ચૅમ્પિયન્સ લીગમાં ન ફાવ્યા પણ ફરી IPLની ટ્રોફી જીતી બતાવીશું : કૅલિસ

Published: 23rd October, 2012 05:39 IST

ટુર્નામેન્ટના વિક્રમજનક ૯૯ રનના માર્જિનથી મેળવી જીત : દેબબ્રત દાસ મૅન ઑફ ધ મૅચકેપ ટાઉન: આઇપીએલની વિજેતા કલકત્તા નાઇટ રાઇડર્સે રવિવારે ચૅમ્પિયન્સ લીગમાંથી વિદાય થતાં પહેલાં છેક છેલ્લી લીગ મૅચમાં જીત માણી ત્યાર બાદ એના સ્ટાર-ઑલરાઉન્ડર જૅક કૅલિસે પત્રકારોને કહ્યું હતું કે ‘અમે આ ટુર્નામેન્ટમાં બે પરાજય સાથે ખરાબ શરૂઆત કરી એ વાત સાચી, પણ ત્યાર પછી અમે સારું પફોર્ર્મ કરતા ગયા હતા. પર્થ સ્કૉર્ચર્સ સામે અબે બહુ સારું રમ્યા હતા, પરંતુ કમનસીબે વરસાદને કારણે એ મૅચ પૂરી ન રમાઈ અને માત્ર બે પૉઇન્ટ મળતાં અમે સેમીની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. જોકે અમે આઇપીએલ ચૅમ્પિયન છીએ અને આવતા વર્ષે ફરી એ ટ્રોફી જીતીને અમારી તાકાત પુરવાર કરીશું.’

રવિવારે કલકત્તા નાઇટ રાઇડર્સનો સાઉથ આફ્રિકન ટીમ ટાઇટન્સ સામે ૯૯ રનથી વિજય થયો હતો. ચૅમ્પિયન્સ લીગના ચાર વર્ષના ઇતિહાસમાં વિજયનું આ સૌથી મોટું માર્જિન છે. આ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સે ૨૦૧૦ની સાલમાં સેન્ચુરિયનમાં વાયમ્બા સામે મેળવેલી જીતનું ૯૭ રનનું માર્જિન હાઇએસ્ટ હતું.

કલકત્તાની રવિવારની એકમાત્ર જીત સાથે ટુર્નામેન્ટના ગ્રુપ ‘એ’માં સેકન્ડ-હાઇએસ્ટ ૮ પૉઇન્ટ હોવા છતાં ટાઇટન્સનું ટકવું ભારે થઈ ગયું છે.

ગંભીર છ ફ્લૉપ પછી ફૉર્મમાં


કલકત્તા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન ગૌતમ ગંભીર સતત છ ઇનિંગ્સમાં ફ્લૉપ ગયા પછી રવિવારે સાતમી ઇનિંગ્સમાં સારું રમ્યો હતો.

ગંભીર (૪૪ રન, ૩૬ બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને બ્રેન્ડન મૅક્લમ (૩૬ રન, ૨૦ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે ૬૩ રનની ભાગીદારી થઈ હતી. ગંભીરે છેલ્લે ૨૩ સપ્ટેમ્બરે વ્૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે સારું પફોર્ર્મ કર્યું હતું. એમાં તેણે ૪૫ રન બનાવ્યા હતા. ત્યાર પછીની છ ઇનિંગ્સમાં તેના સ્કોર આ પ્રમાણે હતા : ૧૭, ૦, ૮, ૩૧, ૦ અને ૫.

યુસુફ પહેલા બૉલમાં આઉટ

૧૭ ઑક્ટોબરે પર્થ સ્કૉર્ચર્સ સામેની મૅચ વરસાદને કારણે પૂરી ન રમાતાં યુસુફ પઠાણે બૅટિંગ નહોતી કરવા મળી, પરંતુ રવિવારે તેને ક્રીઝ પર આવવાનો મોકો મળ્યો હતો, પરંતુ તે પહેલા જ બૉલમાં લેફ્ટી સ્પિનર રુલોફ વૅન ડર મર્વનો શિકાર થઈ ગયો હતો.

દાસના એક ઓવરમાં ૧૯ રન

કલકત્તા નાઇટ રાઇડર્સના મૅન ઑફ ધ મૅચ મિડલ-ઑર્ડર બૅટ્સમૅન દેબબ્રત દાસે (૪૩ નૉટઆઉટ, ૧૯ બૉલ, બે સિક્સર, છ ફોર) પેસબોલર અલ્ફૉન્સો થૉમસની એક ઓવરમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી ૧૯ રન ઝીંકી દીધા હતા. ઇનિંગ્સની એ ૧૮મી ઓવર હતી જેમાં ટોટલ પાંચ વિકેટે ૧૪૧ રન પરથી પાંચ વિકેટે ૧૬૦ રન પર પહોંચી ગયું હતું. ત્યાર પછી પેસબોલર કૉર્નીલીઅસ ડિવિલિયર્સની ૧૯મી ઓવરમાં દાસે સિક્સર-ફોરની મદદથી ૧૨ રન બનાવ્યા હતા.

બાલાજીની ૧૯ રનમાં ૪ વિકેટ


ટાઇટન્સ ૧૮૯ રનના ટાર્ગેટ સામે માત્ર ૮૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. એણે પ્રથમ વિકેટ ૨૪ રનના ટોટલ પર ગુમાવ્યા પછી ૫૧ રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્રણ સિવાય બાકીના કોઈ બૅટ્સમૅનો ડબલ-ડિજિટમાં રન નહોતા બનાવી શક્યા.

T20 વર્લ્ડ કપમાં બહુ સારું પફોર્ર્મ કરનાર કલકત્તા નાઇટ રાઇડર્સના પેસબોલર લક્ષ્મીપતિ બાલાજીએ ૧૯ રનમાં ૪ વિકેટ લીધી હતી. તેને તેની પ્રથમ ઓવરમાં હૅટ-ટ્રિકનો ચાન્સ હતો, પરંતુ નવા બૅટ્સમૅન ફરહાન બેહરદીને તેને સફળ નહોતો થવા દીધો. જોકે થોડી વાર પછી બેહરદીન તેના જ બૉલમાં આઉટ થયો હતો. સ્પિનરો ઇકબાલ અબદુલ્લા અને મનોજ તિવારીને બે-બે વિકેટ મળી હતી. જૅક કૅલિસ અને સુનીલ નારાયણ એક-એક વિકેટ લઈ શક્યા હતા. બ્રેટ લીને વિકેટ નહોતી મળી, પરંતુ તેની બે ઓવરમાં ફક્ત પાંચ રન બન્યા હતા.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK