કપોળનો ૧૦ વિકેટે દમદાર વિજય અડાઆઠમ દરજીની રોમાંચક જીત

Published: Mar 14, 2020, 13:17 IST | Dinesh sawalia, sachin vajani | Mumbai Desk

ગઈ કાલે ચારેય મૅચમાં કૅપ્ટને ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો લીધો નિર્ણય : બે સફળ, બે નિષ્ફળ

મિડડે કપ
મિડડે કપ

ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમે ત્રણેક વર્ષે મેળવી પહેલી જીત : શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણે સતત ત્રીજી હાર સાથે ખાલી હાથે ટુર્નામેન્ટમાંથી લીધી વિદાય : પહેલી વાર ટુર્નામેન્ટમાં રમી રહેલા કચ્છી દશા ઓસવાળ જૈન અને ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સતત બીજી હાર સાથે ટુર્નામેન્ટમાંથી આઉટ: વાગડ વીસા ઓસવાળ જૈનનો સતત બીજા વિજય સાથે કર્યો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત

દિનેશ સાવલિયા / સચિન વજાણી મિડ-ડે કપ ૨૦૨૦ના ગઈ કાલે છઠ્ઠા દિવસે રમાયેલી મૅચમાં પ્લેયરોનો ઉત્સાહ સારી એવી માત્રામાં જોવા મળ્યો હતો. ચારેચાર મૅચમાં ટૉસ જીતનાર ટીમે બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે બે ટીમને ફળ્યો હતો અને બે ટીમને નહોતો ફળ્યો. શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણ અને ગુર્જર ક્ષત્રિય કડિયા વચ્ચે રમાયેલી પહેલી મૅચ વનસાઇડેડ રહી હતી જેમાં ગુર્જર ક્ષત્રિય કડિયાએ ૧૧૩ રનના વિશાળ માર્જિનથી મૅચ જીતીને શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણને ટુર્નામેન્ટની બહારનો રસ્તો બતાડવામાં સફળતા મેળવી હતી. સતત ત્રીજી મૅચમાં હાર સાથે શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણે ખાલી હાથે ટુર્નામેન્ટમાંથી વિદાય લીધી હતી. જ્યારે વાગડ વીસા ઓસવાળ જૈન જેવી બે વખતની ચૅમ્પિયન સામે ટુર્નામેન્ટમાં પહેલી વાર રમી રહેલી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન ખાસ દમ નહોતી બતાવી શકી. અડાઆઠમ દરજી ટીમે ફરી તેમના ફાઇટિંગ સ્પિરિટનો પરચો આપ્યો હતો અને કચ્છ-વાગડ લેઉવા પટેલના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લઈને પાંચ રને રોમાચંક જીત મેળવી હતી. ચરોતર રૂખીને હરાવીને સનસનાટી મચાવી દેનાર કચ્છ-વાગડ લેઉવા પટેલ હાથમાં આવેલી બાજી ગુમાવીને પ્રી-ક્વૉર્ટરમાં સ્થાન નિશ્ચિત કરવાની ગોલ્ડન તક ચૂકી ગઈ હતી. દિવસની છેલ્લી મૅચમાં કપોળ ટીમે કચ્છી દશા ઓસવાળ જૈનને ૧૦ વિકેટે માત્ર ૩.૧ ઓવરમાં હરાવીને પાવર બતાવ્યો હતો. મૅચ-૧ ગ્રુપ Cની આ મૅચમાં શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણ સામે ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમના કૅપ્ટન કાર્તિક મકવાણાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. કાર્તિક મકવાણા અને સાથી ઓપનર આલેશ ટાંકે ૩ ઓવરમાં ૩૭ રન ફટકારીને ટીમને સરસ શરૂઆત કરાવી આપી હતી. જોકે કૅપ્ટન કાર્તિક મકવાણા ચોથી ઓવરમાં ૧૨ બૉલમાં ૧૭ રન બનાવીને આઉટ થયો હતો. વન-ડાઉન બૅટ્સમૅન દર્પણ ટાંકે પહેલા જ બૉલમાં બાઉન્ડરી ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી. પાંચમી અને પાવરઓવરમાં બે ફોર સાથે કુલ ૨૧ રન મેળવતાં સ્કોર ૬૭ રને પહોંચી ગયો હતો. આલેશ ટાંક (૩૩) અને દર્પણ ટાંક (૩૬) બાદ નિર્મલ ચૌહાણે છેલ્લી ઓવરના ૬ બૉલમાં ૩ ફોર સાથે અણનમ ૧૫ રન ફટકારતાં ટીમ ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૪૩ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી પહોંચી શકી હતી. નિર્મલ ચૌહાણે સતત ત્રણ બૉલમાં ત્રણ ફોર ફટકારતાં ટીમને ૬ રન બોનસ‍ના મળ્યા હતા. ૧૪૪ રનના ટાર્ગેટ સામે ૧૦ ખેલાડીઓ સાથે મેદાનમાં ઊતરેલી શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણ ટીમે પહેલી જ ઓવર મેઇડન રમતાં માઇનસ ૬ રનની નબળી શરૂઆત થઈ હતી અને આખરે તેઓ ૭.૨ ઓવરમાં ફક્ત ૩૦ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયા હતા. પહેલી લીગ મૅચમાં કચ્છી વીસા ઓસવાળ જૈન સામે હાર બાદ હવે ૧૧૩ રનના તોતિંગ માર્જિનથી જીત સાથે શાનદાર કમબૅક કરીને ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમે એની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ માટેની આશા જીવતં રાખી હતી અને મેમણ ટીમ સામેના છેલ્લા નિર્ણાયક જંગ પહેલાં કૉન્ફિડન્સ મેળવી લીધો હતો. ૨૦ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે ૩૬ રન, બે ઓવરમાં એક મેઇડન સાથે ફક્ત પાંચ રન આપીને ૩ વિકેટના શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમના દર્પણ ટાંકને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. ટૂંકો સ્કોર ગુર્જર ક્ષત્રિય કડિયા : ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૪૩ રન (દર્પણ ટાંક ૨૦ બૉલમાં એક સિક્સર અને છ ચોગ્ગા સાથે ૩૬ રન, આલેષ ટાંક ૨૧ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૩, કાર્તિક મકવાણા ૧૨ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૭. મયૂર ત્રિવેદી આઠ રન, અશોક દીક્ષિત ૨૦ રન અને વિશાલ ત્રિવેદી ૩૩ રન આપીને એક-એક વિકેટ) શ્રીગૌડ મેળતવાલ બ્રાહ્મણ : ૭.૨ ઓવરમાં ૩૦ રનમાં ઑલઆઉટ (ભાર્ગવ જાની સાત બૉલમાં બે ફોર સાથે ૯, રિતેશ દીક્ષિત ૧૧ બૉલમાં પાંચ, ચેતન ત્રિવેદી ૧૨ બૉલમાં એક ફોર સાથે પાંચ રન, દર્પણ ટાંક પાંચ રન આપી ત્રણ વિકેટ, નવીન જાધવ એક રન આપી બે વિકેટ, નિકુંજ ગેડિયા ૧૫ રનમાં બે વિકેટ, દર્શન ચોટલિયા સાત રનમાં એક વિકેટ, હર્ષ પરમાર બે રનમાં એક વિકેટ) મૅચ-૨ ગ્રુપ Fના આ જંગમાં વાગડ વીસા ઓસવાળ જૈન સામે ઝાલાવાડી સ્થાનકવાસી જૈન ટીમના કૅપ્ટન વિરલ દોશીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. જોકે તેમનો ઓપનર શ્રેય જોબલિયા ત્રીજા જ બૉલમાં ખાતું ખોલાવ્યા વિના અને વન-ડાઉન બૅટ્સમૅન જિગર શેઠ પાંચમા બૉલે રનઆઉટ થઈ જતાં પહેલાં બૅટિંગ કરીને મોટો સ્કોર બનાવવાના કૅપ્ટનના ઇરાદાને ઝટકો લાગ્યો હતો. ઓપનર કૃણાલ શેઠે (૪૧) ત્રીજી વિકેટ માટે વત્સલ શાહ (૧૭) સાથે ૩૦ રનની અને ચોથી વિકેટ માટે અભય ચુડગર (૧૩) સાથે ૪૦ રનની પાર્ટનરશિપને લીધે ઝાલાવાડી સ્થાનકવાસી જૈન ટીમ ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૭૫ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. વાગડ વીસા ઓસવાળ જૈને પહેલી જ ઓવરમાં ૩ સિક્સર સાથે ૩૪ રન ફટકારીને મૅચ પર સંપૂર્ણ કન્ટ્રોલ મેળવી લીધો હતો અને છઠ્ઠી ઓવરના છેલ્લા બૉલે બે વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. સતત બીજી જીત સાથે વાગડ વીસા ઓસવાળ જૈન ટીમે નૉક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ નિશ્ચિત કરી લીધો હતો, જ્યારે પહેલી વાર ટુર્નામેન્ટમાં રમી રહેલી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન ટીમ સતત બીજા પરાજય સાથે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી. બે ઓવરમાં ફક્ત પાંચ રન આપીને બે વિકેટના પર્ફોર્મન્સ બદલ વાગડ વીસા ઓસવાળ જૈનના વિરલ શાહને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. ટૂંકો સ્કોર ઝાલાવાડી સ્થાનકવાસી જૈન : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૭૫ રન (કૃણાલ શેઠ ૨૬ બૉલમાં પાંચ ચોગ્ગા સાથે ૪૧ રન, વત્સલ શાહ ૧૩ બૉલમાં એક ફોર સાથે ૧૭ રન, અભય ચુડગર ૧૧ બૉલમાં બે ફોર સાથે ૧૩ રન, વિરલ શાહ પાંચ રનમાં બે વિકેટ, પલક સાવલા ૧૧ રનમાં અને ભાવિક ગિન્દરા ૧૬ રનમાં એક-એક વિકેટ) વાગડ વીસા ઓસવાળ જૈન : છ ઓવરમાં બે વિકેટે ૭૭ રન (હર્ષુલ નંદુ આઠ બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોર સાથે ૨૩ રન, ચિરાગ નિસર ૧૩ બૉલમાં એક સિક્સર અને બે ચોગ્ગા સાથે ૨૧ રન, જિગર શેઠ આઠ રનમાં અને ધ્રુવિલ તુરખિયા ૨૪ રનમાં એક-એક વિકેટ) મૅચ-૩ ગ્રુપ Dની આ ટક્કરમાં કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે અડાઆઠમ દરજીના કૅપ્ટન રવિ પરમારે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી ઓવરમાં ૩ ફોર સાથે ૧૫ રન ફટકારીને અડાઆઠમ દરજી ટીમે મજબૂત શરૂઆત કરી હતી અને બન્ને ઓપનરો કૅપ્ટન રવિ પરમાર (૪૩ રન) અને રિષભ દરજી (અણનમ ૫૪)એ ૬.૩ ઓવરમાં ૮૩ રનની પાર્ટનરશિપ સાથે મોટા સ્કોરનો મજબૂત પાયો નાખ્યો હતો. અડાઆઠમ દરજી આખરે ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૨૭ રનના ચૅલેન્જિંગ સ્કોર બનાવવામાં સફળ થયું હતું. કચ્છ-વાગડ લેઉવા પટેલનો ૧૮ વર્ષનો દક્ષ પટેલ ૧૬ રનમાં ૩ વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો હતો. કચ્છ-વાગડ લેઉવા પટેલ બીજી ઓવરમાં કૅપ્ટન પીયૂષ ગોઠી અને ત્રીજી ઓવરમાં પહેલી લીગની જીતનો હીરો કલ્પેશ નોરને ગુમાવતાં પ્રેશરમાં આવી ગયા હતા. ઓપનર વિરેન ડુબરિયા (૩૪) અને આકાશ ચામરિયા (૩૪) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૮૯ રનની પાર્ટનરશિપને લીધે ટીમ જીતના દ્વાર સુધી પહોંચી ગઈ હતી અને એક સમયે તેમને ૧૪ બૉલમાં ફક્ત ૧૮ રન જ બનાવવાના હતા. ત્યાર બાદ અડાઆઠમ દરજીએ તેમની નામના પ્રમાણે ફરી એક વાર ફાઇટિંગ સ્પિરિટનો પરચો બતાવતાં નવમી ઓવરમાં ૩ વિકેટ ઝડપીને ફક્ત બે જ રન આપ્યા હતા અને મૅચમાં ફરી ટર્ન આવી ગયો હતો. છેલ્લી ઓવરમાં કચ્છ-વાગડ લેઉવા પટેલને જીત માટે ૧૬ રન બનાવવાના હતા અને પહેલા બૉલમાં બાઉન્ડરી ફટકારતાં ફરી તેઓ ચરોતર રૂખી સામે કરેલો ચમત્કાર કરશે એવી આશા જાગી હતી, પણ બાકીના પાંચ બૉલમાં ફક્ત ૬ રન જ બનતાં એણે પાંચ રનથી હાર જોવી પડી હતી. અડાઆઠમ દરજીએ સતત બીજી જીત સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ઑલમોસ્ટ પ્રવેશ કરી લીધો છે. અડાઆઠમ દરજી આવતી કાલે તેમની છેલ્લી લીગ મૅચ ચરોતર રૂખી સામે હારે તો પણ રનરેટના આધારે પ્રી-ક્વૉર્ટર ફાઇનલ પ્રવેશ કરી શકે છે. ચાર વખતની ચૅમ્પિયન ચરોતર રૂખી માટે આ જંગ ડૂ ઑર ડાઇ સમાન બની ગયો છે અને તેમને માટે જીતવું જરૂરી બની ગયું છે. નવમી નિર્ણાયક ઓવરમાં ફક્ત બે રન આપીને બે વિકેટ ઝડપીને મૅચમાં ટર્ન લાવવા બદલ અડાઆઠમ દરજીના પ્રીતેશ રાઠોડને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. અડાઆઠમ દરજી : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૭ રન (રુષભ દરજી ૨૯ બૉલમાં દસ ચોગ્ગા સાથે ૫૪ રન, રવિ પરમાર ૨૧ બૉલમાં એક સિક્સર અને સાત ફોર સાથે ૪૩ રન, દક્ષ પટેલ ૧૬ રન આપી ત્રણ વિકેટ, ભાવેશ રાવરિયા ૨૫ રન એક વિકેટ) કચ્છ-વાગડ લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં આઠ વિકેટે ૧૨૨ રન (વિરેન ડુબરિયા ૧૯ બૉલમાં છ ફોર સાથે ૩૪ રન, આકાશ ચામરિયા ૧૯ બૉલમાં છ ચોગ્ગા સાથે ૩૪ રન, પ્રીતેશ રાઠોડ ૧૪ રન આપી બે વિકેટ, ગણેશ દરજી ૧૭ રન આપીને બે વિકેટ અને નીલેશ ચૌહાણ ૧૪ રન આપીને એક વિકેટ) મૅચ-૪ ગ્રુપ Aની આ ટક્કરમાં કપોળ સામે કચ્છી દશા ઓસવાળ જૈન ટીમના કૅપ્ટન જિગર નાગડાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. પહેલી ઓવરમાં બે બાઉન્ડરી ફટકારીને કચ્છી દશા ઓસવાળ જૈન ટીમે શાનદાર શરૂઆત કર્યા બાદ કપોળ ટીમના અનુભવી બોલિંગ લાઇન-અપ અને સચોટ ફીલ્ડિંગ સામે વધુ કમાલ નહોતા કરી શક્યા. ચોથી ઓવરમાં પહેલી વિકેટ ગુમાવ્યા બાદ પાંચમી અને પાવર ઓવરમાં રન-આઉટમાં વિકેટ ગુમાવતતાં ૧૦ રનનો ફટકો લાગ્યો હતો અને પાંચમી ઓવરના અંતે સ્કોર બે વિકેટે ૨૮ રનનો થઈ ગયો હતો. નિરંતર વિકેટ ગુમાવતા રહેતા કચ્છી દશા ઓસવાળ જૈન આખરે ૧૦ ઓવરના અંતે ૮ વિકેટે ૬૧ રન જ બનાવી શકી છે. કપોળ ટીમે પહેલી જ ઓવરમાં ૨૪ રન અને બીજી ઓવરમાં વધુ ૨૫ રન ફટકારીને મૅચ સાવ વન-સાઇડેડ કરી નાખી હતી અને આખરે ૩.૧ ઓવરમાં ૧૦ વિકેટે શાનદાર જીત સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. કપોળના ઓપનર ગૌરાંગ પારેખની ૧૫ બૉલમાં ૩ સિક્સર અને ૭ ફોર સાથે અણનમ ૪૯ રનની આક્રમક ઇંનિગ્સે દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. કપોળના ટુર્નામેન્ટમાં પહેલી જ વાર રમી રહેલા ૧૫ વર્ષના યંગસ્ટર રિશી મહેતાને બે ઓવરમાં ૧૪ રનમાં બે વિકેટના પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. કચ્છી દશા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં આઠ વિકેટે ૬૧ રન (ચિરાગ મોમાયા ૧૭ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૯ રન, મનીષ મૈશેરી ૧૫ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૬ રન, વિનીત નાગડા છ બૉલમાં બે ફોર સાથે ૧૦ રન, નયન મહેતા ચાર રન આપી ત્રણ વિકેટ, રિશી મહેતા ૧૪ રન આપીને બે વિકેટ અને સિતાંશુ પારેખ ૧૨ રન આપીને એક વિકેટ) કપોળ : (ગૌરાંગ પારેખ ૧૫ બૉલમાં ત્રણ સિક્સર અને સાત ફોર સાથે અણનમ ૪૯ રન અને મૌલિક મહેતા ચાર બૉલમાં એક રન.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK