આજે કપોળ ક્રિકેટોત્સવનો પ્રારંભ

Published: 18th November, 2012 04:20 IST

સાત મહિનાના ભરચક કાર્યક્રમમાં ૫૫૦ જ્ઞાતિજનો રમશે ૧૮૦ મૅચ : વિવિધ સ્પર્ધાઓ દરમ્યાન ઘણું નવું, ઘણું રોમાંચક અને ઘણું પ્રેરણાદાયીકપોળ જ્ઞાતિજનો માટે ૧૮ વર્ષથી સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ કરતા કેએસજી (કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ) દ્વારા આ વખતે ક્રિકેટનો ભરચક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. કેએસજી દ્વારા આજે શાંતિલાલ સંઘવી ફાઉન્ડેશનના સહયોગથી કાંદિવલી (વેસ્ટ)ના પય્યાડે ગ્રાઉન્ડ પર કપોળ ક્રિકેટરો માટેની નવી સીઝનની શરૂઆત થઈ રહી છે.

આજે સવારે ૧૦.૦૦ વાગ્યે કેએસજી ઇન્ટર-ક્લબ TEN10 કપ ૨૦૧૨-’૧૩ની પ્રથમ મૅચ સાથે કપોળ જ્ઞાતિજનોની ક્રિકેટ-મોસમનો પ્રારંભ થશે.

કેએસજી દ્વારા ૧૯૯૬માં જ્ઞાતિના ૧૪થી ૧૫ ખેલાડીઓના સમાવેશ સાથે ક્રિકેટસ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે આ ૧૮મા વર્ષે કપોળ જ્ઞાતિની આ ખ્યાતનામ સંસ્થા દ્વારા આયોજિત ક્રિકેટસ્પર્ધાઓની કુલ ૧૮૦ કરતાં પણ વધુ મૅચોમાં કુલ મળીને ૫૫૦ પ્લેયરો રમશે. એ ઉપરાંત મહિલાઓ અને બાળકોની સ્પર્ધાઓ પણ રમાશે જેમાં સેંકડો સ્પર્ધકો ભાગ લેશે.

વિવિધ સ્તર તથા ફૉર્મેટની ક્રિકેટસ્પર્ધાઓ યોજવા પાછળનો કેએસજીનો હેતુ મુંબઈની મેદાન ક્રિકેટ ટુર્નામેન્ટોનું લેવલ ઊંચુ લાવવાનો છે. ખાસ આ માટે ૭૦-૭૦ ઓવરવાળી બે દિવસની મૅચો પણ રાખવામાં આવી છે જેમાં મુંબઈમાં રમાતી ટાઇમ્સ શીલ્ડ ટુર્નામેન્ટના નિયમો લાગુ પડશે. આ વખતની સ્પર્ધાઓમાં એક વિદેશી ટીમને રમવાનું આમંત્રણ આપવા પાછળનો કેએસજીનો ઉદ્દેશ કપોળ ઉપરાંતની બીજી જ્ઞાતિઓ માટે પ્રેરણાદાયી છે. કેએસજીએ વિવિધ દેશોની ડોમેસ્ટિક ક્રિકેટમાં ચાલતી પદ્ધતિઓ મુંબઈની મેદાન ક્રિકેટમાં રમતા પ્લેયરોને પણ શીખવા મળે એવો આશય રાખ્યો છે. એ રીતે મુંબઈક્રિકેટની પ્રગતિમાં કપોળ જ્ઞાતિ અને કેએસજીનું મોટું યોગદાન ગણાશે.

કેએસજીની સ્પર્ધાઓના રજિસ્ટ્રેશન માટેની વિગતો www.kapolsports.org વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વધુ વિગતો વિપુલ દોશી (૯૮૩૩૮૫૯૯૩૦) અને અમિત મોદી (૯૩૨૨૨૪૭૪૫૨)નો સંપર્ક કરીને મેળવી શકાશે.

કયા ગ્રુપ માટે કઈ સ્પર્ધાઓ?

આગામી સાત મહિના દરમ્યાન એલીટ ગ્રુપ, પ્લેટ ગ્રુપ અને અન્ડર-૧૬ કૅટેગરીમાં વિવિધ ટુર્નામેન્ટો રમાશે:

એલીટ ગ્રુપ : TEN10 કપ, FORTY40 કપ, SEVENTY70 કપ (બે દિવસની મૅચ)

પ્લેટ ગ્રુપ : TEN10 કપ, FORTY40 કપ, SEVENTY70 કપ (બે દિવસની મૅચ) અને TWENTY20 કપ

અન્ડર-૧૬ : TWENTY20 કપ, FORTY40 કપ, SEVENTY70 કપ (બે દિવસની મૅચ)

નોંધ : (૧) મહિલાઓ માટે ૧૫ તથા ૨૦ ઓવરની તેમ જ અન્ડર-૧૨ વર્ગના બાળકો માટે ૧૫ તથા ૩૦ ઓવરની ટુર્નામેન્ટો રમાશે. (૨) અન્ડર-૧૬ ટુર્નામેન્ટમાં દુબઈ ઇન્ટર-સ્કૂલ સ્પર્ધાની ટીમ રમશે. (૩) ચર્ચગેટથી નાલાસોપારા વચ્ચેના છ સ્થળે પ્રૅક્ટિસ-સેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ડર-૧૬ વર્ગના ખેલાડીઓ માટેના આ સેશન દર શનિવાર તથા રવિવારે સવારે ૬.૩૦થી ૮.૩૦ છે, જ્યારે મુખ્ય સ્પર્ધાઓ માટેના પ્લેયરોના સેશન મંગળવારથી શુક્રવાર દરમ્યાન સવારે ૬.૩૦થી ૮.૩૦ રાખવામાં આવ્યા છે. પ્રૅકિટસ માટેના છ ઉપનગરોમાં ચર્ચગેટ, માટુંગા, જુહુ, કાંદિવલી, ભાઈંદર અને નાલાસોપારાનો સમાવેશ છે.

આજે શરૂ થતી ટુર્નામેન્ટો માટેની ટીમો

એલીટ ગ્રુપ (TEN10)

(૧) જે. પી. ડેવલપર્સ (૨) ઇન્સાઇડ આર્ટ (૩) વોરા ડેવલપર્સ (૪) વાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (૫) ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવન (આમંત્રિત ટીમ)

પ્લેટ ગ્રુપ  (FORTY40)

(૧) ઍક્રી ઑર્ગેનિક્સ (૨) જે. પી. વી. રિયલ્ટર્સ (૩) એસઆરકે ડિજિટલ લૅબ (૪) ધીરુભાઈ વોરા ફાઉન્ડેશન (૫) સિલ્વર ગ્રુપ (૬) દોસ્તી બિલ્ડર્સ

TEN10 સ્પર્ધામાં ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો આમંત્રિત ટીમ તરીકે સમાવેશ


કપોળ જ્ઞાતિજનો માટે આજે શરૂ થયેલી TEN10 ટુર્નામેન્ટમાં મિડ-ડેના બૅનર હેઠળની ટીમ પણ રમી રહી છે. આ ટીમને આમંત્રિત ટીમ તરીકે સ્પર્ધામાં સ્થાન આપવામાં આવ્યું છે અને ટીમનું ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવન નામ રાખવામાં આવ્યું છે.

ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવન માટે ઉપલબ્ધ કુલ બાવીસ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ બાવીસ ખેલાડીઓમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાનની મિડ-ડે કપ સ્પર્ધાઓમાં રમી ચૂકેલા ખેલાડીઓમાંના સ્ટાર પ્લેયરોનો સમાવેશ છે. છેલ્લા બે વર્ષથી મિડ-ડે કપ માં ચૅમ્પિયન બનતી ચરોતર રૂખી ટીમના સુકાની ખીમજી મકવાણાને ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનની કૅપ્ટન્સી અને વાગડ વીસા ઓસવાળ જૈનના ધર્મેશ છેડાને વાઇસ કૅપ્ટન્સી તથા વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી છે.

દર રવિવારે રમાનારી આ સ્પર્ધામાં ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવન એલીટ ગ્રુપની ચાર હરીફ ટીમો સામે બે-બે મૅચ એમ કુલ મળીને ૮ મૅચ રમશે. સ્પર્ધા દરમ્યાન બીજી ટીમોની જેમ ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવન માટે પણ પ્રૅક્ટિસ મૅચોનું આયોજન થયું છે.

આ TEN10 સ્પર્ધાની ફાઇનલ શનિવાર, પાંચમી જાન્યુઆરીએ રમાશે.

આ સ્પર્ધા પછીની ટુર્નામેન્ટમાં વિઝિટિંગ ટીમ તરીકે એક વિદેશી ટીમ રમવા આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK