IPL 2020: વિદેશીઓ જોરમાં તો રાજસ્થાન જોશમાં

Published: 18th September, 2020 14:31 IST | IANS | Dubai

સ્મિથ, આર્ચર, બટલર, મિલર અને સ્ટોક્સ ચમકારો બતાવશે તો પ્રથમ સીઝનનું ચૅમ્પિયન આ વખતે ફરી ટ્રોફી જીતી શકે છે ઃ યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ પર પણ રહેશે સૌની નજર

આ વિવિધ દેશી-વિદેશી પ્લેયરો સાથે મળીને રાજસ્થાનની ખોવાયેલી રૉયલનેસ પાછી લાવવામાં કેટલા સફળ થાય છે જોવું રહ્યું.
આ વિવિધ દેશી-વિદેશી પ્લેયરો સાથે મળીને રાજસ્થાનની ખોવાયેલી રૉયલનેસ પાછી લાવવામાં કેટલા સફળ થાય છે જોવું રહ્યું.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૨૦૦૮માં રમાયેલી સીઝનમાં શેન વૉર્નના નેતૃત્વમાં ચૅમ્પિયન બનીને રાજસ્થાન રૉયલ્સે ધમાકેદાર એન્ટ્રી મારી હતી. જોકે પ્રથમ ચૅમ્પિયનના બહુમાન બાદ રાજસ્થાન ટીમ ફસડાઈ પડી અને ત્યાર બાદ ૧૧ સીઝનમાં ક્યારેય ફાઇનલ સુધી નથી પહોંચી
શકી. આ ટીમની પહેલેથી ખાસિયત રહી છે કે એમાં સારા એવા વિદેશી પ્લેયરોનો સમાવેશ થતો રહ્યો છે. આ વર્ષે ઑસ્ટ્રેલિયાના ધાકડ બૅટ્સમૅન સ્ટીવન સ્મિથના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમ રમતી જોવા મળશે, જેમાં તેની સાથે જોસ બટલર, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, ઍન્ડ્રુ ટાય, ટૉમ કરેન, ઓસેન થોમસ વગેરે ફૉરેનર્સનો સમાવેશ છે.
રાજસ્થાને વિદેશીઓ સાથે ભારતીય યુવા અને અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરીને યોગ્ય ટીમ બૅલૅન્સનો પ્રયાસ કર્યો છે. અનુભવી સંજુ સૅમસન, રૉબિન ઉથપ્પા, વરુણ ઍરોન અને જયદેવ ઉનડકટ સાથે યુવા સ્ટાર બૅટ્સમૅન અને અન્ડર-19 વર્લ્ડ કપના સુપરસ્ટાર યશસ્વી જયસ્વાલ સાથે શ્રેયસ ગોપાલ, મયંક માર્કંડે, રિયાન પરાગ વગેરેને તેમની ટૅલન્ટ બતાવવાનું પ્લૅટફૉર્મ અપાયું છે.
વર્ષો સુધી કલકત્તા ટીમનો આધારસ્તંભ રહ્યા બાદ રૉબિન ઉથપ્પા પણ હવે નવી ટીમ સાથે તેની કમાલ બતાવી ઇન્ડિયન ટીમમાં સ્થાન મેળવવા આતુર છે.  જોફ્રા આર્ચર જે સતત બાયો સિક્યૉર બબલમાં રહીને કંટાળી ગયો છે તેના પર ટીમના બોલિંગ ડિપાર્ટમેન્ટનો મોટા ભાગનો ભાર રહી શકે છે. તેને ઉનડકટ, ગોપાલ, ટાય, ઍરોન વગેરેનો સાથ મળી રહેશે.
આ વિવિધ દેશી-વિદેશી પ્લેયરો સાથે મળીને રાજસ્થાનની ખોવાયેલી રૉયલનેસ પાછી લાવવામાં કેટલા સફળ થાય છે જોવું રહ્યું.
પ્લસ પૉઇન્ટ
રાજસ્થાનની ટીમનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે એનો ટૉપ ઓર્ડર, જે ખરેખર દમદાર છે. ઓપનિંગની જવાબદારી જોસ બટલર પર છેે, જ્યારે તેની સામે અન્ય ઓપનર તરીકે રમવાની તક રૉબિન ઉથપ્પા અથવા યશસ્વી જયસ્વાલને મળી શકે છે. આ ત્રણ બૅટ્સમેન બાદ પણ ખુદ સ્ટીવન સ્મિથ, સંજુ સૅમસન ટીમના સ્કોરને આગળ વધારવામાં મદદ કરી શકે છે. વળી બોલિંગ ડિપાર્ટમેન્ટમાં શ્રેયસ ગોપાલ જેની આઇપીએલમાં સ્ટ્રાઇક રેટ ૧૫.૫૦ છે તે ગેમ ચેન્જર પ્લેયર સાબિત થવાની ક્ષમતા ધરાવે છે.
માઇનસ પૉઇન્ટ
આમ તો ટીમ માટે ચિંતાનો કોઈ પ્રશ્ન નથી, પણ જો રન ચેઝ કરવાની વારી આવી તો ફિનિશર તરીકેની જવાબદારી કોણ નિભાવશે એ પ્રશ્ન ટીમ માટે મોટો કોયડો છે. બેન સ્ટોક્સ પિતાને બ્રેઇન-કૅન્સર હોવાથી આ વખતે આઇપીએલ રમશે કે નહીં એ વિશે હજી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. જોકે આઇપીએલમાં છેલ્લી બે સીઝનથી તેનો પર્ફોર્મન્સ પણ સંતોષકારક નથી રહ્યો. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જોફ્રા સતત સારો પર્ફોર્મન્સ આપી શકશે કે નહીં એ સવાલ પણ લોકોને મૂંઝવી રહ્યો છે, જ્યારે ઉનડકટ સહિત અન્ય બોલર્સ યુએઈની પિચ પર સફળ થઈ શકશે કે નહીં એ પણ કોયડો જ છે.

સ્ટોક્સ-સ્મિથે વધાર્યું રાજસ્થાનનું ટેન્શન
ગઈ સીઝનના નબળા પર્ફોર્મન્સને ભૂલીને કમબૅક કરવા મથી રહેલા રાજસ્થાન રૉયલ્સને કૅપ્ટન સ્ટીવન સ્મિથ અને બેન સ્ટોક્સે ચિંતામાં મૂકી દીધા છે. મોટી કિંમતે ખરીદાયેલો ઑલરાઉન્ડર સ્ટોક્સ આજકાલ ન્યુ ઝીલૅન્ડમાં પપ્પાની સારવારમાં વ્યસ્ત છે અને આ સીઝનમાં રમવા આવશે કે નહીં એ બાબતે અસમંજસ છે તો બીજી તરફ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ દરમ્યાન સ્મિથને માથામાં બોલ વાગતાં તે વન-ડે સિરીઝ નહોતો રમી શક્યો અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ આ બાબતે પૂરતી સાવધાની રાખી રહી છે જેથી સ્મિથ આઇપીએલની શરૂઆતની મૅચ રમશે કે નહીં એ બાબતે અનિશ્ચિતતા છે. સ્મિથ નહીં રમે તો નવો કૅપ્ટન પણ નિયુક્ત કરવો પડશે.


રાજસ્થાન રૉયલ્સની સ્ક્વૉડ
મનન વોહરા, રૉબિન ઉથપ્પા, સ્ટીવન સ્મિથ (કૅપ્ટન), શશાંક સિંહ, રિયાન પરાગ, ડેવિડ મિલર, યશસ્વી જયસ્વાલ, આકાશ સિંહ, જોસ બટલર, અનુજ રાવત, બેન સ્ટોક્સ, ટૉમ કરેન, શ્રેયસ ગોપાલ, મહિપાલ લોમરોર, જયદેવ ઉનડકટ, ઓસેન થોમસ, ઍન્ડ્રુ ટાય, રાહુલ તિવેટિયા, મયંક માર્કંડે, અનિરુદ્ધ જોશી, કાર્તિક ત્યાગી, જોફ્રા આર્ચર, વરુણ ઍરોન.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK