પંજાબે ૧૪ કરોડમાં ખરીદેલો ઑસ્ટ્રેલિયન પેસ બોલર જાય રિચર્ડસન કહે છે...

Published: 20th February, 2021 14:53 IST | Gujarati Mid-day Correspondent | Christchurch

પહેલાં તો કોઈ નહીં ખરીદે એવો ડર લાગતો હતો, પણ હવે મોટી કિંમત મળી એનો ભરોસો નથી બેસતો

ઑસ્ટ્રેલિયાના યુવા ફાસ્ટ બોલર જાય રિચર્ડસનને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની હરાજીમાં પંજાબ કિંગ્સે અધધધ ૧૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ રિચર્ડસનને પોતાને આ વાતનો ભરોસો નથી બેસતો કે તેને માટે ફ્રૅન્ચાઇઝીઓ વચ્ચે સ્પર્ધા થઈ રહી હતી અને આટલી મોટી બોલી લગાવવામાં આવી હતી. આ વર્ષે બિગ બૅશ લીગમાં સૌથી વધારે વિકેટ લેનાર રિચર્ડસન હાલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝ માટે ક્રાઇસ્ટચર્ચની હોટેલમાં ક્વૉરન્ટીન છે અને ગુરુવારે આઇપીએલની હરાજી તેણે ટીવી પર જોઈ હતી.

આ વર્ષની આઇપીએલના મોંઘા ખેલાડીઓમાંના એક ૨૪ વર્ષના જાય રિચર્ડસને કહ્યું કે ‘જ્યારે મારું નામ બોલાયું ત્યારે મને લાગ્યું કે ૨૦ મિનિટ સુધી કોઈએ મારા માટે બોલી લગાડી નહીં, પછી કોઈકે બોલી લગાવી. ખરેખર તો ૫-૧૦ સેકન્ડ બાદ બોલી શરૂ થઈ ગઈ હતી, પણ મને એ પણ ઘણો લાંબો સમય લાગ્યો હતો. મને એવું લાગતું હતું કે જાણે હું ગઈ કાલે જ મૅચ રમ્યો હોઉં. મારા મનમાં અનેક પ્રકારની લાગણી જન્મી રહી હતી અને હું માનસિક રીતે થાક અનુભવી રહ્યો હતો. મને ભરોસો જ નહોતો બેસતો કે મારા માટે આટલી મોટી બોલી લગાવવામાં આવી છે. મારી લાગણીઓ મારા પર હાવી થઈ રહી હતી અને એવામાં તમે ભૂલી જાઓ છો કે વાસ્તવમાં શું થઈ રહ્યું છે. તમે ખરીદાયા છો કે નહીં એ માટે બે, ત્રણ કે ચાર વાર તમે વારંવાર તપાસો છો. એમાં થોડો સમય લાગે છે. હું હજી પણ એ ક્ષણ જીવી રહ્યો છું પણ એ સમયે હું એકદમ બ્લૅન્ક થઈ ગયો હતો. હું એ હરાજી જોઈ રહ્યો હતો, પણ એવું લાગતું હતું કે હું એ નથી જોઈ રહ્યો. બધું થઈ ગયા બાદ હું ઘણો ઉત્સાહી હતો.’

રિચર્ડસન ૨૦૧૭માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને અત્યાર સુધી બે ટેસ્ટ, ૧૩ વન-ડે અને ૯ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK