IPL 2020: હારને ભૂલીને નવેસરથી શરૂઆત કરવી પડશે હૈદરાબાદ-કલકત્તાએ

Published: 26th September, 2020 07:24 IST | Gujarati Mid-day Correspondent | Abu Dhabi

વૉર્નરસેના બૅન્ગલોર સામે અને કાર્તિક ઍન્ડ કંપનીએ મુંબઈ સામે પરાજયથી સીઝનની શરૂઆત કરી છે અને આજે એ પછડાટને ભૂલીને તેઓ કમબૅકના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે

દિનેશ કાર્તિક અને ડેવિડ વૉર્નર
દિનેશ કાર્તિક અને ડેવિડ વૉર્નર

આજે આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કર જામવની છે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે. બન્ને ટીમે આ સીઝનની શરૂઆત હાર સાથે કરી છે. હૈદરાબાદનો બૅન્ગલોર સામે ૧૦ રનથી અને કલકત્તાનો ચૅમ્પિયન મુંબઈ સામે ૪૯ રનથી પરાજય થયો હતો. હવે બન્ને તેમની આ બીજી મૅચમાં પહેલા પરાજયમાંથી બોધપોઠ લઈને આજે નવી સ્ટ્રૅટેજી સાથે કમબૅક કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.

રસેલ-મૉર્ગન વર્સસ વૉર્નર-બેરસ્ટો

આજે અબુ ધાબીમાં ચોગ્ગા-છગ્ગાના વરસાદની આશા ક્રિકેટપપ્રેમીઓ રાખી રહ્યા છે. લિમિટેડ ઓવર અને ખાસ કરીને ટી૨૦ના હાલના બેસ્ટ ખેલાડીઓમાં જેનો સમાવેશ કરી શકાય એવા બળિયા બાથે ભિડાવાના છે. કલકત્તાની ટીમના સુપરસ્ટાર આન્દ્રે રસેલ અને ઇગ્લૅન્ડનો વર્લ્ડ કપ વિનર કૅપ્ટન ઓઇન મૉર્ગન અને હૈદરાબાદનો કૅપ્ટન ડેવિડ વૉર્નર તથા તેનો સાથી ઓપનર જૉની બેરસ્ટો ભલભલા બોલરોના ભુક્કા બોલાવી દેવાને સમર્થ છે.

આજે ટી૨૦ના બે સ્ટાર રસેલ અને નંબર-વન બોલર રાશિદ ખાનની ટક્કર પણ રોમાંચક રહેશે. બૅટિંગમાં બન્ને ટીમ એકસરખી દેખાય છે, પણ હૈદરાબાદનું બોલિંગ-અટૅક કલકત્તા કરતાં વધુ અસરકારક લાગી રહ્યું છે. ભુવનેશ્વરકુમાર, રાશિદ ખાન, મોહમ્મદ નબી, વિજય શંકર કે અભિષેક શર્મા કલકત્તાના બૅટવીરોને કાબૂમાં રાખી શકે છે. કલકત્તા વતી સુની લ નારાયણ અને શિવમ માવી ફ્રન્ટલાઇન રહેશે, જ્યારે ૧૫.૫૦ કરોડવાળો પૅટ કમિન્સ આજે તેનો વર્લ્ડ ક્લાસ બતાવવા આતુર હશે. રસેલે પણ મુંબઈ સામે બોલિંગ-ફૉર્મ બતાવ્યું હતું.

હૈદરાબાદમાં એકાદ-બે બદલાવ થાય

કલકત્તા મોટા ભાગે એની પહેલી મૅચની પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી શકે છે અને કૅપ્ટન દિનેશ કાર્તિક પણ એક જ મૅચની હાર બાદ ખેલાડીને જજ કરવાના મૂડમાં નથી. બીજી તરફ હૈદરબાદમાં એકાદ-બે બદલાવ જોવા મળી શકે છે. ઇન્જર્ડ થઈને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા મિચલ માર્શની જગ્યાએ ફિટ હશે તો
કેન વિલિયમસન અથવા મોહમ્મદ નબીનો સમાવેશ કરી શકે છે.

કલકત્તા ૧૦, હૈદરાબાદ ૭

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં કુલ ૧૭ ટક્કર થઈ છે, જેમાંથી સૌથી વધુ ૧૦માં કલકત્તાએ જીત મેળવી છે અને હૈદરાબાદે ૭ મૅચમાં વિજય મેળવ્યો છે. ગયા વર્ષે બન્ને ટીમ વચ્ચેની ટક્કરમાં પહેલીમાં કલકત્તાનો અને બીજીમાં હૈદરાબાદનો વિજય થયો હતો. ગઈ સીઝનમાં પ્લેઑફની રેસમાં બન્ને ટીમો વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી હતી. હૈદરાબાદ અને કલકત્તા બન્નેની ૬ જીત અને ૮ હાર સાથે એકસરખી હાલત હતી અને બન્નેના ૧૨-૧૨ પૉઇન્ટ હતા. જોકે કલકત્તાના રનરેટ ૦.૦૨૮ સામે હૈદરાબાદનો રનરેટ ૦.૫૭૭ બહેતર હોવાથી વૉર્નર ઍન્ડ કંપની પ્લેઑફમાં પહોંચી ગઈ હતી.

કાર્તિક ફેલ થશે તો મૉર્ગન ફાવી જશે

ગઈ સીઝનમાં કલકત્તાની ટીમ પ્લેઑફમાં ન પહોંચી શકી એ માટે દિનેશ કાર્તિકની કૅપ્ટન્સીને ઘણા લોકો જવાબદાર ગણતા હતા. રસેલ જેવા ખેલાડીનો યોગ્ય સમયે ઉપયોગ ન કરી શકવાને લીધે કલકત્તાએ બે-ત્રણ મૅચ ગુમાવવી પડી અને ટીમને એ ભારે પડી ગયું હતું. આ વખતે પણ પહેલી મૅચમાં મુંબઈ સામે કલકત્તા જીતના કોઈ ઇરાદા વિના રમી રહી હોવાની જણાતું હતું અને રસેલને ફરી મેદાનમાં મોડો ઉતાર્યો હતો એથી ચર્ચા થવા લાગી છે કે કલકત્તાનું મૅનેજમેન્ટ જો કાર્તિક વધુ એકાદ-બે મૅચમાં ફેલ જશે તો અનુભવી, અગ્રેસિવ અને ઇંગ્લૅન્ડના વર્લ્ડ કપ વિનર કૅપ્ટન ઓઇન મૉર્ગનને જવાદબારી સોંપી દેવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK