IPL 2019 : એક પણ મેચ ન જીતનારી રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે આજે ટક્કર

જયપુર | Apr 02, 2019, 14:25 IST

બેંગ્લોરની ટીમે પોતાની તમામ ત્રણેય મેચમાં હારમો સામનો કર્યો છે. તો બીજી તરફ રાજસ્થાન ટીમે પણ પોતાની તમામ ત્રણેય મેચમાં હારનો સામનો કર્યો છે. આમ આજે બંને ટીમો પોતાની પહેલી જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

IPL 2019 : એક પણ મેચ ન જીતનારી રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે આજે ટક્કર
અજીંક્ય રહાણે અને વિરાટ કોહલી (File Photo)

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019માં આજે પિંક સીટી જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. મહત્વની વાત એ છે કે વિરાટ કોહલીની આગેવાનીમાં મજબુત ગણાતી બેંગ્લોરની ટીમનું ટુર્નામેન્ટમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. બેંગ્લોરની ટીમે પોતાની તમામ ત્રણેય મેચમાં હારમો સામનો કર્યો છે. તો બીજી તરફ રાજસ્થાન ટીમે પણ પોતાની તમામ ત્રણેય મેચમાં હારનો સામનો કર્યો છે. આમ આજે બંને ટીમો પોતાની પહેલી જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

કેવો રહ્યો રાજસ્થાનનો IPL 2019માં રેકોર્ડ
રાજસ્થાનની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ સામે 14 રન, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 રનથી હારી છે. જ્યારે બેંગ્લોરની ટીમ ચેન્નાઈ સામે 7 વિકેટ, મુંબઈ ઈન્ડિયન્સ સામે 6 વિકેટ અને હૈદરાબાદ સામે 118 રનથી હારી ચૂકી છે.

બંને ટીમોમાં સ્ટાર ખેલાડીઓ, પણ હજુ જીતથી વંચીત
રાજસ્થાન અને બેંગ્લોર ટીમમાં સ્ટાર ખેલાડીઓ સામેલ છે. રાજસ્થાનની ટીમમાં અજિંક્ય રહાણે, જોશ બટલર તથા ટૂર્નામેન્ટમાં સદી ફટકારી ચૂકેલા સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ અને બેન સ્ટોક જેવા ખેલાડીઓ સામેલ છે. તો બેંગ્લોર પાસે ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, મોઈન અલી, ઉમેશ યાદવ અને યજૂવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ છે. છતાં પણ બંને ટીમો આઈપીએલમાં હારનો સામનો કરી રહી છે અને સ્કોરબોર્ડમાં એક પણ પોઈન્ટ ઉમેરી શકી નથી.

આ પણ જુઓ : IPL મેચમાં KKRના વિજય પછી કંઈક આવો હતો શાહરુખનો અંદાજ

ટુર્નામેન્ટમાં બંને ટીમો પહેલીવાર ટકરાશે
આ ટુર્નામેન્ટમાં આ બંને ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ પહેલી વાર સામ સામે ટકરાશે. જોકે અત્યાર સુધીની સિઝનમાં બંને ટીમો 19 મેચ રમી ચૂકી છે. જેમાં બેંગ્લોર 8 અને રાજસ્થાન 9 મેચ જીતી ચૂક્યું છે. તો એક મેચનું પરિણામ પેન્ડિંગ રહ્યું અને એક મેચ રદ થઈ હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બંને ટીમો 7 મેચ રમી ચૂકી છે. આ મેદાન ઉપર અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં 3-3 મેચ જીતવામાં બંને ટીમો સફળ રહી છે. આ મેદાન ઉપર બંને ટીમો વચ્ચે 23 એપ્રિલ, 2012નાં રોજ રમાયેલી મેચમાં બેંગ્લોરે રાજસ્થાનને 46 રનથી હરાવ્યું હતું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK