યુવરાજ અને હરભજન મારા સારા દોસ્ત છે : ફિક્સર માજિદ

Published: 11th October, 2011 21:27 IST

પાકિસ્તાનીઓ પાસે સ્પૉટ-ફિક્સિંગ કરાવનાર એજન્ટ મઝહર માજિદે એવું પણ કહ્યું કે ટેનિસસમ્રાટ રોજર ફેડરર તેમ જ લલિત મોદી, ઇમરાન ખાન, ગૅટિંગ અને બૉયકૉટ સાથે પણ મારી ફ્રેન્ડશિપ છે.લંડન: પાકિસ્તાની પ્લેયરો સલમાન બટ, મોહમ્મદ આમિર તેમ જ મોહમ્મદ આસિફે ગયા વર્ષે ઇંગ્લૅન્ડની સિરીઝ દરમ્યાન જે સ્પૉટ-ફિક્સિંગ કર્યું હતું એ કિસ્સા પર લંડનની કોર્ટમાં ચાલતી સુનાવણી દરમ્યાન ગઈ કાલે ઘણી સનસનાટીભરી વાતો બહાર આવી હતી. થોડા મહિના પહેલાં બંધ પડી ગયેલા ઇંગ્લૅન્ડના ‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ સાપ્તાહિકના મઝહર મહમૂદ નામના જે રિપોર્ટરે લંડનમાં રહેતા મઝહર માજિદ નામના મૅચ-ફિક્સર તેમ જ પ્લેયરોના એજન્ટ સાથે સ્ટિંગ-ઑપરેશન દરમ્યાન જે વાતચીત કરી હતી એનું વિડિયો રેકૉડિંગ રિપોર્ટર મહમૂદે ગઈ કાલે કોર્ટમાં પુરાવારૂપે રજૂ કર્યું હતું.

ફિક્સર માજિદે પોતાને જે જાણીતી હસ્તીઓ સાથે દોસ્તી હોવાની વાત મહમૂદને કરી હતી એમાં પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઇજાઝ બટ, ભૂતપૂર્વ પાકિસ્તાની પ્રમુખ પરવેઝ મુશર્રફ, અમેરિકન ફિલ્મ ઍક્ટર બ્રૅડ પિટ, ટેનિસપ્લેયર રોજર ફેડરર અને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીના નામ પણ લીધા હતા. માજિદે પોતાના મિત્રવતુર્ળમાં ખાસ કરીને વર્તમાન પ્લેયરો યુવરાજ સિંહ, હરભજન સિંહ, ક્રિસ ગેઇલ, બ્રેટ લી, રિકી પૉન્ટિંગ તેમ જ ભૂતપૂર્વ ખેલાડીઓ ઇમરાન ખાન, માઇક ગૅટિંગ, જ્યૉફ બૉયકૉટ અને ફિલ ટફનેલના નામ લીધા હતા.

ઑડિયો રેકૉર્ડિંગની વાતચીત મુજબ માજિદે પાકિસ્તાની પ્લેયરોમાં સલમાન બટ ઍન્ડ કંપની ઉપરાંત કામરાન અકમલ, ઉમર અકમલ અને શોએબ મલિક સહિત કુલ ૧૦ પાકિસ્તાની પ્લેયરો સાથે પોતાને બહુ સારું બનતું હોવાનું પણ રિપોર્ટર મહમૂદને કહ્યું હતું.

પત્રકાર પડદા પાછળ

લંડનની કોર્ટમાં ચાર દિવસથી મહત્વની સુનાવણી ચાલી રહી છે એ દરમ્યાન ‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ સાપ્તાહિકના રિપોર્ટર મઝહર મહમૂદને તેની ઓળખ છુપાવવા તેમ જ સલામતીના કારણસર પડદા પાછળ બેસાડવામાં આવ્યો છે.

તાતા ઇક્વિટીનો ઉલ્લેખ

‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ સાપ્તાહિકના પત્રકાર મઝહર મહમૂદે ગયા વર્ષે લંડનમાં માજિદ સાથે એક હોટેલની બહાર એક કારમાં મીટિંગ રાખી હતી અને એમાં તેણે તાતા ઇક્વિટીનો ભારતીય બિઝનેસમૅન હોવા તરીકેની પોતાની ઓળખ આપી હતી અને યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં એક T20 ટુર્નામેન્ટ રાખવાનું તેને વચન આપ્યું હતું.

આફ્રિદીને મનાવવો મુશ્કેલ

ફિક્સર મઝહર માજિદના મતે પાકિસ્તાની પ્લેયરોમાં એકમાત્ર શાહિદ આફ્રિદીને ફિક્સિંગ માટે મનાવવો બહુ અઘરું કામ હોય છે એટલે હું તેની પાછળ બહુ પડતો જ નથી.

ટેસ્ટ, વન-ડે અને T20 મૅચ કેટલા રૂપિયામાં ફિક્સ થાય?

લંડનની કોર્ટને મળેલી માહિતી મુજબ પાકિસ્તાની પ્લેયરો સાથે નજીકની દોસ્તી ધરાવતા લંડનના મૅચ-ફિક્સર મઝહર માજિદે ગયા વર્ષે ‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ સાપ્તાહિક વતી સ્ટિંગ-ઑપરેશન કરનાર પત્રકાર મઝહર મહમૂદ સાથેની વાતચીતમાં ટેસ્ટ, વન-ડે તેમ જ T20 મૅચ સામાન્ય રીતે કેટલામાં ફિક્સ થતી હોય છે એની માહિતી આપી હતી:

‘બ્રૅકેટ’નો કેટલો ભાવ? : જે મૅચ ફિક્સ થાય એમાં સામાન્ય રીતે એક ‘બ્રૅકેટ’ નક્કી થાય છે. આ ‘બ્રૅકેટ’ એટલે મૅચના એક ખાસ તબક્કા દરમ્યાનની ૧૦ ઓવરમાં બૅટ્સમેનો કેટલા રન કરશે તેમ જ બોલરોના કેટલા નો બૉલ હશે એવી બધી ઝીણી-ઝીણી બાબતો પર ફિક્સિંગ થાય છે. એક ‘બ્રૅકેટ’ ૫૦,૦૦૦થી ૮૦,૦૦૦ પાઉન્ડ (૩૮ લાખ રૂપિયાથી ૬૧ લાખ રૂપિયા)માં નક્કી થાય છે. એમાં ભાગ લેનાર પ્લેયરોને આ કુલ રકમમાંથી તેમનો ભાગ આપવામાં આવે છે.
ટેસ્ટમૅચ માટેનો ફિક્સિંગનો ભાવ શું? : મઝહર માજિદના જણાવ્યા મુજબ એક ટેસ્ટમૅચ ૧૦ લાખ પાઉન્ડ (૭ કરોડ ૬૦ લાખ રૂપિયા)માં ફિક્સ થતી હોય છે.

વન-ડેનો ફિક્સિંગનો ભાવ કેટલો? : એક વન-ડે સામાન્ય રીતે ૪,૫૦,૦૦૦ પાઉન્ડ (૩ કરોડ ૪૨ લાખ રૂપિયા)માં ફિક્સ થાય છે.

T20 ફિક્સ કરવાનો ભાગ કેટલો? : એક T20 ઇન્ટરનૅશનલ ૪,૦૦,૦૦૦ પાઉન્ડ (૩ કરોડ ૪ લાખ રૂપિયા)માં ફિક્સ થતી હોય છે.

પ્લેયરો મૅચ કેવી રીતે ફિક્સ કરે?

મૅચ-ફિક્સર મઝહર માજિદે મૅચ સામાન્ય રીતે કેવી રીતે ફિક્સ થતી હોય છે એના ઉદાહરણો લંડનની અદાલતમાં આપ્યા છે:

મૅચ-ફિક્સિંગમાં સહભાગી થનાર ટીમના બૅટ્સમેનોએ જો ત્રણ ઓવરમાં ૧૩ રન કર્યા હોય તો ફિક્સિંગની માર્કેટમાં આ ટીમ પાસે મોટા સ્કોરની અપેક્ષા રાખવામાં આવે છે. જોકે ફિક્સિંગમાં હિસ્સો લેનાર બૅટ્સેમેનો આ તબક્કે સ્કોરિંગને સ્લો કરી નાખે છે અને ત્યાર પછીની સાત ઓવરમાં માત્ર ૧૪ કે એના કરતાં પણ ઓછા રન કરે છે.

પેસબોલર મોહમ્મદ આસિફ પોતે મૅચ ફિક્સિંગનો અમલ કરી રહ્યો છે એનો આ રીતે સંકેત આપે છે : આસિફ રન-અપ પર દોડવાની શરૂઆત કરે છે, પરંતુ અમ્પાયરની નજીક પહોંચતાં પહેલાં અટકી જાય છે અને અમ્પાયર એ ડેડ બૉલ તરીકે જાહેર કરે છે. જોકે આસિફ આવું કરીને ફિક્સિંગ માટેના અમુક પ્રકારના ‘બ્રૅકેટ’ની (૧૦ ઓવરવાળા તબક્કાની) પોતે શરૂઆત કરી દીધી હોવાનો સંકેત આપે છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK