હવામાં સ્પિન કરાવવાની ક્ષમતાને કારણે જ કુલદીપ ચહલ કરતાં શ્રેષ્ઠ: મૅથ્યુ હેડન

Mar 12, 2019, 10:38 IST

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમેને ગણાવી ચાઇનામૅન બોલરની ખાસિયત, કહ્યું ઑફ સ્પિનરોએ મર્યાદિત ઓવરોની મૅચમાં સફળ થવું હશે તો સાહસિક બનવું પડશે

હવામાં સ્પિન કરાવવાની ક્ષમતાને કારણે જ કુલદીપ ચહલ કરતાં શ્રેષ્ઠ: મૅથ્યુ હેડન
મૅથ્યુ હેડન

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન મૅથ્યુ હેડનના મતે શેન વૉર્નની જેમ બૉલને ટપ્પો પડે એ પહેલાં જ હવામાં સ્પિન કરાવવાની ક્ષમતા (ડ્રિફ્ટ)ને કારણે જ કુલદીપ યાદવનો સામનો કરવો યુઝવેન્દ્ર ચહલ કરતાં વધુ અઘરો છે. આ બન્ને કાંડાની મદદથી સ્પિન કરનારા ભારતીય સ્પિનરોની હાલમાં બોલબાલા છે, કારણ કે આંગળીની મદદથી સ્પિન કરનારાઓ ઓછા સાહસિક છે. કુલદીપ અને ચહલે વિશ્વના શ્રેષ્ઠ બૅટ્સમેનોને હેરાન કર્યા છે. આ વિશે પૂછવામાં આવતાં હેડને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘લેગ સ્પિનર તમને વિકલ્પ અને વિવિધતા આપે છે. કુલદીપનો મજબૂત પક્ષ એ નથી કે તે બૉલને વધુ સ્પિન કરાવે છે, પરંતુ વૉર્નની જેમ તેનો બૉલ હવામાં સ્પિન થઈને બૅટ્સમૅન સુધી પહોંચે છે.’

પોતાના સમયમાં હરભજન સિંહ અને અનિલ કુંબલે સામે ઘણા સફળ રહેલા અને ટેસ્ટમાં ૮૦૦૦ કરતાં વધુ રન કરનારા હેડને કહ્યું હતું કે ‘ચહલનો સામનો થઈ શકે. તે અલગ પ્રકારનો બોલર છે. સ્ટમ્પ પર બોલિંગ કરે છે. સપાટ અને સીધો બૉલ નાખે છે. તેને ડ્રિફ્ટ નથી મળતી. જો હું ખેલાડી હોઉં તો ચહલનો સામનો કરું, કારણ કે તેને ડ્રિફ્ટ નથી મળતી.’

આ પણ વાંચો : અમે જ આપી હતી ભારતને મિલિટરી-કૅપ પહેરવાની મંજૂરી : ICC

આંગળીની મદદથી સ્પિન કરતા ઑફ સ્પિનરોને આજકાલ વધુ સફળતા નથી મળતી એ વિશે હેડને કહ્યું હતું કે ‘ઑફ સ્પિનરોએ બૅટ્સમેનોને રોકવાની કળા શીખી હતી જેને કારણે તેઓ ચોક્કસ સમય સુધી બૅટ્સમેનો પર હાવી રહ્યા હતા, પરંતુ હવે ખેલાડીઓ ઑફ સ્પિનરોના સપાટ બૉલને ઓળખી ગયા છે. ઑફ સ્પિનરો પણ બૉલની ઝડપમાં વિવિધતા લાવવાની કલા ભૂલી ગયા છે. બોલરોએ સફળ થવું હશે તો વધુ સાહસિક બનવું પડશે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK