ધોનીની ખોટ કોઈ ન પૂરી શકે : રાહુલ

Published: 26th November, 2020 16:31 IST | ANI | Sydney

ભારતીય ઓપનરે આગામી ત્રણ વર્લ્ડ કપ દરમ્યાન વિકેટકીપિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી

કે એલ રાહુલ
કે એલ રાહુલ

ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન કેએલ રાહુલે કહ્યું હતું કે વિવિધ પરિસ્થિતિમાં વિકેટકીપરે પોતાની ભૂમિકા કઈ રીતે ભજવવી એ ધોની જેવું કોઈ ન કરી શકે. આવતી કાલથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વન-ડે રમાવાની છે ત્યારે ધોનીએ ઑગસ્ટ મહિનામાં કરેલી નિવૃત્તિની ઘોષણા બાદ લોકેશ રાહુલ વિકેટકીપર-બૅટ્સમૅનની ભૂમિકા ભજવશે. ગઈ કાલે એક વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલે કહ્યું હતું કે ‘ધોનીનું સ્થાન કોઈ ન પૂરી શકે. વિકેટકીપર-બૅટ્સમૅને પોતાની ભૂમિકા કઈ રીતે ભજવવી એ વિશે ધોનીએ શીખવ્યું હતું. હું પણ સ્પિનરોને અલગ-અલગ પિચ પર કઈ લેન્થ પર બોલિંગ નાખવી એ શીખવીશ. ન્યુ ઝીલૅન્ડમાં રમાયેલી સિરીઝમાં આ કામ મેં કર્યું હતું.’
તાજેતરમાં પૂર્ણ થયેલી આઇપીએલમાં રાહુલે સારું ફૉર્મ બતાવ્યું હતું. તેણે કહ્યું હતું કે મારી બૅટિંગ પાવર-હીટિંગ નથી, પરંતુ મને મળેલી જવાબદારીને પૂરી કરવાનો પ્રયાસ હું કરું છું. તમે જેમ-જેમ અનુભવી બનતા જાઓ તેમ-તેમ તમારે વધુ સારા બનવાનું હોય છે. રોહિત શર્માની ગેરહાજરીમાં રાહુલને ભારતનો વાઇસ-કૅપ્ટન પણ બનાવાયો છે. આગામી ત્રણ વર્ષમાં ભારત ત્રણ વર્લ્ડ કપ રમશે, જેમાં બે ટી૨૦ અને એક વન-ડે વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. રાહુલે કહ્યું હતું કે ‘ટીમ બહુ આગળનું નથી વિચારતી. અમે માત્ર હાલની પરિસ્થિતિનો જ વિચાર કરીએ છીએ. મારી વાત કરું તો આ ત્રણ વર્ષ દરમ્યાન રમાનારી આઇસીસીની ત્રણેય ટુર્નામેન્ટમાં વિકેટકીપિંગ કરવાનું મને ગમશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK