IPL 2020:બૅન્ગલોરને આજે ડર યુનિવર્સલ બૉસનો

Published: 15th October, 2020 14:44 IST | PTI | Sharjah

પંજાબ આજે આખરે કૅરિબિયન જાયન્ટ ક્રિસ ગેઇલને મેદાનમાં ઉતારવા તૈયાર, રાહુલ ઍન્ડ કંપનીની આ સીઝનની એકમાત્ર જીત વિરાટસેના સામે જ મળી છે ઃ વિરાટના વીરો પણ આજે બદલો લઈને વિજયકૂચ જાળવી રાખવા તત્પર

ક્રિસ ગેઇલ
ક્રિસ ગેઇલ

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે શારજાહના નાના મેદાનમાં કિંગ્સ અને રૉયલ્સ વચ્ચે રણસંગ્રામ જામવાનો છે. કિંગ્સ ઇલેવન પંજાબ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેનો આ મુકાબલો બન્ને ટીમમાં હાર્ટ હિટરોને જોતાં ભારે રોમાંચક રહેવાની સંભાવના છે.
બન્ને ટીમ વચ્ચેની આ સીઝનની પ્રથમ ટક્કરમાં પંજાબે બૅન્ગલોરને ૯૭ રનથી રનની દૃષ્ટિએ હાઇએસ્ટ માર્જિનથી હરાવ્યું હતું. પંજાબમાં આ સીઝનનો આ એકમાત્ર વિજય છે. આ વિજય બાદ પંજાબ લગાતાર પાંચ મૅચ
હારી ગઈ છે અને આજે એ જ વિજયમાંથી પ્રેરણા લઈને રાહુલ ઍન્ડ કંપની હારની હારમાળા અટકાવીને
જીતનું જશશન મનાવવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઊતરી શકે છે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ ૨૫ ટક્કર છે જેમાંથી પંજાબ ૧૩ અને બૅન્ગલોર ૧૨ જીત્યું છે.
બૅન્ગલોર બદલો લેવા તત્પર
બૅન્ગલોર એ મસમોટા પરાજયનો બદલો લઈને આજે પંજાબની પરેશાની વધારવા તત્પર છે. બૅન્ગલોર પણ લાંબા સમય બાદ અેક બૅલૅન્સ ટીમ જણાઈ રહી છે અને સાત મૅચમાંથી પાંચ જીત સાથે એણે ટૉપ ફોરમાં સ્થાન જાળવી રાખ્યું છે. બીજી તરફ બૅન્ગલોરે પંજાબ સામે છેલ્લી પાંચ મૅચમાંથી ચારમાં વિજય મેળવ્યો છે અને અે જ દબદબો કાયમ રાખવાના મક્કમ નિર્ધાર સાથે વિરાટસેના
મેદાનમાં ઊતરશે. પંજાબ સામેની એ ટક્કરમાં વિરાટે પંજાબના કૅપ્ટન રાહુલને બે વાર જીવતદાન આપ્યું હતું અને અે જ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ બની ગયો હતો.
ગેઇલ ગાજશે શારજાહમાં?
પંજાબે શરૂઆતમાં નિકોલસ પૂરનને અજમાવવા ક્રિસ ગેઇલને આરામ આપ્યો અને ત્યાર બાદ ફૂડ-પૉઇઝનિંગને લીધે હૉસ્પિટલાઇઝ થતાં તે રમી નહોતો શક્યો. હવે તે સંપૂર્ણ ફિટ થઈ ગયો હોવાથી પંજાબ આજે વધુ રાહ જોવા વગર યુનિવર્સબ બૉસને મેદાનમાં ઉતારશે. ગેઇલ અને પંજાબ મૅનેજમેન્ટ બન્નેએ ગેઇલ રમવાનો હોવાનો ઇશારો આપી દીધો હતો. ગેઇલ ૨૦૧૧થી ૨૦૧૭ દરમ્યાન બૅન્ગલોર વતી ૮૫ મૅચ રમી ચૂક્યો છે, જેમાં તેણે પાંચ સેન્ચુરી અને ૧૯ હાફ સેન્ચુરી સાથે ૩૧૬૩ રન બનાવ્યા હતા, જેમાં અણનમ ૧૭૫ રન હાઇઅેસ્ટ હતા. જોકે ત્યાર બાદ બૅન્ગલોરે ગેઇલનો સાથ છોડી દેતાં તે પંજાબમાં આવી ગયો હતો. હવે આજે ગેઇલ તેની ભૂતપૂર્વ ટીમ સામે કેવો ગાજે છે અેના પર સૌની નજર રહેશે. ગેઇલ ગાજ્યો તો શારજાહના નાના મેદાનમાં તેને રોકવો મુશ્કેલ છે અે બૅન્ગલોર બરાબર જાણે છે અેટલે તેમને આજે ડર યુનિવર્સલ બૉસનો રહેવાનો અને તેને નાથવાની સ્ટ્રૅટેજી ઘડીને જ આવશે.
પંજાબ ગેઇલને કોની જગ્યાઅે ટીમમાં સ્થાન આપવું અે પણ મૂંઝવણભર્યો પ્રશ્ન હશે. ગ્લેન મૅક્સવેલ, ક્રિસ જૉર્ડન કે મુજીબુર રહમાનમાંથી અેકને બહાર બેસાડવો પડે. નિકોલસ પૂરન બરાબર ખીલી રહ્યો હોવાથી તેને બહાર
કરવાનું રિસ્ક પંજાબ નહીં લે. મૅક્સવેલ હજી સુધી સાવ ફ્લૉપ રહ્યો છે, પણ તે ચાલ્યો તો અેકલા હાથે મૅચ જિતાડી શકે અેમ છે.

બન્નેના પ્લસ-માઇનસ

પંજાબ મોટા ભાગે તેના ઓપનર લોકેશ રાહુલ અને મયંક અગરવાલ પર જ ડિપેન્ડ છે. ટીમ પૉઇન્ટ-ટેબલ પર છેલ્લા નંબરે છે, પણ રાહુલ-મયંક રન બનાવવાના લિસ્ટમાં ટૉપમાં છે. પૂરન પણ યોગ્ય સાથ આપી રહ્યો છે. જોકે મૅક્સવેલની નિષ્ફળતા તેમને નડી રહી છે. બોલિંગમાં પણ મોહમદ શમી અને રવિ બિશ્નોઈ સિવાય કોઈ અસરકારક નથી. અર્શદીપ સિંહ છેલ્લી મૅચથી ધ્યાન ખેંચી રહ્યો છે. ક્રિસ જૉર્ડન, મુજીબુર રહમાન થોડા મોંઘા પડી રહ્યા છે. શેલ્ડન કૉટ્રેલ અસાતત્યભર્યો રહ્યો છે. બીજી તરફ બૅન્ગલોરમાં સૌથી બૅલૅન્સ ટીમ લાગી રહી છે. ઍરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિવમ દુબ બૅટિંગનો ભાર અને યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ મૉરિસ, નવદીપ સૈની અને વૉશિંગ્ટન સુંદર બોલિંગનો ભાર સુપેરે ઉપાડી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK