IPL 2020 : શું દિલ્હીના દાવ સામે કલકત્તા કરશે કમાલ?

Updated: Oct 03, 2020, 14:54 IST | Agencies | Mumbai

પૉઇન્ટ-ટેબલ પર ટૉપ-થ્રીમાં રહેલા ઐયરના જાંબાઝ સામે કાર્તિકના ધુરંધરો વચ્ચે જોવા મળશે બરોબરની ટશનઃ પંત અને રસેલ પર સૌકોઈની રહેશે નજર

શું દિલ્હીના દાવ સામે કલકત્તા કરશે કમાલ?
શું દિલ્હીના દાવ સામે કલકત્તા કરશે કમાલ?

વીક-એન્ડનો ભરપૂર લાભ ઉઠાવવાના લક્ષ્યથી આજથી આઇપીએલમાં વીક-એન્ડમાં ડબલ હેડર એટલે કે બે મૅચ રમાવાની શરૂઆત થઈ રહી છે જેમાં દિવસની બીજી મૅચ દિલ્હી કૅપિટલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે શાહજાહમાં રમાવાની છે. બન્ને ટીમ ગઈ કાલની મૅચ પહેાં પૉઇન્ટ-ટેબલ પર અનુક્રમે +૦.૪૮૩ અને +૦.૧૧૭ના રનરેટ સાથે બીજા અને ત્રીજા ક્રમે હતી. ટુર્નામેન્ટમાં બન્ને ટીમ ત્રણ-ત્રણ મૅચ રમી છે અને બે-બે મૅચ પોતાના નામે કરવામાં સફળ રહી છે.
રસેલ અને પંત પર નજર
આન્દ્રે રસેલે રાજસ્થાન સામે ત્રણ ગગનચુંબી સિક્સર ફટકારીને તેના ફૉર્મની ઝલક બતાવી હતી અને આજે હવે દિલ્હી સામે તે પૂર્ણપણે ખીલે એવી અપેક્ષા કલકત્તા ટીમ રાખી રહી હશે. બીજી તરફ દિલ્હીનો વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત મિડલ ઑર્ડરમાં સારું પર્ફોર્મ કરી રહ્યો છે. શારજાહના આ બૅટ્સમેનો માટેના ર્સ્વગ પર પંતને તેની નૅચરલ ગેમ રમવાનો સુર્વણ મોકો છે. હા, એમ કહી શકાય કે આજે રસેલ કરતાં પંત પર પરાક્રમ કરવાનું પ્રેશર વધુ હશે, કારણ કે તેના હરીફો અને વિકેટકીપર બૅટ્સેમૅન લોકેશ રાહુલ, ઈશાન કિશન અને સંજુ સૅમસન જબરા ફૉર્મમાં છે અને મેદાન ગજાવી રહ્યા છે. પંતે હરીફાઈમાં ટકી રહેવા માટે શારજાહના નાના મેદાનમા મોટો ધડાકો કરવો પડશે. શારજાહના ગ્રાઉન્ડની શૉર્ટ બાઉન્ડરીનો લાભ કલકત્તાના શુભમન ગિલ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ કે ઓઇન મૉર્ગન તેમ જ દિલ્હીનો રિષભ પંત, શિખર ધવન, પૃથ્વી શૉ, માર્ક્સ સ્ટૉઇનિસ કે કૅપ્ટન શ્રેયસ ઐયરમાંથી કોણ લેશે એના પર સૌકોઈની નજર હશે.
યુવા પ્લેર્સની થશે પરીક્ષા
કલકત્તાના કમલેશ નાગરકોટી અને શિવમ માવી રાજસ્થાન સામે છવાઈ ગયા હતા. કલકત્તાનો ઓપનર શુભમન ગિલ ટીમ માટે મોટા સ્કોરનું પ્લૅટફૉર્મ બરાબર તૈયાર કરી રહ્યો છે. દિલ્હીની વાત કરીએ તો પૃથ્વી શૉ ચમકારો બતાવે છે, પણ કોઈ મોટો વિસ્ફોટ હજી નથી કરી શક્યો. રિષભ પંતની ટીમ ઇન્ડિયામાં સ્થાન માટેની હરીફાઈ વધી રહી છે.
બન્ને ટીમની ચિંતા
કલકત્તા માટે સુનીલ નારાયણ ઓપનર તરીકે ખાસ કોઈ કમાલ નથી બતાવી શક્યો. જોકે આજે શારજાહના મેદાનમાં તેને માટે કમાલ કરવાની તક છે. નારાયણ બોલિંગમાં હજી પણ એટલો જ અસરકારક છે. નારાયણ, રસેલ, મૉર્ગન અને કમિન્સ વિદેશી માટેની ચાર જગ્યા બરાબર પકડીને બેસી ગયા હોવાથી ટૉમ બેન્ટન જેવા આક્રમક બૅટ્સમૅનને મોકો નથી આપી શકાતો. દિલ્હી માટે ઓપનરોનો અસાતત્યભર્યો પર્ફોર્મન્સ છે એ ઉપરાંત શેમરન હૅટમાયરનો સાધારણ પર્ફોર્મન્સ છે. બીજું તેમના પેસ બોલરોની લેન્ગ્થ બૉલની લહાણી આજે શારજાહના મેદાનમાં નડી શકે છે અને બોલિંગ-કોચ રાયન હૅરિસે આજે એનો કોઈક રસ્તો કાઢવો પડશે.

છેલ્લી ચાર મૅચમાં દિલ્હી ત્રણ જીત્યું

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ ૨૪ ટક્કર થઈ છે એમાંથી ૨૦૦૮માં એક મૅચ ધોવાઈ ગઈ હતી. દિલ્હીના ૯ વિજય સામે કલકત્તાએ ૧૩ જીત સાથે પેતાનો દબદબો જાળવી રાખ્યો છે. જોકે છેલ્લા ચાર મુકાબલામાં દિલ્હીએ ૩ મૅચ જીતીને છેલ્લી બે સીઝનમાં કલકત્તા પર પલટવાર કર્યો છે. ગઈ સીઝનના બન્ને મુકાબલા દિલ્હી જ જીત્યું હતું. એમાંથી એક મૅચ રોમાંચક રીતે ટાઇ થઈ હતી અને આખરે સુપરઓવરમાં કેગિસો રબાડાએ વિજય અપાવ્યો હતો. ૨૦૧૪માં દુબઈનો જંગ પણ દિલ્હી ચાર વિકેટથી જીત્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK