચોથી ઓવરમાં પણ બે જ રન બન્યા હતા અને એક વિકેટ પણ ઝડપવામાં તેમને સફળતા મળી હતી. પાંચમી અને પાવર ઓવરના પહેલા બૉલમાં ડેન્જરમૅન ભાવિક ભગત આઉટ થતાં ૧૦ રન માઇનસ થયા હતા અને કપોળ-કૅમ્પ જોશમાં આવી ગયો હતો. ભાવિક ભગતની વિદાય બાદ ટીમનો સ્ટાર ખેલાડી અલ્પેશ રામજિયાણી ચાર બૉલમાં ફક્ત બે રન બનાવીને આઉટ થઈ જતાં પહેલાં બૅટિંગ કરીને મોટો સ્કોર નોંધાવવાના કચ્છી કડવા પાટીદારના ઇરાદાને ધક્કો લાગ્યો હતો. યુવા ઑલરાઉન્ડર વેદાંશ ધોળુએ એક છેડો સાચવીને ૨૫ બૉલમાં અણનમ ૩૯ રન બનાવતાં કચ્છી કડવા પાટીદાર ૧૦ ઓવરમાં ચાર વિકેટે સન્માજનક ૮૨ રન સુધી પહોંચી શકી હતી. કપોળના ઓપનર ગૌરવ પારેખે પહેલા જ બૉલમાં સિક્સર ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી, પણ બોલર વેદાંશ ધોળુએ ત્રીજા બૉલમાં તેને આઉટ કરીને વળતો પ્રહાર કર્યો હતો. અલ્પેશ રામજિયાણીની બીજી ઓવરમાં મૌલિક મહેતાએ સતત ત્રણ બાઉન્ડરી ફટકારીને ટીમને ૬ રન બોનસના અપાવ્યા હતા અને બીજી ઓવરના અંતે ટીમનો સ્કોર એક વિકેટે ૩૦ રને પહોંચાડી દીધો હતો. ત્રીજી ઓવરમાં બે રન અને ચોથી ઓવરમાં ૬ રન જ બન્યા હતા. પાંચમી અને પાવર ઓવરમાં એક ફોર સાથે કુલ પાંચ રન બન્યા હતા અને તેના ડબલ સાથે સ્કોર ૪૮ થઈ ગયો હતો. છઠ્ઠી ઓવરમાં અલ્પેશ રામજિયાણીએ કપોળ ટીમને મૌલિક મહેતા અને ઉમંગ શાહને આઉટ કરીને બે ઝટકા આપ્યા હતા અને મૅચમાં ફરી રંગ આવી ગયો હતો. સાતમી ઓવરમાં કપોળની વધુ એક વિકેટ પડી હતી. જોકે આઠમી ઓવરમાં એક સિક્સર સાથે કુલ ૧૪ રન બનતાં કપોળ ટીમનું પલ્લું ફરી ભારે થઈ ગયું હતું. હવે તેમણે ૧૨ બૉલમાં ૧૨ રન જ કરવાના હતા. નવમી ઓવરમાં કૅપ્ટન હર્ષિત ગોરડિયાએ એક સિક્સર ફટકારીને ટીમની જીત આસાન કરી નાખી હતી અને આખરે કપોળે છેલ્લી ઓવરના પહેલા બૉલમાં બાઉન્ડરી ફટકારીને છેલ્લી ત્રણ સીઝનના ચૅમ્પિયનને હરાવીને પોતાનો દમ બતાવી દીધો હતો. બે ઓવરમાં ફક્ત ચાર રન આપીને ૩ વિકેટ બદલ કપોળના ઉમંગ શાહને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર
કચ્છી કડવા પાટીદાર : ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૮૨ રન (વેદાંશ ધોળુ ૨૫ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૩૯ રન, ભાવિક ભગત ૨૦ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૦ રન, ઉમંગ શાહ ચાર રનમાં ત્રણ વિકેટ, મૌલિક મહેતા નવ રનમાં એક વિકેટ)
કપોળ : ૯.૧ ઓવરમાં ચાર વિકેટે ૮૬ રન (ઉમંગ શેઠ ૨૧ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૨૪ રન, મૌલિક મહેતા ૧૬ બૉલમાં ચાર ફોર સાથે ૨૨ રન, હર્ષિત ગોરડિયા ૧૦ બૉલમાં એક સિક્સર સાથે અણનમ ૧૩ રન, અલ્પેશ રામજિયાણી ૧૮ રનમાં બે વિકેટ, જિજ્ઞેશ નાકરાણી ત્રણ રન અને વેદાંશ ધોળુ ૨૨ રનમાં એક-એક વિકેટ)


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 11:32 AM IST | Mumbai Desk | Dinesh Savaliya / Sachin Vajani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK