IPL 2020: RR vs DC: આજે રાજસ્થાન કે દિલ્હી, કોને ફળશે શારજાહ?

Published: 9th October, 2020 10:36 IST | Agency | Sharjah

રાજસ્થાને આ મેદાનમાં બન્ને મૅચમાં કમાલની જીત મેળવી છે જ્યારે શ્રેયસ ઐયરની ટીમે આ જ મેદાનમાં કલકત્તા સામે આ સીઝનનો ૨૨૮ રનનો હાઇએસ્ટ સ્કોર કરી દમ બતાવ્યો હતો

સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથ

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ટક્કર જામવાની છે. દિલ્હીઅે આ સીઝનમાં પાંચમાંથી ચાર મૅચ જીતીને કુલ ૮ પૉઇન્ટ સાથે પૉઇન્ટ-ટેબલ પર બીજા સ્થાને છે, જ્યારે રાજસ્થાને શાનદાર શરૂઆત કરતાં પ્રથમ બે મૅચ જીતીને છેલ્લી સતત ત્રણેય મૅચ હારીને અત્યારે પૉઇન્ટ-ટેબલ પર સેકન્ડ લાસ્ટ સાતમા નંબરે છે.

આજે મુકાબલો શારજાહમાં હોવાથી બન્ને વચ્ચે જબરી ટક્કર જોવા મળવાની આશા છે, કેમ કે રાજસ્થાને એની બન્ને શાનદાર જીત આ જ મેદાનમાં મેળવી છે, જ્યારે દિલ્હીઅે આ મેદાનમાં રમેલી એકમાત્ર મૅચમાં આ સીઝનનો હાઇએસ્ટ ૨૨૮ રન ફટકારીને કલકત્તાને માત આપી હતી.

shreyas

શારજાહનો કોણ બનશે શહેનશાહ?

આ સીઝનમાં રાજસ્થાન પ્રથમ બન્ને મૅચ શાહજાહમાં રમ્યું હતું અને બન્નેમાં એને શાનદાર સફળતા મળી હતી. એણે ધોનીની ચેન્નઈ અને લોકેશ રાહુલની પંજાબને આ સ્ટેડિયમમાં માત આપી હતી અને આજની દિલ્હી સામેની મૅચ જીતીને સતત ત્રણ હારની હારમાળા તોડીને શારજાહમાં જીતની હૅટ-ટ્રિક કરવા માગશે. બીજી તરફ દિલ્હી પણ ખાસ્સા એવા સારા ફૉર્મમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધી એણે ટુર્નામેન્ટમાં માત્ર એક જ મૅચ ગુમાવી છે. શાહજાહમાં દિલ્હીની આ બીજી મૅચ છે. પહેલી મૅચમાં કલકત્તા સામે આ સીઝનના હાઇઅેસ્ટ ૨૨૮ રનની ફટકાબાજી કરી વિજય મેળવ્યો હતો. હવે આજે બન્ને ટીમમાંથી કઈ ટીમ માટે શારજાહ લકી સાબિત થશે એ જોવાનું રહેશે.

સ્ટોક્સ વિનાની છેલ્લી ગેમ

રાજસ્થાનની ટીમ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરતી જોવા મળી છે. ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે પણ યુએઈ પહોંચી ગયો છે, પણ ક્વૉરન્ટીન પિરિયડમાં હોવાથી તે આજની મૅચ નહીં રમી શકે. સ્ટોક્સ વિનાની રાજસ્થાનની આ ટુર્નામેન્ટમાં આ છેલ્લી મૅચ હશે, પણ ૧૧ ઑક્ટોબરે દુબઈમાં હૈદરાબાદ સામે મેદાનમાં ઊતરતાં પહેલાં રાજસ્થાન વધુ એક મૅચ જીતવા માગે છે.

રાજસ્થાને મહેનત કરવી પડશે

રાજસ્થાનની પ્રથમ બે જીતમાં કૅપ્ટન સ્મિથ અને સંજુ સૅમસનનું મોટું યાગદાન હતું. બાકીની મૅચમાં બન્ને ફ્લૉપ જતાં ટીમ ફસડાઈ પડી હતી. હવે તેમનો ઓપનર જોસ બટલર પણ ફૉર્મમાં આવી ગયો છે એથી સ્મિથ અને સૅમસન જો આજે ટકી ગયો તો ફરી આ નાના મેદાનમાં ૨૦૦ પ્લસનો સ્કોર જોવા મળી શકે છે. ઓપનર યશસ્વી જયસ્વાલે બે મોકા ગુમાવી દીધા છે અને તેને માટે ડુ ઑર ડાઇ સમાન બની રહેશે. રાહુલ તેવટિયા શરૂઆતી ચમકારા બાદ વધુ કમાલ નથી કરી શક્યો, પણ આજે કદાચ તે ફરી શારજાહ ગજવી શકશે. બોલરોમાં જોફ્રા આર્ચર અને શ્રેયસ ગોપાલ જ કંઈક અંશે મોરચો સંભાળી રહ્યા છે. જયદેવ ઉનડકટ અને અંકિત રાજપૂત મોંઘા પડી રહ્યા છે. યુવા પેસ બોલર કાર્તિક ત્યાગીઅે પહેલી મૅચમાં ઇમ્પ્રેસ કર્યા હતા.

દિલ્હીમાં છે દમ

દિલ્હીનો કૅપ્ટન શ્રેયસ ઐયર, પૃથ્વી શૉ અને રિષભ પંત સારા ફૉર્મમાં હોવાથી ટીમને અત્યાર સુધી ફાયદો જ મળ્યો છે. માર્ક્સ સ્ટૉઇનિસ પણ મુંબઈ સામેની મૅચમાં હાફ સેન્ચુરી કરવામાં સફળ રહ્યો હતો. પાંચ મૅચમાં કેગિસો રબાડા હાઇએસ્ટ ૧૨ વિકેટ લઈને બોલરોની યાદીમાં નંબર-વન પર છે. એનરિચ નૉર્ટેજે પણ ટીમને જરૂરના સમયમાં મદદરૂપ થતો આવ્યો છે. કલકત્તા સામેની મૅચમાં ઇશાન્ત શર્માના સ્થાને રમવા આવેલા હર્ષલ પટેલે પણ સારી ગેમનું પ્રદર્શન કર્યું હતું. આ બધા ઉપરાંત અનુભવી રવિચંદ્રન અશ્વિન પણ પોતાનું કમાલ બતાવવામાં જરાય પાછળ પડે એવો નથી. રવિચન્દ્ર અશ્વિન હજી પણ ઘણો અસરકારક છે.

રાજસ્થાન ૧૧, દિલ્હી ૯

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીની ૨૦ ટક્કરમાંથી રાજસ્થાને ૧૧માં અને દિલ્હીએ ૯માં વિજય મેળવ્યો છે. ગઈ સીઝનના બન્ને જંગમાં દિલ્હીની જીત થઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK