ખેલાડીઓ વચ્ચેની દુશ્મનાવટ ઓછી કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે આઇપીએલનું: સુનીલ ગાવસકર

Published: 12th December, 2020 16:29 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

ગાવસકર કહે છે કે ૨૦૦૮માં આઇપીએલ શરૂ થઈ એ પહેલાં ખેલાડીઓ વચ્ચે અવિશ્વસનીય અને હાસ્યાસ્પદ વેરભાવના જોવા મળતી હતી

સુનીલ ગાવસકર
સુનીલ ગાવસકર

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર સુનીલ ગાવસકરનું માનવું છે કે ખેલાડીઓ વચ્ચેની દુશ્મનાવટ ઓછી કરવામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. દેશ-વિદેશના ખેલાડીઓ આવી આ ટુર્નામેન્ટમાં સાથે રમતા હોવાથી અને સાથે સમય વિતાવતા હોવાથી આ શક્ય બન્યું છે.

ગાવસકરે કહ્યું કે ‘આ એક ખોટી માન્યતા છે કે તમારે એટલા નિષ્ઠુર બની જવું જોઈએ કે જ્યારે હરીફ ટીમનો કોઈ ખેલાડી હાફ-સેન્ચુરી કે સેન્ચુરી ફટકારે ત્યારે તમે તેની પ્રશંસા પણ ન કરો. તમે ઘણી વાર જોતા હશો કે આવા સમયે કેટલીક ટીમના ખેલાડીઓ તેમની પીઠ પાછળ હાથ રાખી દે છે અને તેમના માટે તાળીઓ પણ નથી પાડતા હોતા. મને એ કહેતાં ગર્વ થાય છે કે ભારતીય ટીમ એમાંની નથી. હાફ-સેન્ચુરી હોય કે સેન્ચુરી વખતે પ્લેયરની પ્રશંસા કરવામાં શું જાય છે? ઉપલબ્ધિ તો ઉપલબ્ધિ હોય છે અને તમારે એની પ્રશંસા કરવી જોઈએ. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આઇપીએલે ખેલાડીઓ વચ્ચે દુશ્મનાવટ ઓછી કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.’

ગાવસકર કહે છે કે ૨૦૦૮માં આઇપીએલ શરૂ થઈ એ પહેલાં ખેલાડીઓ વચ્ચે અવિશ્વસનીય અને હાસ્યાસ્પદ વેરભાવના જોવા મળતી હતી.

ગાવસકરે વધુમાં કહ્યું હતું કે ‘મને ખબર છે કે લોકો જૂના દિવસોને ખૂબ જ પસંદ કરતા હોય છે. અમારા દિવસોમાં એવી પરિસ્થિતિ હતી કે દિવસની રમત પૂરી થયા બાદ બૅટિંગ કરનારી ટીમના પ્લેયર્સ હંમેશાં ફીલ્ડિંગ કરનારી ટીમના ડ્રેસિંગ રૂમમાં ડ્રિંક્સ લેવા જતા હતા. રમતના મેદાનમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળતી હતી, પણ સાંજ બધા હળીમળીને માણતા હતા.’

ભારત વતી ૧૨૫ ટેસ્ટ અને ૧૦૮ વન-ડે રમનાર ગાવસકરે છેલ્લે ક્રિકેટની ભવાના અંગે તેમના વિચારો રજૂ કરતાં કહ્યું હતું કે ‘ક્રિકેટની ભાવના એટલે કોઈ પણ પ્રકારની બેઇમાની વિશે વિચાર્યા વગર તમે પૂરા જુસ્સાથી રમો. એવી પણ ધારણા છે કે જ્યાં તમે ફક્ત ક્રિકેટની રમતને માણવા માગો છો. તમે પૂરા જુસ્સાથી રમી શકો છો, પણ ઉચિત એ છે કે તમે તમારી જાણકારી મુજબ ખોટું કે બેઇમાનીનો ગેરલાભ ન ઉઠાવો. તમને લાગે કે બૉલ બૅટને અડીને ગયો છો તો તમે મેદાન છોડીને જઈ શકો છો અથવા તમને ખબર છે કે બૅટ્સમૅન આઉટ નથી તો તમારે અપીલ ન કરવી જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK