કલકત્તા નાઇટ રાઇડર્સને ધોબીપછાડ આપ્યા બાદ કિંગ્સને ઝુકાવવા પલટન તૈયાર

Published: Oct 18, 2020, 10:55 IST | Mumbai correspondent | Mumbai

શુભમન ગિલ કલકત્તા માટે રન કરી રહ્યો છે, પણ દરેક મૅચમાં તેની શરૂઆત ધીમી હોય છે. આઠ મૅચમાં તેણે કલકત્તા માટે ૨૭૫ રન કર્યા છે, પણ તેનો સ્ટ્રાઇક-રેટ ફક્ત ૧૧૬.૫૩ છે.

કલકત્તા નાઇટ રાઇડર્સને ધોબીપછાડ આપ્યા બાદ કિંગ્સને ઝુકાવવા પલટન તૈયાર
કલકત્તા નાઇટ રાઇડર્સને ધોબીપછાડ આપ્યા બાદ કિંગ્સને ઝુકાવવા પલટન તૈયાર

કલકત્તા નાઇટ રાઇડર્સને શુક્રવારે રાતે ધમરોળ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સ આજે હજી એક મોટા માર્જિનથી કિંગ્સ ઇલેવન પંજાબને હરાવીને આઇપીએલ ૨૦૨૦માં પોતાની સર્વોપરિતા સાબિત કરવામાં સફળ થશે અને પોતાની સતત પાંચમી મૅચની અવિરત વિજયકૂચ ચાલુ રાખશે એમાં કોઈ શક નથી.
મુંબઈ ઇન્ડિયન્સ એક જ એવી ટીમ છે જેણે આ સીઝનમાં અત્યાર સુધી ફક્ત ૧૩ જ ખેલાડીઓને અજમાવ્યા છે. બાકી બધી ટીમમાં ફેરફાર જોવા મળ્યા છે. આને લીધે મુંબઈની પલટન આઠ ટીમમાં સૌથી વધારે એકજૂટ લાગી રહી છે.
શુક્રવારે રાતે મુંબઈના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને કલકત્તાની ટીમને ૧૪૮ રન જ કરવા દીધા. મૅચની શરૂઆતમાં થોડું સ્વિંગ મળતું હતું અને એનો ફાસ્ટ બોલરોએ પૂરેપૂરો ઉપયોગ કરી પાવરપ્લેમાં કલકત્તાની બે વિકેટ ખેરવી હતી.
પિચ ધીમી હતી અને એનો લાભ રાહુલ ચાહરે લીધો અને બે બૉલમાં શુભમન ગિલ અને દિનેશ કાર્તિકની વિકેટ લઈને ખરેખરા અર્થમાં રમતને મુંબઈની બાજુ ફેરવી નાખી હતી. શુભમન ગિલ કલકત્તા માટે રન કરી રહ્યો છે, પણ દરેક મૅચમાં તેની શરૂઆત ધીમી હોય છે. આઠ મૅચમાં તેણે કલકત્તા માટે ૨૭૫ રન કર્યા છે, પણ તેનો સ્ટ્રાઇક-રેટ ફક્ત ૧૧૬.૫૩ છે. ઓપનરની આ ધીમી શરૂઆત કલકત્તાને ભારે પડી જાય છે.
યુએઈમાં રમાઈ રહેલી આઇપીએલમાં કલકત્તાએ ઘણા રાઇડર્સ બદલ્યા છે. ટીમે બૅટિંગ-ઑર્ડર પણ સતત બદલ્યા કર્યો છે. મુંબઈ સામેની મૅચ પહેલાં કૅપ્ટન પણ બદલી નાખ્યો. જાહેર છે કે આની અસર ટીમ પર ખાસ કરીને યુવા ખેલાડીઓ પર પડે છે. મુંબઈ સામેના કારમા પરાજયમાં આ આંખે ઊડીને દેખાતું હતું. ક્રિકેટનું ઊંડું જ્ઞાન ધરાવતા હોય એવા માલિકોની દખલઅંદાજી કલકત્તાને ભૂતકાળમાં પણ નડી છે અને આ વખતની આઇપીએલમાં એ સ્પષ્ટ દેખાય છે.
કલકત્તાએ પોતાના ઘરને વહેલી તકે ઠેકાણે પાડવું પડશે, કારણ કે હજી પણ તેમની પાસે પ્લેઑફમાં આવવાની શક્યતા છે.
બીજી બાજુ મુંબઈની ટીમના સિલેક્શનમાં ન તો કોઈ ચંચુપાત હોય છે અને ન તો તેમની બૅટિંગ-ઑર્ડર સાથે કોઈ છેડછાડ થતી હોય છે. પરિણામે એક થઈને પલટન કોઈને પલટવાર કરવા જ નથી દેતું. એક નહીં તો બીજો ટીમની વહારે દોડી આવે છે.
કલકત્તાની મૅચ સામે વિજયના લક્ષ માટેના ૧૪૯ રનમાંથી અડધોઅડધ રન તો ક્વિન્ટન ડિકૉકે કર્યા અને એ જ્યારે પૂરા ફૉર્મમાં રમતો હોય તો ટીમના બાકી બધા ખેલાડીઓ સહાયકનો રોલ ખુશી-ખુશી નિભાવતા હતા. આ જ ટીમ માટે કરી છૂટવાનો જુસ્સો છે જે મુંબઈને છઠ્ઠા આઇપીએલ ખિતાબ તરફ લઈ જઈ રહ્યું છે.
આજની મૅચ અને શુક્રવારના પ્રતિસ્પર્ધીઓમાં ખૂબ સામ્ય છે. કિંગ્સ ઇલેવન પંજાબ પણ એક સ્થિર ઇલેવન માટે ઝઝૂમી રહ્યું છે અને અનિલ કુંબલે જેવા સારથિ સાથે હોવા છતા પંજાબનો અર્જુન એટલે કે રાહુલ કંઈ કરી નથી શકતો. રાહુલ અને મયંક અગરવાલ કિંગ્સને સજ્જડ શરૂઆત આપે છે, પણ પછીથી થતા ધબડકાને લીધે પંજાબ ફક્ત બે જ મૅચ જીતીને આઠ ટીમની લીગમાં છેલ્લા સ્થાને છે.
ટોચ પર બિરાજમાન થયેલા મુંબઈ ઇન્ડિયન્સ સામે આજે જ્યારે પંજાબની ટીમ ઊતરશે ત્યારે રોહિતની પલટનનું મનોબળ કઇઈક ગણું વધારે હશે અને તેમની વિજયકૂચને રોકવાની ક્ષમતા પંજાબમાં નથી.
મુંબઈના અશ્વમેધના અશ્વની કુચ વિનાવિઘ્ન ચાલુ રહેશે અને આજે પંજાબ સામે વિજયની સિક્સર ફટકારશે એમાં કોઈ શક નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK