અમલા-કૅલિસની સદી પછી આફ્રિકાનો ધબડકો

Published: 12th November, 2012 05:43 IST

આફ્રિકન ઓપનરની સદીની હૅટ-ટ્રિક : પૉન્ટિંગ ખાતું પણ ખોલાવી ન શક્યોબ્રિસ્બેન: શનિવારનો ટેસ્ટનો બીજો દિવસ વરસાદે ધોઈ નાખ્યા પછી ગઈ કાલે સાઉથ આફ્રિકાએ જૅક કૅલિસ અને હાશિમ અમલાની સેન્ચુરી વડે ૪૫૦ રન બનાવ્યા હતા, જ્યારે ઑસ્ટ્રેલિયાએ મૉર્ન મૉર્કલ (૨૫ રનમાં બે) અને ડેલ સ્ટેઇન (૨૭ રનમાં એક)ના આક્રમણ સામે ૪૦ રનમાં ૩ વિકેટે ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. ઓપનર ઍડ કૉવન (અણનમ ૪૯) અને કૅપ્ટન માઇકલ ક્લાર્ક (અણનમ ૩૪) વચ્ચે ૭૧ રનની લડાયક ભાગીદારીએ બાજી સંભાળી લીધી હતી અને સ્કોરને દિવસના અંત સુધીમાં ૧૧૧ સુધી લઈ ગયા હતા. ઑસ્ટ્રેલિયા આફ્રિકાના સ્કોરથી હજી ૩૩૯ રન પાછળ છે અને એની સાત વિકેટે બાકી છે.

અમલાએ પૂરી કરી સદીની હૅટ-ટ્રિક


પહેલા દિવસની રમતના અંતે અમલા ૯૦ રન અને કૅલિસ ૮૪ રન સાથે અણનમ હતા. બીજો દિવસ ધોવાઈ ગયા પછી ગઈ કાલે બન્ને બૅટ્સમેનો સદી કરવામાં સફળ થયા હતા. અમલાએ ૯૯ના સ્કોર પર જેમ્સ પેટ્ટીસનના બૉલમાં બાઉન્ડરી ફટકારીને ટેસ્ટ-કરીઅરની ૧૭મી સેન્ચુરી પૂરી હતી. જોકે આ સાથે તેણે કાંગારૂઓ સામે સતત ત્રીજી ટેસ્ટમાં સેન્ચુરી ફટાકરીને હૅટ-ટ્રિક પણ પૂરી કરી હતી. અમલા ૧૦૪ના સ્કોર પર પીટર સિડલના બોલમાં એલબીડબ્લ્યુ આઉટ થઈ ગયો હતો. જો અમલાએ અમ્પાયરના નિર્ણય સામે અપીલ કરી હોત તો કદાચ બચી જાત. રીપ્લેમાં સ્પષ્ટ જણાતું હતું કે બૉલ સ્ટમ્સની ઉપરથી ગયો હતો.

રિકી પૉન્ટિંગ પાંચ જ બૉલ ટક્યો

૪૧ ટેસ્ટસદી સાથે સચિન અને કૅલિસ પછી ત્રીજા નંબરનો બૅટ્સમૅન રિકી પૉન્ટિંગ જોકે કૅલિસ જેવી કમાલ નહોતો બતાવી શક્યો અને પાંચમા બૉલમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો.

કૅલિસ સચિનની નજીક પહોંચ્યો

કૅલિસ પણ ટેસ્ટ-કરીઅરની ૪૪મી સદી ફટકારીને સચિન તેન્ડુલકરની ૫૧ સદીના રેકૉર્ડની નજીક આવી ગયો હતો. કૅલિસ આખરે ૧૪૭ રન બનાવીને ૩૭૪ના સ્કોર પર ચોથી વિકેટના રૂપમાં આઉટ થયા હતો. જોકે ત્યાર પછી આફ્રિકાનો ધબડકો થતાં બાકીની છ વિકેટો માત્ર ૭૬ રનમાં ગુમાવી દીધી દેતાં આખી ટીમ ૪૫૦ના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇન્જર્ડ જીન-પૉલ ડુમિનીએ બૅટિંગ નહોતી કરી. ઑસ્ટ્રેલિયા વતી પેટ્ટીસને ત્રણ તેમ જ બૅન હલ્ફેનહૉસ, સીડલ અને નૅથન લાયને બે-બે વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK