લંડન ઑલિમ્પિક્સ : સાઈના, કશ્યપ સહિતનાની આગેકૂચ

Published: 1st August, 2012 02:53 IST

બૅડમિન્ટનમાં સાઇનાની જેમ કશ્યપ લાસ્ટ-૧૬માં : બૉક્સિંગમાં દેવેન્દ્રો સિંહ પણ આ લેવલ સુધી પહોંચ્યો

saina-pri-quaterશૂટર ગગન નારંગે બ્રૉન્ઝ મેડલ જીતીને મેડલ જીતનાર દેશોમાં ભારતને સ્થાન અપાવ્યું એ સાથે અને બીજી કેટલીક હરીફાઈઓની મૅચોમાં ભારતીયોએ જીત મેળવીને સ્પર્ધામાં આગેકૂચ કરી હોવાથી લંડન ઑલિમ્પિક્સમાં સોમવારનો દિવસ ભારત માટે સારો સાબિત થયો હતો, પરંતુ ગઈ કાલે ભારતને એકેય મેડલ નહોતો મળી શક્યો. જોકે એકંદરે ભારતીય ઍથ્લીટોનો પર્ફોમન્સ મિશ્ર હતો. અમુક હરીફાઈઓમાં ભારતીયો સ્પર્ધાની બહાર થઈ ગયા હતા, પરંતુ બીજી કેટલીક રમતોમાં ત્રણ પ્લેયરો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યાં હતાં.

મહિલાઓની સિંગલ્સમાં સાઇના નેહવાલ પછી પુરુષોમાં પારુપલ્લી કશ્યપે પણ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે મહિલાઓની ડબલ્સમાં સોમવારે અશ્વિની પોનપ્પા સાથે જીતી જનાર જ્વાલા ગુટ્ટા ગઈ કાલે ફરી એકવાર વી. દિજુ સાથેની જોડીમાં મિક્સ્ડ-ડબલ્સની મૅચ હારી જતાં તેઓ આ સ્પર્ધાની બહાર થઈ ગયાં હતાં.

ગઈ કાલે બૉક્સિંગમાં મણીપુર રાજ્યના લૈશરામ દેવેન્દ્રો સિંહ

પ્રી-ક્વૉર્ટરમાં એટલે લાસ્ટ-૧૬માં પહોંચી ગયો હતો, જ્યારે તીરંદાજીમાં રાહુલ બૅનરજીએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ટેનિસમાં સોમવારે લિએન્ડર પેસ અને વિષ્ણુ વર્ધને ડબલ્સમાં વિજયી શ્રીગણેશ કર્યા હતા, પરંતુ ગઈ કાલે ભારતે જુડો, રોવિંગ અને વેઇટલિફ્ટિંગમાં અત્યંત ખરાબ પર્ફોમ કર્યું હતું.

આજે ભારતની કઈ હરીફાઈઓ?

તીરંદાજી

મહિલાઓનો ઇન્ડિવિજ્યુઅલ એલિમિનેશન રાઉન્ડ : દીપિકા કુમારી V/S ઍમી ઑલિવર (બ્રિટન),

બપોરે ૩.૨૭

રોવિંગ

પુરુષોની સિંગલ્સ સ્ક્લ્ઝ માઇનર પ્લૅસિંગ્સ : (૧) સ્વર્ણ સિંહ, બપોરે ૨.૦૦ (૨) સંદીપ કુમાર-મનદીપ સિંહ, બપોરે ૨.૨૦

શૂટિંગ

મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ, ક્વૉલિફિકેશન રાઉન્ડ : રાહી સનોર્બાત, અનુ રાજ સિંહ, બપોરે ૧.૩૦

હૉકી

ગ્રુપ ‘બી’ મૅચ : ભારત V/S ન્યુ ઝીલૅન્ડ, સાંજે ૬.૧૫

નોંધ : (૧) તમામ ભારતીય સમય દર્શાવવામાં આવ્યા છે. (૨) ઑલિમ્પિક્સનું લાઇવ કવરેજ ઈએસપીએન અને ડીડી સ્પોર્ટ્સ પર બપોરે ૧૨.૩૦થી, ઈએસપીએન એચડી પર બપોરે ૧૨.૫૦થી અને સ્ટાર સ્પોર્ટ્સ પર બપોરે ૧.૨૫થી માણવા મળશે.

ગગનને બીજા ૫૦ લાખનું ઇનામ

હૈદરાબાદમાં રહેતા શૂટર ગગન નારંગ માટે આંધ્ર પ્રદેશ સરકારે ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતવા બદલ ૫૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. સોમવારે હરિયાણા સરકારે ગગન માટે એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.

બૉક્સર દેવેન્દ્રો સિંહ ૩ મિનિટ અને ૪ સેકન્ડમાં જીત્યો : જુડોની પ્લેયર ૮૧ સેકન્ડમાં ૦-૧૦૦થી હારી

બૅડમિન્ટન

સોમવારે મોડી રાત્રે સિંગલ્સમાં વર્લ્ડ નંબર ફાઇવ સાઇના નેહવાલ બેલ્જિયમની લિએન ટૅનને ૨૭ મિનિટમાં ૨૧-૪, ૨૧-૧૪થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

સોમવારે મોડી રાત્રે મહિલા ડબલ્સમાં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની કૉમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ-મેડલિસ્ટ જોડીએ ગ્રુપ ‘બી’ની રાઉન્ડ રૉબિન મૅચમાં ચાઇનીઝ તાઇપેઈની વર્લ્ડ નંબર-૧૦ જોડી યુ ચિન ચિએન-વેન સિન્ગ ચેન્ગને ૨૫-૨૩, ૧૬-૨૧, ૨૧-૧૮થી હરાવીને બધાને આંચકો આપ્યો હતો.

ગઈ કાલે જ્વાલા ગુટ્ટા-વી. દિજુની જોડી મિક્સ્ડ-ડબલ્સની છેલ્લી ગ્રુપ મૅચમાં સાઉથ કોરિયાનાં જુન્ગ હા-યંગ લી સામે ૧૫-૨૧, ૧૫-૨૧થી પરાજિત થઈ હતી. આ સાથે જ્વાલા-દિજુની જોડી મિક્સ્ડ-ડબલ્સની સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.

પારુપલ્લી કશ્યપે સિંગલ્સમાં પોતાનાથી ચડિયાતી રૅન્કવાળા વિયેટનામના ટિએન મિન્હ ન્વીનને ૨૧-૯, ૨૧-૧૪થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વર્લ્ડ રૅન્કિંગ્સમાં કશ્યપની ૨૧મી અને ટિએનની ૧૧મી રૅન્ક છે.

બૉક્સિંગ

લૈશરામ દેવેન્દ્રો સિંહે ગઈ કાલે ઑલિમ્પિક્સમાં જોરદાર શરૂઆત કર્યો હતો. તેણે પોતાના પહેલા જ બાઉટમાં હૉન્ડુરસના બૅરોન ફિગ્વેરોને માત્ર ૩ મિનિટ ૪ સેકન્ડમાં હરાવી દીધો હતો અને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં દેવેન્દ્રોએ બૅરોન પર એટલું બધુ પ્રભુત્વ જમાવ્યું હતું કે એ રાઉન્ડની ૩૬ સેકન્ડ બાકી હતી ત્યારે રેફરીએ બૅરોનને વધુ માર ખાતો રોકીને દેવેન્દ્રોને વિજેતા જાહેર કરી દીધો હતો.

તીરંદાજી

રાહુલ બૅનરજીએ લૉર્ડ્સની ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં રાહુલ બૅનરજીએ મોંગોલિયાના યૅન્સ્ટાન ગૅન્ટગ્સને ૬-૦થી હરાવીને સેકન્ડ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

જયંત તાલુકદારે પુરુષોની ઇન્ડિજ્યુઅલ રીકર્વ ઇવેન્ટના પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના જેકબ વુકી સામે બહુ ખરાબ પર્ફોમ કર્યું હતું અને ૦-૬થી હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગયો હતો.

ચેક્રોવૉલુ સ્વુરો મહિલાઓની ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં અમેરિકાની જેનીફર નિકોલ્સ સામે ૫-૬થી હારી ગઈ હતી. બેસ્ટ-ઑફ-ફાઇવ સેટ્સમાં બન્નેના સ્કોર ૫-૫થી સરખા હતા. પ્રત્યેક સેટમાં હરીફે ત્રણ તીર છોડવાના હતા. ૫-૫ના સમાન સ્કોર પછીના વન-ઍરો શૂટ-ઑફમાં ચેક્રોવૉલુ નિશાન તાકવામાં નિષ્ફળ જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.

જુડો

વિશ્વમાં ૭૭મો નંબર ધરાવતી ગરિમા ચૌધરી નામની જુડો પ્લેયર ૬૩ કિલોની કૅટેગરીના ફસ્ર્ટ એલિમિનેશન રાઉન્ડમાં માત્ર ૮૧ સેકન્ડમાં જપાનની વર્લ્ડ ચૅમ્પિયન યોશી ઉએનો સામે ૦-૧૦૦ના માર્જિનથી હારી ગઈ હતી. ગરિમા આ ઑલિમ્પિક્સમાં સૌથી ઓછા સમયમાં હારી જનાર ભારતીય ઍથ્લીટ બની છે.

ટેનિસ

લિએન્ડર પેસ અને વિષ્ણુ વર્ધનની જોડીએ સોમવારે મોડી રાત્રે ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવ્યો હતો. તેમણે નેધરલૅન્ડ્સના જીન-જુલિયન રોજર અને રૉબિન હાસ સામે ૭-૧, ૪-૬, ૬-૨થી પરાજય આપ્યો હતો.

રોવિંગ

સ્વર્ણ સિંહે સિંગલ સ્ક્લ્ઝની ક્વૉર્ટર ફાઇનલમાં બે કિલોમીટરની રેસ ૭ મિનિટ ૧૧.૫૯ સેકન્ડમાં પૂરી કરતા ચોથા નંબર પર રહ્યો હતો અને સ્પર્ધાની બહાર થઈ ગયો હતો.

લાઇટવેઇટ ડબલ સ્ક્લ્ઝમાં સંદીપ કુમાર અને મનજિત સિંહ છ ટીમોના રેપેશાઝ રાઉન્ડમાં છેલ્લા નંબરે આવતાં સ્પર્ધાની બહાર થઈ ગયા હતા.

વેઇટલિફ્ટિંગ

કે. રવિ કુમાર નામનો વેઇટલિફ્ટર ગઈ કાલે ૬૯ કિલો કૅટેગરીમાં ૧૦-લિફ્ટર ગ્રુપ ‘બી’માં છઠ્ઠા નંબરે રહ્યો હતો અને એ સાથે આ રમતમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK