ગઈ કાલે ચારેચાર લીગ મૅચમાં ટૉસ જીતનાર અને પ્રથમ બૅટિંગ કરનાર ટીમનો વિજય

Published: Mar 15, 2020, 15:29 IST | Dinesh Savaliya / Sachin Vajani | Mumbai Desk

કચ્છી કડવા પાટીદાર, ઘોઘારી લોહાણા ને નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

મિડડે કપ
મિડડે કપ

ચારેય બળૂકી ટીમના ગ્રુપ Eમાં નવગામ વીસા નાગર વણિક ટીમને બૅટ્સમેનોનો ફ્લૉપ શો નડ્યો, સતત બીજી હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર : મેમણ ટીમે કચ્છી વીસા ઓસવાળ જૈન સામે પાવર તો બતાવ્યો, પણ જીત ન મેળવી શક્યા: આંજણા ચૌધરીને હરાવીને કચ્છી કડવા પાટીદારે પ્રી-ક્વૉર્ટરની દાવેદારી મજબૂત કરી : ભટ્ટ મેવાડા બ્રાહ્મણ ટીમે કૅપ્ટન હિરેન જોષીની પાવરફુલ ફટકાબાજીના જોરે ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારને ડરાવી દીધા, હરાવી ન શક્યા

મિડ-ડે કપ ૨૦૨૦માં ગઈ કાલ લીગ રાઉન્ડનો સાતમો દિવસ ટૉસ જીતનારી અને પહેલાં બૅટિંગ કરનારી ટીમના નામે રહ્યો હતો. ગઈ કાલની ચારેય મૅચમાં ટૉસ જીતીને ચારેય ટીમે પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો અને એ વિજયી પણ રહી હતી. પહેલી મૅચમાં મેમણ ટીમે કચ્છી વીસા ઓસવાલ જૈન સામે જોર બતાવ્યું, પણ ચમત્કાર નહોતા કરી શક્યા. બીજી મૅચમાં છેલ્લી ત્રણ સીઝનની ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદાર આસાનીથી જીત મેળવી લેશે એવી અપેક્ષા વચ્ચે ભટ્ટ મેવાડા બ્રાહ્મણના કૅપ્ટન હિરેન જોષીએ ૭ સિક્સર અને ચાર ફોર સાથે મેદાન ગજાવીને મોટા અપસેટની આશા જન્માવી હતી, પણ બીજા છેડે તેને યોગ્ય સાથ ન મળતાં ગોલ્ડન તક ગુમાવી દીધી હતી. ગ્રુપ Aમાં કચ્છી કડવા પાટીદાર અને કપોળ ટીમે તેમની બન્ને લીગ જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે અને તેમની વચ્ચેની આજની ફાઇનલ પહેલાંની ફાઇનલ સમાન ટક્કરનું પરિણામ ગ્રુપ Aની નંબર-વન અને નંબર-ટૂ ટીમ નક્કી કરશે. કચ્છ-વાગડ લેઉવા પટેલ પણ ડૂ ઑર ડાઇ સમાન જંગમાં આંજણા ચૌધરીને ૬૦ રનના માર્જિનથી હરાવીને નૉકઆઉટ રાઉન્ડની રેસમાં જળવાઈ રહ્યું હતું. હવે એણે આજની અડાઆઠમ દરજી અને ચરોતર રૂખી વચ્ચેના જંગના પરિણામ પર આધાર રાખવો પડશે. જો આજે ચરોતર રૂખી હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને જીતશે તો તેમના, અડાઆઠમ દરજી અને કચ્છી કડવા પાટીદારના એકસરખા ચાર પૉઇન્ટ થશે અને રનરેટના આધારે ટૉપ-ટૂ નક્કી થશે. ઘોઘારી લોહાણાએ સતત ત્રીજો વિજય મેળવીને આ સીઝનના સૌથી ઇન્ટરેસ્ટિંગ ગ્રુપ Eમાં ટૉપનું સ્થાન મેળવી લીધું હતું, જ્યારે સતત બીજી લીગમાં બૅટ્સમેનો ફસડાઈ પડતાં નવગામ વીસા નાગર વણિક ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું હતું અને નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
મૅચ-૧
ગ્રુપ Cની આ લીગ મૅચમાં મેમણ સામે કચ્છી વીસા ઓસવાળ જૈનના કૅપ્ટન પ્રિયાંક વીરાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. જોકે તેમને પહેલા જ બૉલમાં ઝટકો લાગ્યો હતો અને તેમનો ઓપનર માનવ પાસડ કૅચ-આઉટ થઈ ગયો હતો. બીજી અને ત્રીજી ઓવરમાં પણ વિકેટ પડતાં ત્રીજી ઓવરના અંતે તેમનો સ્કોર ૩ વિકેટે ૧૬ રન થયો હતો અને મેમણ મોટો અપસેટ કરશે એવું લાગવા લાગ્યું હતું, પણ કુંજ વોરા (૩૪) અને હૈદરાબાદથી આ ટુર્નામેન્ટમાં રમવા આવેલા યશ કાપડિયા (અણનમ ૫૯) ટીમની વહારે આવ્યા હતા અને બન્ને ચોથી વિકેટ માટે ૯૯ રન ફટકારીને ટીમને ૧૦ ઓવરના અંતે ચાર વિકેટે ૧૨૮ રનના ચૅલે‌ન્જિંગ સ્કોર સુધી લઈ ગયા હતા. ૧૨૯ રનના ટાર્ગેટ સામે મેમણે પહેલી ઓવરમાં બે બાઉન્ડરી સાથે કુલ ૧૦ રન ફટકારીને સરસ શરૂઆત કરી હતી. જોકે બીજી ઓવરમાં તેમનો ઓપનર સુહેલ મીઠાઈવાલા આઉટ થતાં ઝટકો લાગ્યો હતો. ચોથી ઓવરમાં લગાતાર બે સિક્સર ફટકારીને ૯ રન બોનસ સાથે કુલ ૨૮ રન બનાવતાં સ્કોર ૫૭ રન થઈ ગયો હતો અને ફરી મેમણ ટીમ કંઈક કમાલ કરશે એવું લાગવા માંડ્યું હતું, પણ પાંચમી ઓવરના પહેલા બૉલમાં વિકેટ ગુમાવતાં ૧૦ રન માઇનસ થઈ ગયા હતા અને એ ઓવરના અંતે સ્કોર થયો હતો પંચાવન રન. છઠ્ઠી ઓવરમાં એક સિક્સર અને બે બાઉન્ડરી સાથે ૧૫ રન બનાવીને ફરી કમબૅક કર્યું હતું, પણ સાતમી ઓવરમાં તેમનો ડેન્જરમૅન અને ઓપનર શોએબ મર્ચન્ટ ૪૧ રન બનાવીને આઉટ થઈ જતાં ટીમ ફસડાઈ પડી હતી અને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૯ રન સુધી જ પહોંચી શકી હતી અને ૨૯ રનથી હાર જોવી પડી હતી. કચ્છી વીસા ઓસવાળ ટીમે એની ત્રણેય લીગ મૅચ જીતીને ગ્રુપ Cમાં નંબર-વનનું સ્થાન પાકું કરી લીધું હતું. ગ્રુપ Cની મેમણ અને ગુર્જર ક્ષત્ર‌િય કડિયા વચ્ચેની આજે રમાનારી છેલ્લી લીગ મૅચ નૉકઆઉટ બની ગઈ હતી અને જે જીતશે એ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. સંકટ સમયે ૨૮ બૉલમાં અણનમ ૫૯ રનની લજવાબ ઇંનિગ્સ અને એક ડાયરેક્ટ રનઆઉટ કરવા બદલ કચ્છી વીસા ઓસવાળ જૈનના યશ કાપડિયાને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર: કચ્છી વીસા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૨૮ રન (યશ કાપડિયા ૨૮ બૉલમાં બે સિક્સર અને છ ફોર સાથે અણનમ ૫૯ રન, કુંજ વોરા ૧૭ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૪ રન, અબ્દુલ સુપારીવાલા નવ રનમાં અને આમિર પેટીવાલા ૧૨ રનમાં બે-બે વિકેટ).
મેમણ : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૪ રન (શોએબ મર્ચન્ટ ૨૦ બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોર સાથે ૪૧ રન, નાવેદ મીઠાઈવાલા ૨૦ બૉલમાં બે ફોર સાથે અણનમ ૨૦ રન, અબ્દુલ સુપારીવાલા સાત બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૫ રન, સાગર છાડવા ૧૬ રન આપીને બે વિકેટ, જીનિત પાસડ પાંચ રન આપીને અને તુષાર ગોગરી આઠ રન આપીને એક-એક વિકેટ).
મૅચ-૨
ગ્રુપ Aની આ લીગ મૅચમાં ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સામે કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન રમેશ જબુઆણીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. તેમના બન્ને ઓપનરો ભાવિક ભગત (૩૨) અને અંકિત દડગા (અણનમ ૩૩)એ સંયમપૂર્વક રમીને ૬ ઓવરમાં ૭૧ રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. તેમનો સ્ટાર પ્લેયર અલ્પેશ રામજિયાણી ૬ બૉલમાં ફક્ત ૧૦ રન બનાવી શક્યો હતો. જોકે તેમની ટીમના યુવા ખેલાડી ૧૯ વર્ષના તેજસ શેઠિયા ૧૧ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૩૦ રન ફટકારીને ટીમને ૧૦ ઓવરના અંતે બે વિકેટે ૧૨૬ રન સુધી લઈ ગયો હતો. ભટ્ટ મેવાડા બ્રાહ્મણ ટીમે ચાર ઓવરમાં એક વિકેટે ૧૪ રન બનાવતાં ટીમ મોટા માર્જિનથી હારીને ટુર્નામેન્ટમાંથી વિદાય લેશે એવું લાગી રહ્યું હતું. જોકે ભટ્ટ મેવાડા બ્રાહ્મણના કૅપ્ટન હિરેશ જોષી કંઈક જુદા જ ઇરાદા સાથે મેદાનમાં ઊતર્યો હતો અને ૭ ગગનચુંબી સિક્સર અને ચાર ફોરની રમઝટ બોલાવીને કચ્છી કડવા પાટીદારના કૅમ્પમાં હાહાકાર મચાવી દીધો હતો અને એક સમયે તો ટુર્નામેન્ટમાં મોટો અપસેટ સર્જાય એવું લાગવા માંડ્યું હતું, પણ હિરેન જોષી નવમી ઓવરમાં આઉટ થઈ જતાં કચ્છી કડવા પાટીદારે રાહતનો શ્વાસ લીધો હતો અને આખરે ફક્ત ૧૩ રનથી જીતવામાં સફળ થયા હતા. ૧૬ બૉલમાં ૬૨ રનની અફલાતૂન ઇનિંગ્સ બદલ ભટ્ટ મેવાડા બ્રાહ્મણના હિરેન જોષીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સીઝનમાં પહેલી વાર હારનાર ટીમના ખેલાડીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર : કચ્છી કડવા પાટીદાર : ૧૦ ઓવરમાં બે વિકેટે ૧૨૬ રન (અંકિત દડગા ૨૨ બૉલમાં ચાર ફોર સાથે અણનમ ૩૩ રન, ભાવિક ભગત ૨૧ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૨ રન, તેજસ શેઠિયા ૧૧ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૩૦ રન, અલ્પેશ રામજિયાણી ૬ બૉલમાં બે ફોર સાથે ૧૦ રન, હિરેન જોશી ૨૦ રન આપી બે વિકેટ).
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૩ રન (હિરેન જોષી ૧૬ બૉલમાં સાત સિક્સર અને ચાર ફોર સાથે ૬૨ રન, અજય જોષી ૨૪ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન, ચિરાગ જોષી ૧૧ બૉલમાં એક ફોર સાથે નવ રન, અલ્પેશ રામજિયાણી ૧૧ રનમાં બે વિકેટ, મહેશ કેશરાની નવ રનમાં અને રમેશ જબુઆણી ૨૭ રનમાં એક-એક વિકેટ).
મૅચ-૩
ગ્રુપ Dના આ જંગમાં આંજણા ચૌધરી સામે કચ્છ-વાગડ લેઉવા પટેલના કૅપ્ટન પીયૂષ ગોઢીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. કૅપ્ટન પીયૂષ ગોઢી વધુ કંઈ કમાલ નહોતો કરી શક્યો અને ફક્ત ૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે સાથી ઓપનર વિન દુબરિયા ૩૪ બૉલમાં બે સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૬૮ રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને ૧૦ ઓવરમાં બે વિકેટે ૧૨૯ રનના ચૅલે‌ન્જિંગ સ્કોર સુધી લઈ ગયો હતો. આંજણા ચૌધરીએ ૨૩ રન એક્સ્ટ્રાના આપ્યા હતા, જેમાં ૧૮ વાઇડનો સમાવેશ હતો. ૧૩૦ રનના ટાર્ગેટ સામે આંજણા ચૌધરી ખાસ કોઈ દમ નહોતી બતાવી શકી અને ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૬૯ રન જ બનાવી શકી હતી. ૬૦ રનની જીત સાથે કચ્છ-વાગડ લેઉવા પટેલે નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. ૬૮ રનની આકર્ષક ઇનિંગ્સ બદલ કચ્છ-વાગડ લેઉવા પટેલના વિરેન દુબરિયાને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર: કચ્છ-વાગડ લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં બે વિકેટે ૧૨૯ રન (વિરેન દુબરિયા ૩૪ બૉલમાં બે સિક્સર અને છ ફોર સાથે અણનમ ૬૮ રન, કલ્પેશ નોર ૧૨ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૫ રન, પીયૂષ ગોઢી છ બૉલમાં એક ફોર સાથે નવ રન અને આકાશ ચામરિયા આઠ બૉલમાં આઠ રન, ભાવિક ચૌધરી ૨૧ રન આપીને અને કિરણ ભોલિયા ૨૭ રન આપીને એક-એક વિકેટ)
આંજણા ચૌધરી : ૧૦ ઓવરમાં ત્રણ વિકેટે ૬૯ રન (શૈલેશ પટેલ ૧૭ બૉલમાં ત્રણ ફોર સાથે અણનમ ૨૭ રન, વિજય પટેલ ૧૫ બૉલમાં બે ફોર સાથે ૧૩ રન, ભાવિક ચૌધરી ૧૫ બૉલમાં ૮ રન, ક્લ્પેશ નોર છ રન, ભાવેશ રાવરિયા આઠ રન, હસમુખ હઠિયાણી ૧૪ રન અને દક્ષ પટેલ ૨૫ રન આપીને એક-એક વિકેટ)
મૅચ-૪
ગ્રુપ Eની આ ટક્કરમાં નવગામ વીસા નાગર વણિક સામે ઘોઘારી લોહાણાના કૅપ્ટન યોગેશ વસાણીએ ટૉસ જીતીને આગળની ત્રણેય મૅચની જેમ પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. તેમના ઓપનર સુજય ઠક્કરે તેનું ફૉર્મ જાળવી રાખતાં ૧૨ બૉલમાં ૨૫ રન બનાવીને ટીમને સરસ શરૂઆત કરાવી આપી હતી. ઘોઘારી લોહાણાએ પાંચ ઓવરના અંતે ૩ વિકેટે ૫૫ રન બનાવી લેતાં તેઓ ૧૦૦ પ્લસનો ટાર્ગેટ નવગામ વીસા વણિકને આપશે એવું લાગતું હતું પણ ત્યાર બાદ નવગામ વીસા નાગર વણિકના બોલરોએ જોર બતાવતાં તેઓ ફક્ત ૮૮ રન સુધી જ પહોંચી શક્યા હતા. ૮૯ રનનો ટાર્ગેટ નવગામ વીસા નાગર વણિક ટીમ માટે અઘરો નહોતો, પણ પહેલી લીગની જેમ બૅટ્સમેનો ફરી આશ્ચર્યજનક રીતે ફસડાઈ પડતાં ૮૩ રન સુધી પહોંચી શક્યા હતા અને ફક્ત પાંચ રનની હાર સાથે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયા હતા. હવે તેમની અને પરિજયા સોની વચ્ચેની છેલ્લી લીગ મૅચ બન્ને ટીમ માટે સન્માન સાથે વિદાય લેવા પૂરતી રહી ગઈ છે. બે ઓવરમાં ફક્ત ૧૧ રનમાં એક વિકેટ અને એક ડાયરેક્ટ રનઆઉટ બદલ ઘોઘારી લોહાણાના જય રાજપોપટને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોર : ઘોઘારી લોહાણા : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૮૮ રન (સુજય ઠક્કર ૧૨ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૨૫ રન, કુણાલ પોન્દા ૧૯ બૉલમાં એક ફોર સાથે ૧૭ રન, અમન સુરૈયા ૧૨ બૉલમાં એક ફોર સાથે ૧૨ રન, પલક ડી. શાહ ૧૪ રન આપીને બે વિકેટ, મનન શાહ આઠ રન, પલક એમ. શાહ ૧૨ રન અને પ્રણવ શાહ ૧૭ રન આપીને એક-એક વિકેટ).
નવગામ વીસા નાગર વણિક : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૮૩ રન (પલક ડી. શાહ નવ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૦ રન, કરણ સંજય શાહ સાત બૉલમાં ત્રણ ફોર સાથે ૧૪ રન, મનન શાહ ૧૬ બૉલમાં એક ફોર સાથે ૧૨ રન, અમિત ઠક્કર આઠ રન, જય રાજપોપટ ૧૧ રન, યોગેશ વસાણી ૧૪ રન અને કવન વસાણી ૨૯ રન આપીને એક-એક વિકેટ)

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ A
ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
A2 ૨ ૨ ૦ ૪ ૧૪.૨૦
A1 ૨ ૨ ૦ ૪ ૪.૨૫
A4 ૩ ૧ ૨ ૨ -૩.૯૪
A3 ૩ ૦ ૩ ૦ -૭.૪૭
A1 - કચ્છી કડવા પાટીદાર,
A2 - કપોળ, A3 - ભટ્ટ મેવાડા બ્રાહ્મણ,
A4 - કચ્છી દશા ઓસવાળ જૈન

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ C
ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
C1 ૩ ૩ ૦ ૬ ૫.૮૧
C2 ૨ ૧ ૧ ૨ ૪.૫૦
C4 ૨ ૧ ૧ ૨ ૪.૧૦
C3 ૩ ૦ ૩ ૦ -૧૨.૩૭
C1 - કચ્છી વીસા ઓસવાળ જૈન,
C2 - મેમણ, C3 - શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણ, C4 - ગુર્જર ક્ષત્રિય કડિયા

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ D
ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
D1 ૨ ૨ ૦ ૪ ૨.૦૪
D2 ૩ ૨ ૧ ૪ ૧.૯૬
D3 ૨ ૧ ૧ ૨ ૨.૦૨
D4 ૩ ૦ ૩ ૦-૪.૬૮
D1 - અડાઆઠમ દરજી, D2 - કચ્છ-વાગડ લેઉવા પટેલ, D3 - ચરોતર રૂખી,
D4 - આંજણા ચૌધરી

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ E
ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
E2 ૩ ૩ ૦ ૬ ૧.૮૩
E4 ૩ ૨ ૧ ૪ ૦.૦૭
E3 ૨ ૦ ૨ ૦ -૧.૨૫
E1 ૨ ૦ ૨ ૦ -૧.૬૦
E1 - પરજિયા સોની, E2 - ઘોઘારી લોહાણા, E3 - નવગામ વીસા નાગર વણિક,
E4 - નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK